Sun Sep 06 2026

Logo

કચ્છમાં એક્શન મોડમાં RTO: ૯૨ સ્કૂલ વાહનો પાસેથી રૂ. ૩.૩૮ લાખનો દંડ વસૂલાયો

2026-06-16 11:30:00
Author: Mumbai Samachar Team
કચ્છમાં એક્શન મોડમાં RTO: ૯૨ સ્કૂલ વાહનો પાસેથી રૂ. ૩.૩૮ લાખનો દંડ વસૂલાયો

ભુજઃ કચ્છમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં જ શાળાઓ પુનઃ ધમધમતી થઈ છે. વહેલી સવારથી જ માર્ગો પર સ્કૂલ બસો, ખાનગી વેન અને વિદ્યાર્થીઓની હેરફેર કરતી છકડા રિક્ષાઓની અવરજવર વધી ગઈ છે. શાળા વાહનોમાં નિયમોના ઉલ્લંઘનની વ્યાપક ફરિયાદો વચ્ચે પ્રાદેશિક પરિવહન કચેરી દ્વારા વ્યાપક તપાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. પશ્ચિમ કચ્છ આરટીઓ દ્વારા શાળાઓ ખુલ્યાના પ્રારંભિક ૪ દિવસમાં જ કાયદાનો ભંગ કરતા ૯૨ જેટલા શૈક્ષણિક વાહનો સામે દંડાત્મક કાર્યવાહી કરીને રૂ.૩.૩૮ લાખનો દંડ વસૂલ કરવામાં આવતાં વાહન સંચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

મળતી વિગતો મુજબ, નવા શૈક્ષણિક સત્રના આરંભે જ વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને રાખીને આરટીઓ ઇન્સ્પેક્ટરોની જુદી-જુદી ટુકડીઓ મેદાને ઉતારવામાં આવી છે. આ ટુકડીઓએ ભુજ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં નાકાબંધી કરીને સ્કૂલ બસો, રિક્ષાઓ અને વેનનું સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ આકસ્મિક તપાસ દરમિયાન મોટર વાહન કાયદાની વિવિધ જોગવાઈઓ, ફિટનેસ સર્ટિફિકેટ અને પરમિટના નિયમોનો ભંગ કરતા ૯૨ વાહનો ઝડપાયા હતા, જેની પાસેથી સ્થળ પર જ દંડની વસૂલાત કરવામાં આવી હતી.

આરટીઓ કચેરીના રોડ સેફ્ટી નોડલ અધિકારી જે.કે.પટેલે આ અંગે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારના ચેડાં ચલાવી લેવાશે નહીં. આગામી દિવસોમાં પણ આ તપાસ ઝુંબેશ આ જ રીતે ચાલુ રાખવામાં આવશે, જેથી તમામ શાળા પરિવહન વાહનો નિયમોનું ચુસ્ત પાલન કરે. 

બીજી તરફ, વાલીઓ અને શિક્ષણ જગતના જાણકારોનું કહેવું છે કે દર વર્ષે શાળાઓ ખુલતી વખતે તંત્ર થોડા દિવસો માટે આવી કામગીરી કરીને સંતોષ માની લે છે અને બાદમાં સ્થિતિ 'જૈસે થે' જેવી થઈ જાય છે. વધુ પૈસાની લાલચમાં છકડા રિક્ષા અને વેનમાં ઘેટાં-બકરાંની જેમ ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવતા હોઈ, આવી તપાસ ઝુંબેશ માત્ર પ્રતીકાત્મક ન રહેતા કાયમી ધોરણે ચલાવવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.

(ઉત્સવ વૈદ્ય)