મુંબઈ: સ્વઘોષિત ગૉડમૅન અશોક ખરાતના મહિલાઓ સાથેના વાંધાજનક વીડિયો કથિત રીતે વાયરલ કરનારા બે જણની અહિલ્યાનગરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. છેલ્લાં ત્રણ વર્ષથી એક મહિલા સાથે કથિત દુષ્કર્મના કેસમાં ખરાતની 18 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન મહિલાઓ સાથેના શારીરિક સંબંધના અનેક વાંધાજનક વીડિયો સામે આવ્યા હતા. આમાંથી કેટલાક વીડિયો સોશ્યલ મીડિયા અને વૉટ્સઍપ ગ્રૂપ્સમાં નજરે પડ્યા હતા, જેને પગલે એસઆઈટીએ તેની તપાસ હાથ ધરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
અધિકારીએ જણાવ્યું હતું કે અહિલ્યાનગરના કોપરગાંવમાં રહેતા રાહુલ ગંગાધર શિંદેએ એક મહિલા સાથેનો ખરાતનો વાંધાજનક વીડિયો પચીસ માર્ચે વૉટ્સઍપના એક ગ્રૂપમાં શૅર કર્યો હતો. બાદમાં આ વીડિયો કોપરગાંવમાં જ રહેતા યોગેશ પંઢરીનાથ આઢાવે બીડના માજલગાંવમાં રહેતા તેના મિત્ર સંદીપ ગરજેને ફોરવર્ડ કર્યો હતો.
કોપરગાંવ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની સુસંગત કલમો અને ઈન્ફર્મેશન ટેક્નાલૉજી ઍક્ટ હેઠળ ગુનો નોંધી શિંદે અને આઢાવની ધરપકડ કરી હતી. પોલીસ ગરજેની શોધ ચલાવી રહી છે, એવું અધિકારીએ જણાવ્યું હતું.
બન્ને આરોપીની ધરપકડના સમાચારને સમર્થન આપતાં અહિલ્યાનગરના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ સોમનાથ ઘુઘેએ ચેતવણી આપી હતી કે આવા વાંધાજનક વીડિયો વાયરલ કરનારા સહિત સોશ્યલ મીડિયા એડ્મિનિસ્ટ્રેટર્સની ધરપકડ કરવામાં આવશે અને વધુ કાનૂની પગલાં લેવામાં આવશે. (પીટીઆઈ)