થાણે: ટિટવાલાથી પાછા ફરતી વખતે બદલાપુર નજીક બીએમડબ્લ્યુ કાર ડિવાઈડર સાથે ટકરાયા પછી ઊંધી વળી જતાં બેનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે એક ગંભીર રીતે ઘવાયો હતો.
બદલાપુર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના રવિવારના મળસકે ચાર વાગ્યાની આસપાસ મુંબઈ-વડોદરા હાઈવે નજીક બદલાપુરમાં બની હતી. અકસ્માતમાં જીવ ગુમાવનારાઓની ઓળખ યોગેશ દિઘે (26) અને રિકેબા જેકબ (24) તરીકે થઈ હતી.
બદલાપુરમાં રહેતા દિઘે અને જેકબ ટિટવાલાથી તેમના મિત્ર આનંદ સાથે પાછા ફરતા હતા ત્યારે કાર ડિવાઈડર સાથે ટકરાઈ હતી. કાર એટલા જોરથી અથડાઈ હતી કે ત્રણથી ચાર વાર પલટી ખાઈને ઘસડાઈ હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા આનંદને સારવાર માટે નજીકની ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો.પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે કાર પુરપાટ વેગે દોડતી હતી, જેને પગલે ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
કાર અથડાવાનો અવાજ સાંભળી સ્થાનિક રહેવાસીઓ દોડી આવ્યા હતા. એ સિવાય હાઈવે પરથી પસાર થનારા વાહનધારકો પણ મદદે આવ્યા હતા. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતકોનાં શબ પોસ્ટમોર્ટમ માટે સરકારી હૉસ્પિટલમાં લઈ જવાયાં હતાં. આ પ્રકરણે ગુનો નોંધી બદલાપુર પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.અધિકારીએ જણાવ્યું હતું કે ઘટનાસ્થળે ફોરેન્સિકની ટીમ પણ પહોંચી હતી અને પુરાવા ભેગા કર્યા હતા. ઘટના સમયે ડ્રાઈવર શરાબના નશામાં હતો કે કેમ તેની તપાસ પોલીસ કરી રહી છે. (પીટીઆઈ)