ગાંધીનગરઃ ગુજરાત સરકારે ભ્રષ્ટાચાર ડામવા ઓપરેશન ગંગાજળ અભિયાન હાથ ધર્યું છે. જોકે તેમ છતાં તેની કોઈ અસર ન થઈ હોવાનું વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન સામે આવ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્ય અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પૂછેલા પ્રશ્નના જવાબમાં સરાકારે જણાવ્યું કે, 31 ડિસેમ્બર 2025ની સ્થિતિએ 187 સરકારી કર્મચારીઓ લાંચ લેતાં ઝડપાયા હતા. એટલે કે દર બીજા દિવસે એક સરકારી બાબુ લાંચ લેતા એસીબીના છટકામાં સપડાયા હતા. તેમાં ગૃહ વિભાગના સૌથી વધારે 63 કર્મચારીઓ ઝડપાયા હતા. પકડાયેલામાંથી 101 નિર્દોષ છૂટ્યા હતા, જ્યારે માત્ર 37 જ દોષિત ઠર્યા હતા.
કેન્દ્ર સરકારના 16 અધિકારીઓ સામે કેસ
અમિત ચાવડાના પ્રશ્નના લેખિત જવાબમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, ACBએ આ વર્ષમાં કેન્દ્ર સરકારના 16 અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ પણ કેસ નોંધ્યા છે. જેમાં એક વર્ગ-1 ના અધિકારી, આઠ વર્ગ-2 ના અધિકારીઓ, છ વર્ગ-3 ના કર્મચારીઓ અને એક વર્ગ-4 ના કર્મચારીનો સમાવેશ થાય છે.
સરકારે વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2025 માં પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગના 17, મહેસૂલ વિભાગના 27, શિક્ષણ વિભાગના 10, આરોગ્ય વિભાગના 3, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના 8 અને ઉદ્યોગ વિભાગના 7 અધિકારીઓ-કર્મચારીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યા હતા.
ક્યા વિભાગના કેટલા કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા
ગૃહ વિભાગઃ 63
મહેસૂલઃ 27
પંચાયતઃ 17
શિક્ષણઃ 10
નર્મદા-જળસંપત્તિઃ 9
ઉર્જાઃ 8
ઉદ્યોગ-ખાણઃ 7
શહેરી વિકાસઃ 7
વન- પર્યાવરણઃ 6
આરોગ્યઃ 3
નાણાંઃ 3
માર્ગ-મકાનઃ 3
નાગરિક, પુરવઠા અને કાયદા વિભાગઃ 1
કેન્દ્ર સરકારનાઃ 16