નવી દિલ્હીઃ અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી શાંતિ સમજૂતી પશ્ચિમ એશિયાની જીઓપોલિટિક્સ (ભૂ-રાજકારણ)ને બદલી રહી છે. ઈઝરાયેલ આ સમજૂતીથી ખુશ નથી. આ સમજૂતીમાં પાકિસ્તાને મધ્યસ્થી તરીકેની ભૂમિકા ભજવી છે. આ બાબતે ભારતમાં ઈઝરાયેલના રાજદૂત રૂવેન અઝારે શાંતિના પ્રયાસોમાં પાકિસ્તાનની કોઈ પણ ભૂમિકાની શક્યતાઓને સંપૂર્ણપણે નકારી કાઢી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ઈઝરાયેલ, પાકિસ્તાન પર ભરોસો નથી કરતું.
અઝારે જણાવ્યું કે, 'મેં ઘણા ઈન્ટરવ્યુમાં આ વાત કહી છે. અમે પાકિસ્તાનીઓ પર ભરોસો નથી કરતા. મને લાગે છે કે તેમનું વર્તન નિંદનીય રહ્યું છે. જેમ કે- ઈઝરાયેલ પ્રત્યે તેમનું વલણ, તેમના સંરક્ષણ મંત્રીની યહૂદી-વિરોધી ટિપ્પણીઓ વગેરે. તેથી આમાં કંઈ નવું નથી.'
તેમની આ ટિપ્પણી એવા સમયે આવી છે, જ્યારે તાજેતરમાં જ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ઈઝરાયેલ અને પાકિસ્તાન વચ્ચે રાજદ્વારી સંબંધો ન હોવા છતાં પાકિસ્તાન આ વિસ્તારમાં (શાંતિ માટે) ભૂમિકા ભજવી શકે છે.
ઈઝરાયેલ અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો હંમેશા કડવાશથી ભરેલા રહ્યા છે. બંને વચ્ચે એપ્રિલ મહિનામાં તણાવ ત્યારે વધી ગયો હતો જ્યારે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે ઈઝરાયેલને ખરાબ અને માનવતા માટે અભિશાપ ગણાવ્યું હતું. આસિફે ઈઝરાયેલને 'કેન્સર' સુદ્ધા કહી દીધું હતું અને ઈઝરાયેલીઓ 'નરકમાં બળે' તેવી દુઆ કરી હતી. આના જવાબમાં ઈઝરાયેલે ખ્વાજા આસિફના નિવેદનને 'ખૂબ જ વાંધાજનક' ગણાવ્યું હતું અને એક નિષ્પક્ષ મધ્યસ્થી તરીકે પાકિસ્તાનની વિશ્વસનીયતા પર સવાલો ઉઠાવ્યા હતા.
ઇન્ટરવ્યુ દરમિયાન રૂવેન અઝારે અમેરિકા-ઈરાન ડીલ (સમજૂતી)માં લેબનાન સામેલ હોવાની વાતને પણ નકારી કાઢી હતી. તેમણે દાવો કર્યો હતો કે આ ડીલ 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (હોર્મુઝની સામુદ્રધુની)ને ફરીથી ખોલવા માટે થઈ છે. તેમણે કહ્યું કે અમારી પાસે જે માહિતી છે, તેના પરથી લાગે છે કે સૌથી મહત્વની બાબત હોર્મુઝ સ્ટ્રેટને ખોલવાની છે. ટોલ વસૂલવા કે અમેરિકા પાસેથી વળતર મેળવવા જેવી તેમની તમામ કલ્પનાઓ હવે સમાપ્ત થઈ ચૂકી છે.
તેમણે દાવો કરતા કહ્યું કે, 'લેબનાન આ સમજૂતીનો ભાગ નથી. લેબનાનના ભવિષ્યનો નિર્ણય લેબનાનની સરકારે કરવાનો છે, જે અત્યારે ઈઝરાયેલ સાથે શાંતિ સમજૂતી માટે વાતચીત કરી રહી છે.'