સુરતઃ શહેરમાં ભૂતિયા ડિમોલિશનનો મુદ્દો હાલ ચર્ચામાં છે. આ દરમિયાન વધુ એક ચોંકાવનારી વિગત સામે આવી છે. કતારગામ ઝોનના સિંગણપોર વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની બેવડી નીતિ સામે આવી છે. સુરતમાં BJPના રાષ્ટ્રીય નેતાનું ગેરકાયદેસર બાંધકામ તોડ્યાના કલાકમાં અધિકારીઓએ જાતે બાંધકામ કરી આપ્યું હતું.
શું છે મામલો
સુરત મનપાની ટીમે પહેલાં તો ભારે ઉત્સાહ બતાવીને એક ગેરકાયદેસર પતરાંનું બાંધકામ તોડી પાડ્યું અને ત્યાંથી જપ્ત કરેલો સામાન ગાડીમાં ભરી લીધો હતો. પરંતુ, ત્યારબાદ પડદા પાછળ એવો રાજકીય પાવર ચાલ્યો કે માત્ર 1 કલાક અને 51 મિનિટમાં મનપાની એ જ સરકારી ગાડી જપ્ત કરેલો બધો સામાન તે જ જગ્યાએ પાછો મૂકી ગઈ હતી.
તપાસ કરતાં જાણવા મળ્યું છે કે મનપાએ જે ફ્લેટમાંથી પતરાનું બાંધકામ તોડ્યું હતું, તે ભાજપના રાષ્ટ્રીય કિસાન મોરચાના મહામંત્રી બાબુ જેબલિયાનો છે. નાસીરનગરમાં ગરીબોના મકાનો તોડી પાડનારી મનપા શાસક પક્ષના નેતા સામે લાચાર બની ગઈ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. સામાન્ય જનતા સામે લાલ આંખ કરતી અને રોફ જમાવતી મનપા ભાજપના નેતાના શરણોમાં નમી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
સામાન્ય રીતે સુરત મનપા જ્યારે કોઈ સામાન જપ્ત કરે છે, ત્યારે તેને છોડાવવા માટે દંડ ભરવો પડે છે, લાઈનોમાં ઊભું રહેવું પડે છે અને ક્યારેક તો મહિનાઓ સુધી ધક્કા ખાવા પડે છે. પરંતુ આ કેસમાં મનપાએ જે સુપરફાસ્ટ સ્પીડ બતાવી તે ડિજિટલ ઈન્ડિયાના જમાનામાં પણ અશક્ય લાગે તેવી છે. સોસાયટીના સીસીટીવી ફૂટેજ તપાસતા મનપાની પોલ ખુલી ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, બાબુભાઈ જેબલિયા ભાજપના પીઢ નેતા છે અને દિલ્હી સુધી તેમનો પ્રભાવ છે. હાલમાં આ ફ્લેટ તેઓએ ભાડે આપેલો છે. સંઘનું બેકગ્રાઉન્ડ ધરાવતા બાબુભાઈ જેબલિયા ગુજરાતના સંગઠનમાં ટોચના નેતાઓમાંના એક છે. સામાન્ય લોકો માટે કદાચ બાબુભાઈ જેબલિયાનું નામ પરિચિત ન હોય પરંતુ તેઓ કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી છે. બાબુભાઈ જેબલિયાનું જમાપાસુ છે. તેઓ કાઠી-ક્ષત્રિય સમાજનો અગ્રણી ચહેરો પણ છે. બધાને સાથે રાખીને ચાલવાની તેમની છબિ છે. તેઓ એક સમયે પાટીલ પછી ભાજપ પ્રદેશ પ્રમુખ બનવાની પણ રેસમાં હતા. જો કે બાદમાં આ પદ જગદીશ વિશ્વકર્માને આપવામાં આવ્યું હતું.