Fri Sep 04 2026

Logo

અમે માત્ર ગ્લેમર કપલ નહીં રહેતાં વિશ્વસેવા માટે સમર્પિત યુગલ બની ગયાં

2026-03-12 08:40:00
Author: કાજલ ઓઝા-વૈદ્ય
અમે માત્ર ગ્લેમર કપલ નહીં રહેતાં વિશ્વસેવા માટે સમર્પિત યુગલ બની ગયાં

 કથા કોલાજઃ  કાજલ ઓઝા-વૈદ્ય

(ભાગ: 5)
નામ: એન્જેલિના જોલી
સમય: 2026
સ્થળ: લોસ ફેલિઝ, લોસ એન્જલિસ, કેલિફોર્નિયા
ઉંમર: 50 વર્ષ

વ્યક્તિ તરીકે એક માણસ શું માગે? સહુને અલગ-અલગ પ્રકારના સુખ અથવા જીતનો નશો હોય છે... આજે દરેક માણસ પૈસા, સગવડ, પ્રસિદ્ધિ, સત્તા કે સંબંધો... દરેકની કિંમત લગાવે છે, મૂલ્ય ઓછું થતું જાય છે. માણસોના સંબંધોની એકમેક સાથેની સંવેદનાને આપણે ધીરે ધીરે નજર અંદાજ કરતા થઈ ગયા છીએ. દુન્યવી વસ્તુઓમાં આપણું ચિત્ત એટલું બધું રમમાણ છે કે સાચા સંબંધોને ઓળખવાનો આપણી પાસે સમય જ નથી. 

એવા વિપરીત સમયમાં મને જીવનસાથી તરીકે બ્રેડ મળ્યો, એ ઈશ્વરની કૃપા છે. જીવનના ઊબડ-ખાબડ રસ્તા પર પડતી, આખડતી, અથડાતી હું જ્યાં પહોંચી ત્યાં મારી પાસે ચાર સંતાનો અને એક સમજદાર, પ્રેમાળ જીવનસાથી હતો. મારા પહેલાંના સંબંધોમાં કદાચ કોઈ કારણસર હું ગોઠવાઈ શકી નહીં. મારા પહેલા પતિ જ્હોની મિલર સાથેના સંબંધોમાં કદાચ હું બહુ નાની હતી. લગ્ન અને જવાબદારીનું મહત્ત્વ સમજી શકું એવી સ્થિતિમાં નહોતી. 

એ પછી બિલી બોબ સાથેના સંબંધોમાં કદાચ મારી પ્રસિદ્ધિ અને લોકપ્રિયતા નડી ગઈ. એ સાવ એકાંતનો માણસ હતો. જ્યારે હું મારી સિનેમાની કારકિર્દીને કારણે એમ સંતાઈને જીવી શકું એમ નહોતી. બિલી સાથેના સંબંધો પૂરા થયા પછી બ્રેડ મળ્યો, જે સમજી શકતો હતો કે, પ્રસિદ્ધિમાં જીવવું કેટલું અઘં છે. એ પણ પોતાના મુશ્કેલ સંબંધોમાંથી બહાર આવ્યો હતો.

મેં દત્તક લીધેલાં બાળકોને એણે પૂરા સ્નેહ અને આદરથી અપનાવ્યાં, એટલું જ નહીં લગ્ન કર્યાં વગર અમે આટલાં વર્ષ સાથે રહ્યાં એ દરમિયાનમાં એકમેકને સમજી શક્યાં અને એટલે જ અમે નક્કી કર્યું કે અમે એક બાયોલોજીકલ બાળકને જન્મ આપીશું. અમારી પહેલી દીકરી શિલોહનો જન્મ થયો એ પછી બે જ વર્ષમાં મેં જોડિયા બાળકોને જન્મ આપ્યો નોક્સ અને વિવિયન...

છ બાળકો સાથે અમારો પરિવાર ખૂબ સુખી અને સંતુષ્ટ હતો. બ્રેડ પોતાની કારકિર્દીમાં ઉત્તમ કામ કરી રહ્યો હતો. મને પણ પૂરી પ્રસિદ્ધિ અને સફળતા મળી રહી હતી. `મિસ્ટર એન્ડ મિસિસ સ્મિથ' પછી `બાબેલ' અને `બેન્જમિન બટન' જેવી ફિલ્મો બ્રેડને ઓસ્કાર માટે નોમિનેટ તો કરી જ ગઈ, પરંતુ એક અભિનેતા તરીકે એમની એક જુદી જ ઓળખ ઊભી થઈ. એ પછી એણે નિર્માતા તરીકે કામ કરવાનું શરૂ કર્યું. 

2005થી 2014 સુધીનો અમારો સમય ફ્રાન્સ, ન્યૂઓર્લેન્સ, કમ્બોડિયા અને યુ.કે.માં વિત્યો. આફ્રિકા અને મિડલ ઈસ્ટના પ્રવાસો દરમિયાન બ્રેડ હંમેશાં મારી સાથે સામાજિક કાર્યો અને માનવીય સેવાનાં કામો કરતો રહ્યો. મારે એક વાત સ્વીકારવી જોઈએ કે, દરેક વ્યક્તિને જીવનમાં આટલું બધું મળતું નથી. ખૂબ મહેનત કરનારા લોકો પણ જીવનમાં પોતાના ઈચ્છિત ધ્યેયને પામી શકતા નથી, જ્યારે હું પાછી ફરીને જોઉં છું તો મને સમજાય છે કે 2000માં ઓસ્કાર જીત્યા પછી વિશ્વના 81 ટકા લોકો મને ઓળખતા હતા. 

2006માં એક સર્વે કરવામાં આવ્યો. જેમાં વિશ્વના 128 દેશોમાં ઉત્પાદનોને સમર્થન કરનારા (એન્ડોર્સમેન્ટ) સ્ટાર્સમાં પહેલા પચાસમાં મારૂ અને બ્રેડનું નામ હતું. 2006-07-08 અને 09માં સળંગ દર વર્ષે દુનિયાના 100 સૌથી પ્રભાવશાળી (ઈન્ફ્લ્યુએન્શલ) લોકોની યાદીમાં મારૂ અને બ્રેડનું નામ સામિલ કરવામાં આવ્યું. 2010માં અમે જાતે જ વિનંતી કરીને આ લિસ્ટમાંથી નામ કઢાવી નાખ્યું. 

2006ના પિપલ મેગેઝિનના `100 મોસ્ટ બ્યૂટીફુલ' લોકોની યાદીના ખાસ અંકમાં મને બીજા ક્રમે મૂકવામાં આવી. 2007માં ગ્રેટેસ્ટ સેક્સ સિમ્બલ અને 2008થી 2012 સુધી વિશ્વમાં સૌથી વધુ પારિશ્રમિક મેળવનારી અભિનેત્રી તરીકે હું નોમિનેટ થઈ. હું 15 મિલિયન પ્રતિ ફિલ્મ ચાર્જ કરતી હતી અને નિર્માતાઓ એથી વધુ પણ આપવા તૈયાર હતા...

2010 પછી મેં ફિલ્મો પસંદ કરવામાં સાવચેતી રાખવાનું શરૂ કર્યું. હવે હું અને બ્રેડ અમારા પરિવાર સાથે એવી જગ્યામાં પહોંચ્યા હતા જ્યાં પૈસાનું ખાસ મહત્ત્વ નહોતું. અમે સાથે મળીને એક વિલા ખરીદી. જે શાંત અને ફોરેસ્ટ વિસ્તારમાં હતી. ફ્રાન્સના કોરેન્સ વિસ્તારમાં 60 મિલિયનમાં ખરીદેલી આ પ્રોપર્ટી લગભગ 1000 એકર જમીન ધરાવે છે. 35 રૂમવાળા આ હિસ્ટોરીક શેટ્યૂ (મહેલ)માં ચેપલ પણ છે. અહીં ઓલિવના વન છે અને નાનકડી વાઈનરી છે. એ વાઈનરીને અમે મિરાવલ વાઈન્સના બિઝનેસ સાથે શરૂ કરી. 

અમે બંને ક્રિએટીવ છીએ, શોખીન છીએ એટલે બ્રેડ જાતે વાઈન બનાવવામાં રસ લેતો. હું પણ સમય સમયાંતરે આ વાઈનરીમાં, ઓલિવના ઉછેરમાં અને મહેલના રિનોવેશનમાં ધ્યાન આપતી. માત્ર અમારા માટે ખરીદવું કે અમારા જ સુખનો વિચાર કરવો એ અમારી પ્રકૃતિ નથી. ફ્રાન્સમાં અમે `મેક ઈટ રાઈટ ફાઉન્ડેશન'ની શરૂઆત કરી. સસ્ટેનેબલ ઘરો સસ્તા ભાવે લોકોને મળી રહે એ માટે કામ કર્યું. 

અમેરિકા ઈકો ફ્રેન્ડલી ઘરો ખરીદ્યા. અનાથ આશ્રમ બનાવડાવ્યા, જેને શેલ્ટર હોમ કહેવાને બદલે અમે `લવ નેસ્ટ' નામ આપ્યું. યુદ્ધનાં શરણાર્થી બાળકોને યોગ્ય શિક્ષણ અને ઉછેર મળે એવા ઉદ્દેશ્યથી શરૂ કરાયેલા આવા હોમ્સ અમેરિકા, કમ્બોડિયા, મિડલ ઈસ્ટ અને આફ્રિકામાં અનેક જગ્યાએ ઊભાં કર્યાં. 

અમે માત્ર ગ્લેમર કપલ નહીં રહેતાં વિશ્વસેવા માટે સમર્પિત યુગલ બની ગયાં. બ્રેડને પત્રકારત્વ ભણવું હતું, પરંતુ ત્યાંથી અભિનય તરફ વળતાં એની એ ડિગ્રી અધૂરી રહી ગઈ. એને વિશ્વના કરંટ અફેર સાથે જોડાયેલા રહેવું ગમે છે. સિરિયા, સુદાન, ઈરાન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં 60થી વધારે રેફ્યુઝી મિશન દરમિયાન બ્રેડ જાતે હાજર રહ્યો. `ડોક્ટર વિધાઉટ બોર્ડર્સ' એક એવું ચેરિટી મિશન હતું, જેમાં વિશ્વના કોઈપણ ડોક્ટરને એક દેશમાંથી બીજા દેશમાં મદદ માટે જવાની છૂટ હતી. 

આ ચેરિટી યુનાઈટેડ મિશનમાં વિશ્વના અનેક જાણીતા અને મોટા ડોક્ટર્સે પોતાનું નામ નોંધાવ્યું. કોઈપણ ડિઝાસ્ટર  કુદરતી આફતની સામે મદદ મળી રહે એ માટે બ્રેડ અને મારા જોઈન્ટ એકાઉન્ટમાંથી અમે એક મોટી કોર્પસ ઊભી કરી. વિશ્વના કોઈપણ દેશમાં કુદરતી આફત વખતે આ પોસ્ટ ડિઝાસ્ટર રિલીફ ફંડમાંથી મદદ મોકલવામાં આવે છે. અભિનેતા અને સુપર સ્ટાર હોવા છતાં ગ્લેમરને બદલે આવા યુદ્ધનાં મેદાનો પર જાતે હાજર રહીને એણે પુરવાર કરી દીધું કે માણસ હોવું એ આપણા સહુની પહેલી ઓળખાણ અને લાયકાત છે.

મારી માને બ્રેસ્ટ કેન્સર હતું. મારી માસીઓ અને અમારા પરિવારમાં પણ બ્રેસ્ટ કેન્સરની પરંપરા ચાલી આવે છે. બીઆરસીએ-1 જીન રિસ્ક આજની સ્ત્રીઓ માટે બહુ મોટો પ્રશ્ન છે. એક અભિનેત્રી તરીકે મેં જ્યારે ડબલ માસ્ટેક્ટોમી (બંને સ્તન રીમુવ કરાવવાની સર્જરી) કરાવી ત્યારે સહુને લાગતું હતું કે મારી લોકપ્રિયતામાં અને મારી ગ્લેમરમાં ફરક પડશે, પરંતુ એનાથી કોઈ ફરક પડ્યો નહીં. બલ્કે મોટી વાત એ થઈ કે મને બ્રેસ્ટ કેન્સર અવેરનેસ માટે અનેક જગ્યાએથી આમંત્રણો આવ્યાં. વુમન હેલ્થની રિપ્રેઝન્ટેટીવ તરીકે લોકોએ મને સ્વીકારી એટલું જ નહીં એ માટે પહેલ કરવા બદલ મને સન્માન મળ્યું.

આટલો સુંદર સંબંધ હોય ત્યારે કોણ એવું ન ઇચ્છે કે આ સંબંધને વધુ ગાઢ અને મજબૂત કરવામાં આવે? 2012માં બ્રેડે જાતે કસ્ટમાઈઝ્ડ ડિઝાઈન કરેલી વીંટી સાથે મને પ્રપોઝ કર્યું. વિશ્વભરના મીડિયામાં આ સંબંધના `ઓફિશિયલ' થવા અંગે એક ઉન્માદ ફેલાઈ ગયો. `બ્રેન્જેલિના'ની જોડી હવે પોતાના સંબંધોને કાયમી અને લિગલ સ્વરૂપ આપી રહી છે એ વાતે પ્રશંસકો પણ ખુશ હતા. 

2014માં અમારા ફ્રાન્સના શેટ્યૂ (મેન્શન-મહેલ)માં એક સાદા સમારંભમાં અમે લગ્ન કર્યાં... મીડિયાને આ લગ્નથી દૂર રાખવામાં આવ્યું હતું. માત્ર ખાસ આમંત્રિત મેગેઝિનના ફોટોગ્રાફર્સ જ અંદર પ્રવેશી શકે એવી સુરક્ષા વ્યવસ્થા સાથે આ લગ્ન થયાં. અહીંથી કદાચ અમારા દુર્ભાગ્યની શરૂઆત થઈ. 2005થી 2014 સુધીમાં અમે એકસૂર, એકરાગ હતાં. એકમેકના કામમાં સાથ આપતાં, એકમેકની લાગણીઓને સન્માન આપતાં, પરંતુ 2014 પછી કોણ જાણે શું થયું કે અમારા લગ્ન થયાં પછી અમારો સંબંધ ગૂંચવાઈ ગયો.

2015માં એક પ્રાઈવેટ જેટમાં પ્રવાસ વખતે મારા સંતાન મેડોક્સ સાથે બ્રેડ એકદમ ખરાબ રીતે વર્ત્યો. એના પર હાથ ઉપાડવાની કોશિશ કરી એટલું જ નહીં, મારી સાથે પણ અત્યંત અપમાનજનક વર્તન કર્યું. એ જ ક્ષણે મેં મનોમન નક્કી કરી લીધું કે હું જે બ્રેડને ચાહતી હતી તે આ નથી. 2015ના અંતમાં અમે ડિવોર્સ માટેનો કેસ ફાઈલ કર્યો. બાળકોની કસ્ટડી, વાઈનરીની માલિકી અને ઉછેરના રાઈટ્સ વિશે કોર્ટમાં ઘણો વિવાદ થયો. 

બ્રેડના વર્તન વિશે કોર્ટમાં કશું સાબિત થઈ શક્યું નહીં. બ્રેડે કોર્ટમાં કહી દીધું કે, એણે કોઈ બાળક સાથે ખરાબ વર્તન કર્યું નથી. મારી ફરિયાદની ચાઈલ્ડ પ્રોટેક્ટિવ સર્વિસ અને એફબીઆઈએ ઈન્કવાયરી કરી, પરંતુ અંતે કંઈ સાબિત ન થઈ શકતા બ્રેડ નિર્દોષ છૂટ્યો. અમે બાળકોની કસ્ટડી સહિયારી રાખી. મિરાવાલ વાઈનરીની માલિકી બ્રેડ પાસે ગઈ, જ્યારે શેટ્યૂ મારી માલિકીમાં રહ્યો.

પછીનાં થોડાં વર્ષો બાદ બ્રેડે એક ઈન્ટરવ્યૂમાં સ્વીકાર્યું કે આલ્કોહોલની અસર નીચે એ ભાન ભૂલી ગયો હતો. એણે મારી માફી પણ માગી, પરંતુ પછી કશું બદલાઈ શકે એમ નહોતું. અઢી વર્ષની લાંબી કાનૂની લડાઈ પછી ડિવોર્સ થયા. 2022 સુધી ચાલેલા લિગલ યુદ્ધ પછી પ્રોપર્ટી છૂટી પડી શકી. મારાં કેટલાંક બાળકોએ એમના નામની પાછળથી `પિટ' કાઢી નાખ્યું. 2024ના અંતમાં બધું શાંત થયું અને 2024નો ક્રિસમસ મેં મારા સંતાનો સાથે ઉજવ્યો...        (સમાપ્ત)