Thu Sep 03 2026

Logo

ડીઝલ અને ATF પર ખાસ ડ્યૂટી કેમ વધારી? સરકારે જણાવ્યા 2 કારણ

2026-06-16 08:47:00
Author: Mumbai Samachar Team
ડીઝલ અને ATF પર ખાસ ડ્યૂટી કેમ વધારી? સરકારે જણાવ્યા 2 કારણ

નવી દિલ્હીઃ અમેરિકા અને ઈરાન વચ્ચે ભલે શાંતિ સમજૂતી થઈ ગઈ હોય, પરંતુ પરિસ્થિતિ થાળે પડવામાં હજુ ઘણો લાંબો સમય લાગી શકે છે. આવી સ્થિતિમાં, સરકારે સોમવારે મોડી રાત્રે ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF)ની નિકાસ પર સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી (SAED) વધારી દીધી છે, જેને સામાન્ય ભાષામાં 'વિન્ડફોલ પ્રોફિટ ટેક્સ' (Windfall Profit Tax) કહેવામાં આવે છે. સરકારે આ નિર્ણય બે મુખ્ય બાબતોને ધ્યાનમાં રાખીને લીધો છે

નાણા મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન (જાહેરનામા) મુજબ, ડીઝલની નિકાસ પરની SAED (સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી) હાલના 13.5 રૂપિયા પ્રતિ લીટરથી વધારીને 14 રૂપિયા પ્રતિ લીટર કરી દેવામાં આવી છે. તે જ સમયે, ATF (વિમાનના બળતણ) ની નિકાસ પરની ડ્યુટી 9.5 રૂપિયા પ્રતિ લીટરથી વધારીને 12.5 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવી છે.

જો કે, પેટ્રોલની નિકાસ ડ્યુટીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તે 1.5 રૂપિયા પ્રતિ લીટર પર જ યથાવત રાખવામાં આવી છે. આ નવા દરો 16 જૂનથી લાગુ થઈ ગયા છે.

સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે સ્થાનિક વપરાશ માટેના પેટ્રોલ અને ડીઝલ પરની વર્તમાન એક્સાઇઝ ડ્યુટીના દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જેનો અર્થ એ છે કે, રિટેલ (સામાન્ય) ગ્રાહકો પર આ તાજેતરના ફેરફારની તાત્કાલિક કોઈ અસર થવાની શક્યતા નથી.

પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં તણાવ વધ્યા પછી 26 માર્ચના રોજ 'વિન્ડફોલ ટેક્સ' સિસ્ટમ ફરીથી લાગુ કરવામાં આવી હતી. ત્યારથી, સરકાર આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલની કિંમતો અને રિફાઈનિંગ માર્જિનમાં થતા ફેરફારોના આધારે દર બે અઠવાડિયે નિકાસ ડ્યુટીની સમીક્ષા કરે છે અને તેમાં ફેરફાર કરતી રહે છે. 16 મેના રોજ સરકારે પેટ્રોલની નિકાસ પર પણ આ લેવી (ટેક્સ) લાગુ કરી દીધો હતો.

સરકારે આ નિર્ણય કેમ લીધો?

અધિકારીઓએ જણાવ્યું હતું કે, નિકાસ ડ્યુટી (Export Duty) એટલા માટે લગાવવામાં આવી છે જેથી દેશમાં પેટ્રોલિયમ પેદાશોનો પૂરતો પુરવઠો (Supply) જળવાઈ રહે. ખાસ કરીને એવા સમયે જ્યારે ભૌગોલિક-રાજકીય (Geopolitical) તણાવને કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલની કિંમતો વધી ગઈ છે.

આ પગલાનો મુખ્ય હેતુ એવા રિફાઇનર્સ દ્વારા કરવામાં આવતી વધુ પડતી નિકાસને અટકાવવાનો છે જેઓ આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચી કિંમતોનો ફાયદો ઉઠાવવા માંગે છે, જેથી દેશની અંદર ઇંધણનો પુરવઠો સુરક્ષિત રાખી શકાય.