Tue Jun 16 2026

Logo

વર્લ્ડ કપમાં લાગલગાટ ચાર મૅચ ડ્રો: ટચૂકડા કેપ વર્ડેએ ટાઈટલ-ફેવરિટ સ્પેનને ન જીતવા દીધું!

2026-06-16 12:02:00
Author: Ajay Motiwala
Article Image

Image Source: AP


આફ્રિકાના નવાદિત દેશે પહેલી જ વિશ્વ કપ મૅચમાં મેળવ્યો ઐતિહાસિક પોઇન્ટ


ઍટલાન્ટા/લોસ એન્જલસ: 23મા ફિફા વર્લ્ડ કપની ધાર્યા મુજબ રોમાંચક શરૂઆત થઈ ગઈ છે જેમાં મોટા ભાગની મૅચો જીત-હારના પરિણામ વગર જ પૂરી થઈ ગઈ છે અને એમાં પણ ખાસ કરીને સોમવાર મોડી રાતથી માંડીને મંગળવાર સવાર સુધીની ચારેચાર મૅચ ડ્રોમાં પરિણમી હતી.

કેપ વર્ડેએ નવો ઇતિહાસ રચ્યો

આફ્રિકા ખંડના કેપ વર્ડે નામના દેશની વસ્તી મુંબઈના મોટા ઉપનગર કરતા અડધી પણ નથી. માંડ 5,00,000 લોકોનો સમાવેશ ધરાવતા આ દેશની ફૂટબૉલ ટીમે નવો ઇતિહાસ સર્જ્યો છે. કેપ વર્ડેનો આ પહેલો જ ફિફા વર્લ્ડ કપ છે અને એમાં એણે પહેલી જ મૅચમાં એક પોઈન્ટ મેળવી લીધો.

ભૂતપૂર્વ ચેમ્પિયન સ્પેનને જીતથી વંચિત રાખ્યું 

2010માં ફિફા વર્લ્ડ કપનું ટાઈટલ જીતીને સમગ્ર વિશ્વને ચોંકાવી દેનાર સ્પેનની ટીમ સોમવારે મોડી રાત્રે ઍટલાન્ટામાં જીતવા માટે ફેવરિટ હતી, પરંતુ કેપ વર્ડેના ડિફેન્ડરોએ તેમ જ તેમના ગોલકીપરે સ્પેન (Spain)ના ખેલાડીઓને એક પણ ગોલ નહોતો કરવા દીધો. પહેલી કિકથી માંડીને આખરી સેકન્ડ સુધી કેપ વર્ડે (Cape Verde)ના ખેલાડીઓએ સ્પેનના પ્લેયર્સને કાબૂમાં રાખ્યા હતા. બંને દેશની મૅચ 0-0થી ડ્રોમાં ગઈ હતી.

કેપ વર્ડેના 40 વર્ષીય ગોલકીપરનો શાનદાર પર્ફોર્મન્સ 

વિશ્વમાં 67મી રેન્કવાળા દેશ કેપ વર્ડેના 40 વર્ષની ઉંમરના ગોલકીપર વૉઝિન્હાએ સ્પેનિશ ફોર્વર્ડ ખેલાડીઓના વારંવાર આક્રમણ થવા છતાં ગોલ પોસ્ટ પરના તેમના અનેક શૉટમાં બૉલને રોકીને સૌની પ્રશંસા મેળવી હતી. એક તબક્કે સ્પેન-તરફી પ્રેક્ષકોએ પહેલી જ વખત વર્લ્ડ કપમાં રમી રહેલી કેપ વર્ડેની ટીમનો સારી રીતે સામનો ન કરવા બદલ સ્પેનિશ ખેલાડીઓનો હુરિયો બોલાવ્યો હતો. 18 વર્ષીય ટીનેજ સેન્સેશન લેમિન યમાલ પાસે ટીમને ખૂબ અપેક્ષા હતી પરંતુ તે પણ કેપ વર્ડેની સંરક્ષણ દીવાલ ભેદી નહોતો શક્યો.

બેલ્જિયમ અને ઉરુગ્વેને પણ ન જીતવા મળ્યું

બેલ્જિયમની પ્રથમ મૅચ ઇજિપ્ત સામે રમાઈ હતી. બેલ્જિયમ જીતવા માટે ફેવરિટ મનાતું હતું, પરંતુ ઇજિપ્ત સામેની એની મૅચ 1-1થી ડ્રોમાં ગઈ હતી. ઇજિપ્તે 20 મિનિટમાં 1-0થી સરસાઈ લીધી હતી, પણ એના જ ખેલાડી મોહમ્મદ હાનીથી એક ઑન ગોલ થઈ જતાં બેલ્જિયમને બક્ષિસમાં એ ગોલ મળ્યો હતો અને છેવટે મૅચ 1-1થી ડ્રોમાં ગઈ હતી.

સાઉદી-ઉરુગ્વે 1-1ની બરાબરીમાં

સાઉદી અરેબિયા સામે ઉરુગ્વે જીતવા માટે ફેવરિટ હતું, પરંતુ એમની મૅચ પણ 1-1થી ડ્રો થઈ હતી.

ઈરાન-ન્યૂ ઝીલૅન્ડ 2-2થી ડ્રો 

પાછલી ત્રણેય મૅચ ડ્રોમાં ગયા બાદ ઈરાન અને ન્યૂ ઝીલેન્ડનો મુકાબલો પણ 2-2થી ડ્રોમાં પરિણમ્યો હતો. જોકે આ મૅચ ખાસ કરીને ઈરાન માટે ખૂબ અગત્યની હતી, કારણકે એના ખેલાડીઓ અમેરિકા સાથેના ઈરાનના ત્રણ મહિનાથી ચાલતા યુદ્ધ બાદ અમેરિકાની જ ધરતી પર રમવા આવ્યા છે એટલે ઈરાનની ટીમે આ મૅચ જીતીને પોતાના ફૂટબૉલપ્રેમીઓને બક્ષિસ રૂપે આપવાની હતી. જોકે ન્યૂ ઝીલેન્ડે એને જીતવા નહોતું દીધું.

ઈરાન વતી એક-એક ગોલ અનુક્રમે રેઝેઈન અને મોહેબીએ કર્યો હતો, જ્યારે ન્યૂ ઝીલૅન્ડ વતી બંને ગોલ એલિઝા જસ્ટે કર્યા હતા.