Tue Jun 16 2026

Logo

SC/ST માટે ઇનકમ ટેક્સમાં ક્રીમી લેયર લાગૂ કરવાની માંગ પર સુપ્રીમ કોર્ટનો જવાબ

2026-06-16 14:32:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ SC/ST માટે ઇન્કમ ટેક્સ (આવકવેરા) માં ક્રીમી લેયર લાગુ કરવાની માંગ પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે આ નીતિ વિષયક બાબત છે, તેથી અમે આમાં હસ્તક્ષેપ કરવા ઈચ્છતા નથી. સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે માત્ર એટલા માટે કે કોઈ વ્યક્તિએ કોઈ જોગવાઈનો દુરુપયોગ કર્યો છે, તેનો અર્થ એ નથી કે બધા લોકો પર શંકા કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે અરજદારને સંસદીય પિટિશન કમિટી પાસે જવાની છૂટ આપી છે.

અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST)માં ઇન્કમ ટેક્સમાં ક્રીમી લેયર વ્યવસ્થા લાગુ કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી દરમિયાન, અરજદાર અશ્વિની ઉપાધ્યાયે દલીલ કરી હતી કે આર્થિક રીતે અત્યંત સમૃદ્ધ થઈ ગયેલા લોકોને પણ અનામત અને અન્ય વિશેષ લાભો મળતા રહેવા તે સમાનતાના સિદ્ધાંતને અનુરૂપ નથી. સુનાવણી દરમિયાન તેમણે જણાવ્યું કે ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં આદિવાસી સમુદાયના જે લોકોએ ખ્રિસ્તી ધર્મ અપનાવી લીધો છે, તેઓ મોટી સંખ્યામાં શૈક્ષણિક સંસ્થાઓ ચલાવે છે અને કરોડો રૂપિયાની આવક મેળવે છે, તેમ છતાં વિવિધ લાભો મેળવતા રહે છે. તેમણે ઉમેર્યું કે આ મામલો બંધારણની કલમ 14 (સમાનતા), 19 અને 27 ની વ્યાખ્યા સાથે જોડાયેલો છે.

જાણો શું છે સમગ્ર મામલો

પૂર્વોત્તર (નોર્થ-ઈસ્ટ) રાજ્યોના આદિવાસી વિસ્તારોમાં રહેતા લોકોને 'ટ્રાઈબલ' (આદિવાસી) હોવાને નામે ઈન્કમ ટેક્સમાં જે છૂટછાટ આપવામાં આવી છે, તેની વિરુદ્ધ એક અરજી દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ અરજી પર સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો છે. કોર્ટે અરજી કરનાર વ્યક્તિને સરકાર સમક્ષ પોતાની રજૂઆત કરવા માટે જણાવ્યું છે.

અરજીમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે પૂર્વોત્તર રાજ્યોના મોટાભાગના આદિવાસીઓએ પોતાનો ધર્મ બદલી નાખ્યો છે, છતાં તેઓ ઈન્કમ ટેક્સમાં મળતી છૂટનો ફાયદો ઉઠાવી રહ્યા છે. જે આદિવાસીઓ ખ્રિસ્તી (ઈસાઈ) બની ગયા છે અને હવે કરોડો રૂપિયા કમાય છે, તેમની પાસે આટલી બધી શૈક્ષણિક સંસ્થાઓ (એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યુશન) કેવી રીતે હોઈ શકે? કેટલાક લોકો દર વર્ષે 200 કરોડ રૂપિયા કમાય છે અને તેમ છતાં તેમને ટેક્સ ભરવામાંથી મુક્તિ મળે છે. અરજીમાં કહેવાયું છે કે આ બાબત બંધારણની કલમ (આર્ટિકલ) 14, 19 અને 27નું ઉલ્લંઘન છે.