ભુજઃ કચ્છમાં પાછલા કેટલાક દિવસોથી વાતાવરણમાં આવેલા પલટા વચ્ચે સરેરાશ ૧૫થી ૨૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા તેજ પવનો અને ધૂળની ડમરીઓએ કચ્છીઓને ભારે પરેશાન કરી મૂક્યા છે. વેગીલા વાયરાના કારણે ખાસ કરીને હાઈવે પરથી પસાર થતાં દ્વિચક્રી અને મોટા વાહનચાલકોને વિઝિબિલિટી ઘટવાના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
શહેરી અને ગ્રામીણ વિસ્તારોની સાપેક્ષે જિલ્લાના દરિયાકાંઠાના પટ્ટા તેમજ સરહદી રણપ્રદેશના વિસ્તારોમાં પવનનું જોર ઘણું વધારે જોવા મળ્યું હતું. બપોરના સમયે ફૂંકાયેલા આ તેજ પવનમાં ગરમ પવનોનો પ્રભાવ ભળતાં લોકો અસહ્ય અકળામણ અનુભવી રહ્યા છે.
ભુજ, કંડલા એરપોર્ટ, કંડલા પોર્ટ અને નલિયા પંથકમાં મહત્તમ તાપમાન ૩૫થી ૩૮ ડિગ્રી સેલ્સિયસ જ્યારે લઘુત્તમ પારો ૨૭થી ૨૯ ડિગ્રી વચ્ચે નોંધાયો હતો, જેના કારણે રાત્રે પણ બફારાનું પ્રમાણ યથાવત રહ્યું છે.
બીજી તરફ, હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા વરતારા મુજબ કચ્છ જિલ્લામાં આગામી એક સપ્તાહ દરમિયાન વરસાદી ગતિવિધિઓ થવાની સંભાવના નહિવત નજરે પડી રહી છે. જો કે, જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ખાસ કરીને વહેલી સવારના ભાગે આકાશમાં વાદળોની અવરજવર જોવા મળી રહી છે, જેને પગલે આગામી દિવસોમાં ચોમાસાનું વિધિવત આગમન વહેલું થશે તેવી આશા સરહદી જિલ્લાના ધરતીપુત્રો અને નાગરિકોમાં પ્રબળ બની છે.
(ઉત્સવ વૈદ્ય)