અમરેલીઃ રાજુલાના ખેરા ગામમાં એક પ્રેમસંબંધની અદાવતમાં યુવકના પિતાનું અપહરણ કરવામાં આવ્યું હતું. જે બાદ તેમને ઝાડ સાથે બાંધીને ઢોર માર માર્યો હતો. આ દરમિયાન છોડાવવા ગયેલી પોલીસ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં પીએસઆઈ સહિત ત્રણ પોલીસકર્મી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
શું છે મામલો
ખેરા ગામના એક યુવકને એક યુવતી સાથે પ્રેમસંબંધ હતો અને ભગાડી ગયો હતો. જેની અદાવત રાખીને યુવકના પિતાનું અપહરણ કરવામાં આવ્યું હતું. જે બાદ તેને ગામની સીમમાં લઈ ગયા હતા અને ઝાડ સાથે બાંધીને ફટકાર્યા હતા. આ દરમિયાન પીપાવાવ મરીન પોલીસને ઘટનાની બાતમી મળતા જ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે સમયસૂચકતા વાપરીને દેવશીને અપહરણકર્તાઓની ચુંગાલમાંથી મુક્ત કરાવ્યા હતા.
પોલીસે યુવકના પિતાને છોડાવ્યા બાદ ઉશ્કેરાયેલા ટોળાને શાંત પાડવાનો અને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ટોળાએ પોલીસ ટીમ પર જ હુમલો કરી દીધો હતો. ટોળાએ પોલીસ કર્મચારીઓ પર પથ્થરમારો કર્યો હતો અને લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં પીએસઆઈ સહિત કેટલાક પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા. તેને તાત્કાલિક સારવાર અર્થે રાજુલાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટનાની જાણ થતાં જ અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે સમગ્ર મામલાની ગંભીરતા નોંધીને આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા. પોલીસે પોતે ફરિયાદી બનીને સરકારી ફરજમાં રૂકાવટ, પોલીસ પર હુમલો, રાયોટિંગ અને અપહરણ સહિતની ગંભીર કલમો હેઠળ 50 જેટલા શખસોના ટોળા સામે ગુનો દાખલ કર્યો હતો. તેમજ આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા.