Thu Apr 23 2026

Logo

આવા ઢોંગી તાંત્રિકોની હવસખોરી કેમ ચાલે છે, કેમ ચલાવી લેવામાં  આવે છે?

2026-04-05 10:08:07
Author: વિજય વ્યાસ
Article Image

છેલ્લાંમાં છેલ્લાં અહેવાલ મુજબ પોતાની સેક્સ-લીલાથી દેશમાં ઊહાપોહ મચાવી દેનારા નાશિકના આ કહેવાતા તાંત્રિક-જ્યોતિષ અશોક ખરાતની કામલીલાના 3500થી વધુ વીડિયો વાયરલ થયા છે, જેમાંથી ઘણા ખરા પોલીસે સોશ્યલ મીડિયા પરથી દૂર કર્યા છે. આ ઓછું હોય તેમ આ હવસખોર રૂપિયા 1500 કરોડની સંપત્તિ પણ ધરાવે છે... અનેક નામી-અનામી રાજકારણીઓ સાથે કહેવાતા ઘનિષ્ઠ સંબંધને કારણે એની આ લંપટલીલા અત્યાર સુધી છતી નહોતી થઈ !

કવર સ્ટોરી - વિજય વ્યાસ

મહારાષ્ટ્ર- નાશિકના ઢોંગી બાબા-તાંત્રિક અશોક ખરાતની હવસલીલાએ દેશભરમાં ખળભળાટ મચાવી દીધો  છે.    

નાસિકની ‘શિવનિકા’  સંસ્થાનના વડા અશોક ખરાત ઉર્ફે કેપ્ટન અત્યારે જેલની હવા ખાઈ રહ્યો છે. પોતે મર્ચન્ટ નેવી ઓફિસર તરીકે કામ કરી ચૂક્યો છે એવો દાવો કરતો અશોક ખરાત છેલ્લા કેટલાક સમયથી જ્યોતિષ તરીકે કામ કરતો હતો. ખરાતના ક્લાયન્ટ્સમાં અનેક જાણીતાં નેતાઓ સહિત ઘણા હાઈ પ્રોફાઈલ લોકો હતા, પણ અત્યાર સુધી  અશોક ખરાત બહુ જાણીતું નામ નહોતું.

17 માર્ચે એક મહિલાએ અશોક ખરાત સામે ફરિયાદ નોંધાવી એ સાથે જ ખરાતનું નામ દેશભરમાં ગાજવા માંડ્યું.   પેલી મહિલાનો આક્ષેપ છે કે, ખરાતે 2020થી 2026 એટલે કે સળંગ છ વર્ષ સુધી પોતાની સાથે શરીર સંબંધ બાંધીને શોષણ કર્યું હતું અને એને પ્રેગનન્ટ કરી દીધી હતી.

મહિલાના આ આક્ષેપના પગલે ખરાત સામે બળાત્કારનો કેસ નોંધીને ધરપકડ કરીને તપાસ શરૂ કરાઈ. આ તપાસમાં મળેલા મુદ્દામાલે પોલીસના હોશ ઉડાવી દીધા. ખરાત પોતાની ઓફિસમાં અલગ અલગ ઉંમરની મહિલાઓ સાથે શરીર સંબંધ બાંધતો હોય એવી સંખ્યાબંધ સેક્સ ક્લિપ્સની સાથે સાથે પોલીસને ખરાતે જાકુબીના ધંધાથી ભેગી કરેલી અબજોની સંપત્તિના પુરાવા પણ મળ્યા. પોલીસે આ બધું કોર્ટમાં રજૂ કર્યું તો કોર્ટ પણ ચોંકી ગઈ ને ખરાતના ધંધાઓની તપાસ કરવા સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી) બનાવવી પડી.

એસઆઈટીએ તપાસ શરૂ કરી એ પહેલાં એક બીજી રસપ્રદ ઘટના બની. સોશ્યલ મીડિયા પર ખરાતની હવસલીલાની સંખ્યાબંધ ક્લિપ્સ વહેતી થઈ. તેમાં એક ક્લિપ મહારાષ્ટ્ર મહિલા આયોગનાં ચેરપર્સન રૂપાણી ચાકણકરની હતી. એક અહેવાલ મુજબ ચાકણકર ખરાતના પગ ધોતાં હોય ત્યાંથી માંડીને એમને સંડોવતી અશ્લીલ કહી શકાય એવી ક્લિપ પણ મળી આવી, પરિણામે ચોતરફ ખળભળાટ મચી ગયો. આ કહેવાતા કાંડ પછી રૂપાલીએ શરમના માર્યા રાજીનામું ધરી દેવું પડ્યું. એ લજ્જાજનક વીડિયો અઈંથી બનાવામાં આવ્યો હોવાનો એમણે લૂલો બચાવ કર્યો, પણ કોઈને ગળે આ વાત ઉતરતી નથી.

લૂલા બચાવ પછી રૂપાલી ગાયબ થઈ ગયાં છે, પણ બીજી તરફ ખરાતની કામલીલાના વીડિયો સોશ્યલ મીડિયા પર ઠલવાતાં જ જાય છે. પહેલાં તો પોલીસ તરફ શંકાની સોય તકાયેલી પણ પછી ખબર પડી કે, ખરાતને ત્યાં કામ કરી ચૂકેલો એક છોકરો આ સેક્સ ક્લિપ લીક કરી રહ્યો છે. પોલીસે તેને અને તેના એક સાથીને પણ ઉઠાવી લીધો છે છતાં સેક્સ ક્લિપ હજુય બહાર આવતી જ જાય છે !.

 અત્યાર સુધીમાં 100 કરતાં વધારે સેક્સ કિલ્પ્સ બહાર પડી ગઈ છે અને હજુ અંત આવ્યો નથી... એ જોતા પૂર્વ વડા પ્રધાન દેવ ગૌડાના પૌત્ર પ્રજ્વલ રેવન્નાને પણ ટપી જશે એવું લાગે છે. કર્ણાટક ના આ સાંસદ પણ હવસખોરી માટે અત્યારે કારાવાસ ભોગવી રહ્યો છે.   

બીજી તરફ અશોક ખરાતની સેક્સલીલા ઉપરાંત પોલીસને એણે ભેગી કરેલી સંપત્તિના જે પુરાવા મળ્યા છે એ પણ આંખો ફાટી જાય એવા છે. ખરાત પાસે 1500 કરોડથી વધુની સંપત્તિ હોવાનો એસઆઈટીનો દાવો છે. મીરગાંવમાં 16 એકરમાં ફેલાયેલું 18 કરોડનું આલીશાન ફાર્મહાઉસ ધરાવતા ખરાતે શિવનિકા સંસ્થા દ્વારા હવાલા કૌભાંડ કરીને અબજોની બેનામી મિલકત જમાવી હોવાનું કહેવાય છે. એસઆઈટીની તપાસમાં ખરાતના મોબાઈલમાંથી 2500 જેટલા એવા નંબર મળ્યા છે કે જે કોડવર્ડ સાથે ફીડ કરાયેલા છે. અશોકની પત્ની અત્યારે ગાયબ છે, પણ પોલીસે તેના પુત્રને ઉઠાવ્યો છે, જેથી ખરાતની કરમ કુંડળીની ખરી ભાળ મળે...

અશોક ખરાત કેસમાં સંડોવાયેલી મહિલાઓ માટે મીડિયા ‘પીડિત’ શબ્દ વાપરે છે પણ વાયરલ વીડિયો જોયા પછી કોઈ મહિલા પીડિત હોય એવું લાગતું નથી. તમામ વીડિયોમાં મહિલાઓ સ્વૈચ્છિક રીતે જ ખરાતના હવસના ખેલમાં ભાગીદાર બનતી હોય એવું લાગે છે. સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)એ પણ કોર્ટમાં દાવો કર્યો કે, મહિલાઓને ગુમરાહ કરવા માટે નશીલા પદાર્થો અપાતા હતા અને પેંડા ખવડાવીને મહિલાઓને ઘેન ચડાવી દેવાતું હતું. ખરાત મહિલાઓને ઘેનયુક્ત પદાર્થોવાળો પેંડો ખવડાવીને કહેવાતી તાંત્રિક વિધિ દ્વારા ‘યોનિ શુદ્ધિકરણ’ના નામે જાતીય અત્યાચાર કરતો હતો.

પોલીસે કેસ મજબૂત કરવા આ વાત કરી હશે પણ અત્યાર સુધી બહાર આવેલા વીડિયોમાંથી કોઈ વીડિયોમાં મહિલા ઘેનમાં હોય ને ખરાત તેમની બેભાનાવસ્થાનો ગેરલાભ ઉઠાવતો હોય એવું લાગતું-દેખાતું નથી. મોટી ઉંમરની મહિલાઓથી માંડીને ખરાતની પૌત્રીની ઉંમરની લાગતી યુવતીઓ સુધ્ધાં આ સેક્સલીલામાં એકદમ સભાન દેખાય છે... કહેવાતી પીડિત મહિલાઓ હસતી હોય, શરમાતી હોય ને પછી ખરાતને વળગી જતી હોય એવું ઘણાં વીડિયોમાં દેખાય છે. એમાં આ મહિલાઓની મજબૂરીઓ હશે તેનો ઈન્કાર ના થઈ શકે પણ કમ સે કમ વીડિયોમાં એવું  દેખાતું નથી.

અહીં હવે સવાલ એ થાય કે, માથે ટાલ ધરાવતો અશોક ખરાત હૃતિક રોશન કે ટાઈગર શ્રોફ જેવો સોહામણો કે    માચોમેન પણ નથી કે એના જેવા ઢોંગીમાં આ મહિલાઓ એવું શું ભાળી ગયેલી કે પોતાનું શરીર તેને સોંપીને તેની સાથે સ્વેચ્છાએ શરીર સંબંધ બાંધતી હતી?  આ સવાલનો જવાબ સ્પષ્ટ છે. ભારતમાં એવો માહોલ ઉભો કરી દેવાયો છે કે, ધર્મ જ સર્વસ્વ છે અને ધર્મ પાસે દરેક સમસ્યાનો જવાબ છે, ધર્મમાં દરેક ઈચ્છા પૂરી કરવાની તાકાત છે. તેના કારણે જેને નાની પણ સમસ્યા હોય કે મહત્ત્વાકાંક્ષા હોય એ સીધા ધર્મના બની બેઠેલા ઠેકેદારો એવા ઢોંગી બાબાઓ, જ્યોતિષ, તાંત્રિકો વગેરે પાસે દોડી જાય છે, જેમને મીઠા મીઠા શબ્દો બોલીને આ ઢોંગીઓ પોતાની તરફ ખેંચીને છેવટે સુંવાળા સંબંધો તરફ દોરી જાય છે. 

અત્યારે કેદ ભોગવી રહેલા આશારામ બાપુથી લઈને અશોક ખરાત જેવાનો ધંધો ધોધોકાર ચાલે છે, કારણ કે  રાજકારણીઓ એમને પોષે છે. 

બીજી એક મહત્ત્વની વાત પણ કરી લઈએ.

અશોક ખરાતની હવસલીલાનો ભોગ બનેલી મોટા ભાગની મહિલાઓ હિંદુ છે અને ખરાતે હિંદુ ધર્મના નામનો દુરુપયોગ કરીને તેમને શિકાર બનાવી અથવા ભોળવી. હિંદુ ધર્મના બની બેઠેલા ઠેકેદારો ખરાત જેવા ઢોંગી સામે કેમ ચૂપ છે? ‘લવ જિહાદ’ સામે કૂદી કૂદીને બોલનારાંને હિંદુ સ્ત્રીઓની આબરૂ હિંદુ ધર્મના નામે ચરી ખાતા ઢોંગીને હાથે લૂંટાય છે છતાં એમની સામે કેમ કોઈ આંદોલન નથી થતું?