Tue Jun 16 2026

Logo

નખત્રાણા ઓવરલોડ ડમ્પર કેસમાં મોટો ઘટસ્ફોટ: ફેન્સી નંબરવાળા વાહનો ભાજપ MLAના પુત્રના નીકળ્યા

2026-06-16 10:27:00
Author: mumbai samachar team
Article Image

ભુજઃ નખત્રાણા તાલુકાના દેવીસર ગામની નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરી, નિયમ કરતાં વધુ માલ ભરીને જઈ રહેલા ફેન્સી નંબર પ્લેટ ધરાવતા ચાર ઓવરલોડ આઈવા ડમ્પર અબડાસાના ભાજપના MLA પ્રદ્યુમનસિંહ જાડેજાના પુત્ર અર્જુનસિંહ જાડેજાની માલિકીના હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.  ઉલ્લેખનીય છે કે, નખત્રાણા પંથકમાં લાંબા સમયથી ગેરકાયદેસર ખનિજ ખનન અને ઓવરલોડ પરિવહન થતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી હતી.

મળતી વિગતો અનુસાર, નખત્રાણા પ્રાંત અધિકારીની સૂચનાના પગલે મામલતદાર આર.ડી. પટેલે શનિવારે દેવીસર ગામની નદીના પટમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી. આ દરોડા દરમિયાન તંત્ર દ્વારા ફેન્સી નંબર પ્લેટ ધરાવતા ચાર શંકાસ્પદ આઈવા ડમ્પર (નંબર જીજે-૧૨ બીઝેડ-૬૦૦૭,જીજે-૧૨ બીએક્સ-૭૦૦૭, જીજે-૧૨ બીઝેડ-૭૦૦૭,જીજે-૧૨ સીટી-૭૦૦૭)ને રોકીને તેની સઘન તપાસ કરવામાં આવી હતી. સરકારી ધારાધોરણો મુજબ વાહનોનું વજન કરાવતા માલુમ પડ્યું હતું કે, ચારેય વાહનોમાં નિયત ક્ષમતા કરતાં કુલ ૫૧.૯૩ મેટ્રિક ટન રેતીનો જથ્થો વધુ ભરેલો હતો.

ખનિજ ચોરી અને ઓવરલોડ પરિવહનનો ગુનો સ્પષ્ટ થતાં તંત્ર દ્વારા અંદાજે રૂ.૨.૨૯ કરોડની કિંમતના ચારેય ડમ્પરોને ઘટનાસ્થળે જ જપ્ત કરવામાં આવ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી અર્થે નખત્રાણા પોલીસ મથક ખાતે રાખવામાં આવ્યા છે. 

બીજી તરફ આ મામલે રાજકીય ગરમાવો આવી ગયો છે. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ આ અંગે પ્રતિક્રિયા આપતા સ્વીકાર્યું છે કે જપ્ત કરાયેલા વાહનો તેમના પુત્રની માલિકીના જ છે, પરંતુ તેમણે એવો બચાવ કર્યો હતો કે આ ડમ્પરો અન્ય પાર્ટીને ભાડેથી આપવામાં આવ્યા હતા અને તે ભાડે દોડતા હતા. હાલ ખાણ-ખનિજ વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ મામલે કાયદેસરનો દંડ વસૂલવા સહિતની આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

(ઉત્સવ વૈદ્ય)