ગાંધીનગરઃ દેશભરમાં અલ નીનોના પ્રતાપે મેઘરાજાનું આગમન સત્તાવાર થયું નથી. કેરળમાં ચોમાસું બેઠા પછી પણ હજુ ગુજરાત પહોંચ્યું નથી, તેથી દેશનો તાત ચિંતામાં છે, ત્યારે અમદાવાદ સહિત રાજ્યમાં મેઘરાજાની સચોટ આગાહી કરવામાં આવી છે. હાલમાં રાજ્યમાં ચોમાસાના આગમનને લઈ રાહ જોવી પડી શકે છે. ચોમાસું ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે. આ દરમિયાન પ્રાદેશિક હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે જિલ્લાવાર વરસાદની આગાહી કરવાાં આવી હતી. હવામાન કેન્દ્ર અમદાવાદના જણાવ્યા અનુસાર, અમદાવાદવાસીઓને હજુ 7 દિવસ ગરમીથી રાહત નહીં મળે. આજે ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ રહેશે, જ્યારે આવતીકાલથી દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર વધવાની પૂરી સંભાવના છે.
આજે-આવતીકાલે ક્યાં છે વરસાદની આગાહી
આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની વધારે શક્યતા છે. આ સિવાય રાજ્યના તમામ જિલ્લામાં હવામાન સૂકું રહેશે. આવતીકાલે અને ગુરુવારે દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, વલસાડ,તાપી, દમણ, દાદરા અને નગર હવેલીમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની વધારે શક્યતા છે. આ સિવાય તમામ જિલ્લામાં હવામાન સૂકું રહેવાની વધારે શક્યતા છે.
રાજ્યમાં 19થી 22 જૂન કેવું રહેશે હવામાન
હવામાન વિભાગ અમદાવાદના જણાવ્યા પ્રમાણે, 19થી 22 જૂન દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં હવામાન સૂકું રહેવાની શક્યતા છે. આમ રાજ્યમાં વરસાદ માટે હજુ પણ એક સપ્તાહ રાહ જોવી પડશે.
અંબાલાલ પટેલે શું કરી છે આગાહી
રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, રાજ્યમાં 22 જૂનથી ચોમાસું ફરી સક્રિય થશે. 23થી 27 જૂન વચ્ચે ઘણા વિસ્તારમાં સારો વરસાદ પડશે. જુલાઈ મહિનામાં સારો વરસાદ પડશે.
ભારતમાં ચોમાસું કેમ નબળું પડ્યું?
ભારતમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું અચાનક નબળું પડ્યું છે. દેશમાં 64 ટકા વરસાદની અછત નોંધાઈ છે. ભારતીય અર્થતંત્ર માટે કરોડરજ્જુ ગણાતા દક્ષિણ-પશ્ચિમ ચોમાસુંને લઈ એક તસવીર સામે આવી છે. સેટેલાઈટ ઈમેજ અને ભારતીય હવામાન વિભાગના તાજેતરના આંકડા મુજબ, દેશના મોટા ભાગના હિસ્સામાં ચોમાસું અચાનક નબળું પડ્યું છે. અંતરીક્ષમાંથી લેવામાં આવેલી તસવીરમાં ચોમાસાના વાદળો ગાયબ હોવાનું સામે આવ્યું છે.
જૂનના બે સપ્તાહમાં દેશમાં વરસાદનો ગ્રાફ સામાન્યથી ઘણો નીચે પહોંચી ગયો છે. જેનાથી ખરીફ પાકના વાવેતર અને પાણીની ઉપલબ્ધતા પર સંકટના વાદળો ઘેરાયા છે. હવામાન વૈજ્ઞાનિકો મુજબ, દરિયામાં ભેજની કોઈ સમસ્યા નથી પરંતુ હવાના વર્તને ચોમાસાની ગતિ પર સંપૂર્ણ બ્રેક લગાવી છે. નિષ્ણાતોના કહેવા પ્રમાણે દેશના કેટલાક રાજ્યોમાં ચોમાસું સમયસર બેસી ગયું હતું પરંતુ અચાનક ધીમું થઈ જવાનું કારણે દરિયાનું તાપમાન કે પાણીની અછત નથી, પરંતુ ધરતીથી અનેક કિલોમીટર ઉપર વાયુમંડળમાં ચાલી રહેલી હવાઓના દબાણનું પરિણામ છે.