અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક માનવભક્ષી સિંહણના હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સ્થાનિક હોટલ-રેસ્ટોરન્ટમાં કામ કરતો ઉત્તરાખંડનો પરપ્રાંતીય યુવક પ્રકાશ ચંદ્ર મોડી રાત્રે પોતાના વતન જવા નીકળ્યો હતો, ત્યારે સિંહણે તેના પર જીવલેણ હુમલો કર્યો હતો. સિંહણે માનવ શિકાર કર્યો હોવાની ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. બનાવ કોવાયા ગામ નજીક આવેલા TPP પાવર પ્લાન્ટ સામે બન્યો હતો. મોડી રાત્રે પોતાના વતન નીકળેલા યુવકને સિંહણે ખેંચીને સીમ વિસ્તારમાં લઈ ગઈ હતી અને તેને ફાડી ખાધો હતો.
માત્ર ખોપડી જેવા અવશેષો જ હાથ લાગ્યા
ઘટનાની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, સિંહણના હુમલાનો ભોગ બનેલા યુવકની માત્ર ખોપડી અને શરીરના કેટલાક અવશેષો જ મળી આવ્યા હતા, જેને જોઈને સ્થાનિકો અને અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા.
આ ઘટનાની જાણ થતાં જ વનવિભાગ અને પોલીસની ઉચ્ચ અધિકારીઓ સહિતની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે મૃતક યુવકના અવશેષોને કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ, સિંહણ નરભક્ષી બની હોવાની આશંકા વચ્ચે વનવિભાગ દ્વારા તેને પાંજરે પૂરવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. હિંસક બનેલી આ સિંહણને ટ્રેક કરવા અને પકડવા માટે વનવિભાગ દ્વારા વ્યાપક શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાને પગલે કોવાયા ગામ અને આસપાસના સીમ વિસ્તારના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ ભયાનક હુમલામાં યુવકનું મોત નીપજ્યું હતું. ઘટનાસ્થળેથી યુવકનું અડધું ખાધેલું માથું, પાંસળીના ટુકડા અને શરીરના અન્ય અવશેષો મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.
“અહીં સિંહો ખુલ્લેઆમ ફરે છે”
સ્થાનિક લોકોએ વનવિભાગ સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે વિસ્તારમાં આવેલી કંપનીઓમાં અનેક લોકો રાત્રિ શિફ્ટમાં કામ કરે છે, પરંતુ સિંહોની સતત અવરજવરથી લોકો ડરના માહોલમાં જીવી રહ્યા છે. એક સ્થાનિક રહીશે જણાવ્યું કે અહીં સિંહો કુતરાની જેમ ખુલ્લેઆમ ફરે છે. હાલમાં પણ કંપનીના ગેટ પાસે અનેક સિંહો બેઠેલા જોવા મળે છે. ટુ-વ્હીલર અથવા પગપાળા જતા લોકો માટે સુરક્ષા જ નથી.
સરપંચે કરી કડક માંગ
કોવાયા ગામના સરપંચ ઝીણાભાઈ લાખણોત્રાએ જણાવ્યું કે મૃતક યુવક અહીં રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો. સાંજે કેટલાક વન્ય પ્રાણીઓએ તેના પર હુમલો કરી તેને ખેંચીને દૂર લઈ ગયા હતા. સરપંચે સરકાર અને વન મંત્રી સમક્ષ માંગ કરી કે આવી ઘટનાઓ અટકાવવા માટે સ્થાનિક ટ્રેકર્સની ભરતી કરવામાં આવે અને પીડિત પરિવારને તાત્કાલિક વળતર આપવામાં આવે. જો યોગ્ય પગલાં નહીં લેવાય તો ગામલોકો ઉગ્ર આંદોલન કરશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.
સિંહણને પકડવા મેગા ઓપરેશન
વનવિભાગ દ્વારા નરભક્ષી સિંહણને પકડવા માટે મેગા ઓપરેશન હાથ ધરાયું છે. આસપાસના બાવળના ઝાડીઓમાં અન્ય સિંહો પણ છુપાયેલા હોવાની આશંકાને પગલે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવાયો છે.