Tue Jun 16 2026

Logo

બંજી જમ્પિંગ અકસ્માતમાં નવો વળાંક: દોરડા વગર 130 ફૂટ નીચે પડ્યા પછી પણ જીવતી હતી યુવતી; નર્સે કર્યો ખુલાસો!

2026-06-16 15:18:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ બ્રાઝિલમાં 130 ફૂટ ઊંચા પુલ પરથી બંજી જમ્પિંગ કરતી વખતે દોરડા વગર નીચે કૂદી પડવાને કારણે એક યુવતીએ જીવ ગુમાવ્યો હતો. હવે આ મામલામાં એક નર્સે દાવો કર્યો છે કે આટલી ઊંચાઈ પરથી પડ્યા પછી પણ તે યુવતી જીવતી હતી અને તેણે નર્સ સાથે વાત પણ કરી હતી.

આ દર્દનાક અકસ્માત બાદ હવે તે ઓફ-ડ્યુટી નર્સ (જે તે સમયે ફરજ પર નહોતી) નું નિવેદન સામે આવ્યું છે, જે ઘટના બન્યા પછી તરત જ યુવતી પાસે પહોંચી ગઈ હતી અને તેનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. નર્સનું કહેવું છે કે પુલ પરથી નીચે પડ્યા પછી પણ યુવતી થોડા સમય સુધી જીવતી હતી.

નર્સે જણાવ્યું કે 130 ફૂટ ઊંચા પુલ પરથી નીચે પડ્યા પછી પણ તે યુવતી જિંદગી અને મોત વચ્ચે ઝોલાં ખાઈ રહી હતી. તે યુવતીએ નર્સનો અવાજ સાંભળ્યો પણ હતો અને તેની સાથે વાત પણ કરી હતી.

નીચે પહોંચી તો યુવતી જીવતી હતી...

રાયઝા ડાયસ નામની નર્સ ઘટના સમયે ત્યાં જ હાજર હતી. યુવતીના નીચે પડવાના સમાચાર મળતા જ તે તરત જ તેની તરફ દોડી ગઈ. ત્યાં ખૂબ જ ઊભો ઢાળ હતો અને નીચે ઉતરવા માટે માત્ર એક જ દોરડું હતું.

નર્સના જણાવ્યા અનુસાર, જ્યારે તે ઘટનાસ્થળે પહોંચી ત્યારે 21 વર્ષની મારિયા એડુઆર્ડા રોડ્રિગ્સ ડી ફ્રીટાસ હજી જીવતી હતી. નર્સે ભાવુક થઈને જણાવ્યું કે, "મેં તેને કહ્યું હતું કે – ડુડા, મારી ડ્યુટી (ફરજ) દરમિયાન કોઈ મરતું નથી. જોકે, તે સમયે હું વાસ્તવમાં ડ્યુટી પર પણ નહોતી."

આખરે તે દિવસે શું થયું હતું?

હકીકતમાં, 21 વર્ષની મારિયા એડુઆર્ડા રોડ્રિગ્સ ડી ફ્રીટાસ શનિવારે બ્રાઝિલના સાઓ પાઉલો પાસે આવેલા એક અવાવરુ (બંધ પડેલા) પુલ પર બંજી જમ્પિંગ કરવા ગઈ હતી. આ પુલ સ્થાનિક લોકોમાં "સ્કેલેટન બ્રિજ" તરીકે ઓળખાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર ત્યાં ગેરકાયદેસર રીતે બંજી જમ્પિંગ કરાવવામાં આવી રહ્યું હતું.

બેદરકારીની મોટી કિંમત

તપાસમાં સામે આવ્યું છે કે, બંજી જમ્પિંગ કરાવનારા કર્મચારીઓ કથિત રીતે સુરક્ષા માટેનું દોરડું (સેફ્ટી રોપ) બાંધવાનું જ ભૂલી ગયા હતા. અકસ્માત થયા પછી ત્યાં કામ કરી રહેલા કેટલાક લોકો ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. પોલીસે બાદમાં મિલિટરી હેલિકોપ્ટરની મદદથી તેમની શોધખોળ કરી હતી.

અહેવાલો અનુસાર, બંજી જમ્પિંગના આ આયોજન સાથે જોડાયેલા ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તેમની સામે ગેર-ઈરાદાપૂર્વક હત્યા (સાપરાધ મનુષ્યવધ)નો ગુનો નોંધવામાં આવ્યો છે.

એક અકસ્માત, જેણે અનેક સવાલો ઊભા કર્યા

મારિયાના મોતે એડવેન્ચર સ્પોર્ટ્સમાં સુરક્ષાના નિયમો (સેફ્ટી સ્ટાન્ડર્ડ્સ)ને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઊભા કરી દીધા છે. જો સુરક્ષાનું દોરડું યોગ્ય રીતે બાંધવામાં આવ્યું હોત, તો કદાચ આ અકસ્માત નિવારી શકાયો હોત.