ગાંધીનગરઃ વાતાવરણમાં આવતા અણધાર્યા પરિવર્તનોના કારણે ગુજરાતના ખેડૂતો છેલ્લા એક દાયકામાં કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ, વાવાઝોડાંના પડકારોનો સામનો કરી રહ્યા છે, ત્યારે આવા કપરા સંજોગોમાં ગુજરાત સરકારે સંવેદનશીલ અભિગમ સાથે ખેડૂતોને આર્થિક પીઠબળ પૂરું પાડ્યું છે.
સરકારની સહાય ખેડૂતો માટે સંકટમોચક
વર્ષ 2015-16થી 2025-26 દરમિયાન ગુજરાત સરકારે વિવિધ કૃષિ રાહત પેકેજ મારફતે 1.36 કરોડથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને કુલ રૂ. 22,733 કરોડની સહાય ચૂકવી છે. કુદરતી આફતોના કારણે પાક નુકસાન સહન કરનારા લાખો ખેડૂતો માટે આ સહાય સંકટમોચક બની રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ખેડૂતોને મુશ્કેલીના સમયમાં તાત્કાલિક રાહત આપવાની પરંપરા વધુ સુદ્રઢ બની છે.
આ વર્ષનું ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ
ભારે વરસાદ અને કમોસમી આફતથી થયેલા વ્યાપક પાક નુકસાન સામે રાજ્ય સરકારે વર્ષ 2025-26માં ઐતિહાસિક નિર્ણય લઈને 36.74 લાખથી વધુ ખેડૂતોને રૂ. 10,337 કરોડની સીધી સહાય ચૂકવી છે.ગુજરાતના કૃષિ ઇતિહાસમાં ખેડૂતોને આર્થિક કટોકટીમાંથી બહાર લાવવા માટે આપવામાં આવેલી આ સૌથી મોટી સહાય પૈકીની એક મનાય છે.
ખેડૂતોના હિત માટે સરકારની પ્રતિબદ્ધતા
છેલ્લા દસ વર્ષમાં આપવામાં આવેલી કુલ રૂ. 22,733 કરોડની સહાયમાંથી રૂ. 15,829 કરોડ SDRF ભંડોળમાંથી તેમ જ રૂ. 6,904 કરોડ રાજ્ય સરકારના બજેટમાંથી ચૂકવવામાં આવ્યા છે.
આમ, અહીં આપેલા નીચેના આંકડાઓ દર્શાવે છે કે કુદરતી આફતોની દરેક વખતે રાજ્ય સરકારે ખેડૂતોના હિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે, પરિણામે આજે ગુજરાતનો અન્નદાતા વધુ આત્મવિશ્વાસ સાથે ખેતી કરી રહ્યો છે અને તેને વિશ્વાસ છે કે મુશ્કેલીની દરેક પળે સરકાર તેની પડખે છે.
સરકારે કયા વર્ષે કેટલા ખેડૂતોને કેટલી ચૂકવી સહાય
• 2015-16: 1.82 લાખ ખેડૂતોને રૂ. 279 કરોડ
• 2017-18: 7.69 લાખ ખેડૂતોને રૂ. 1,706 કરોડ
• 2018-19: 17.59 લાખ ખેડૂતોને રૂ. 1,678 કરોડ
• 2019-20: 33.18 લાખ ખેડૂતોને રૂ. 2,489 કરોડ
• 2020-21: 19.03 લાખ ખેડૂતોને રૂ. 2,906 કરોડ
• 2021-22: 7.67 લાખ ખેડૂતોને રૂ. 1,240 કરોડ
• 2022-23: 1.93 લાખ ખેડૂતોને રૂ. 197 કરોડ
• 2023-24: 2.55 લાખ ખેડૂતોને રૂ. 410 કરોડ
• 2024-25: 8.04 લાખ ખેડૂતોને રૂ. 1,491 કરોડ
• 2025-26: 36.74 લાખ ખેડૂતોને રૂ. 10,337 કરોડ