નવી દિલ્હીઃ ભારતમાં વેચાતા કફ સિરપને લઈ હવે સરકાર કડક બની છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે એક નોટિફિકેશન જાહેર કર્યું છે. જે મુજબ ખાંસી સહિતના તમામ કફ સિરપ હવે ડૉક્ટરની સલાહ વગર ખરીદી નહીં શકાય. એટલે કે હવે મેડિકલ સ્ટોરથી ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર કફ સિરપ નહીં મળે. આ સિરપ ખરીદવા માટે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનની જરૂર પડશે.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શિડ્યૂલ કેમાં સામેલ કેટલીક દવા સંબંધિત નિયમોમાં બદલાવ કર્યો છે. જે મુજબ સિરપ શબ્દને આ લિસ્ટમાંથી હટાવાયો છે. નવા નિયમ બાદ પ્રિસ્ક્રિપ્શન વગર દવા વેચનારા સામે કડક કાર્યવાહી થશે. જો કોઈ મેડિકલ સ્ટોર ધારક પ્રિસ્ક્રિપ્શન વગર દવા વેચતા ઝડપાશે તો લાયસન્સ પણ રદ કરી દેવાશે.
સરકાર દ્વારા આ નિર્ણય ઑવર ધ કાઉન્ટર પર મળતાં સિરપથી થતાં નુકસાન અને બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવાયો છે. થોડા સમય બાદ આ નિર્ણયની સમીક્ષા અને મોનિટરિંગ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં કફ સિપરથી બાળકોના મોતના કિસ્સા સામે આવ્યા હતા. જે બાદ કેન્દ્ર સરકારે કડક નિર્ણય લીધો છે. આ મામલે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની બેઠક થઈ હતી. જેમાં સ્વાસ્થ્ય સચિવે તમામ રાજ્યોને કોઈપણ બેદરકારી નહીં ચલાવવા આદેશ આપ્યો હતો. દેશના તમામ રાજ્યોમાં દવા ફેક્ટરીઓની તપાસ કરવા અને નિયમોનો ઉલાળિયો કરતાં સામે કાર્યવાહી કરવા પણ કહ્યું હતું. બેઠકમાં દેશભરમાંથી 200થી વધારે સ્વાસ્થ્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.
STORY | Cough syrups to be available only with doctor's prescription as govt strengthens regulatory oversight
— Press Trust of India (@PTI_News) June 16, 2026
Amid drug quality and patient safety concerns, the Union Health ministry has amended rules to prohibit sale of syrups, including cough syrups, without a doctor's… https://t.co/vjH4UCy4Qs
થોડા દિવસ પહેલા ગુજરાત સરકારની ‘ઝીરો ટોલરન્સ’ નીતિ હેઠળ, નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા અને કાયદાનું ઉલ્લંઘન કરનારા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેના ભાગરૂપે, આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર -FDCA દ્વારા રાજ્યભરમાં એક વિશેષ ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં નશા માટે દુરુપયોગ થઈ શકે તેવી દવાઓ જેવી કે કોડીન, અલ્પ્રાઝોલમ, નાઇટ્રાઝેપામ, ટ્રામાડોલ અને ઝોલપીડેમ વગેરેના ગેરકાયદે ખરીદ-વેચાણને રોકવાના હેતુથી આ ડ્રાઈવ યોજાઈ હતી.
આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ વિગતો આપતા ઉમેર્યું કે, આ વિશેષ ઝુંબેશ હેઠળ કુલ 208 પેઢીઓમાં સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. તેમાંથી હિસાબોમાં વિસંગતતા જણાતા 131 પેઢીઓને કારણદર્શક નોટિસ ફટકારવાની કાર્યવાહી શરૂ કરાઈ હતી, જ્યારે ગંભીર નિયમભંગ બદલ 72 પેઢીઓના વેપાર પર તાત્કાલિક પ્રતિબંધ મૂકી ખરીદ-વેચાણ બંધ કરાવાયું હતું. દવાઓની ગુણવત્તાના સચોટ મૂલ્યાંકન માટે તંત્ર દ્વારા 55 સેમ્પલ પણ લેબોરેટરી ચકાસણી અર્થે લેવામાં આવ્યા હતા.
પ્રિસ્ક્રિપ્શન વિના કે શંકાસ્પદ રીતે આવી દવાઓનું વેચાણ કરનારાઓ સામે તંત્ર લાલઆંખ કરશે. નિયમોનું ઉલ્લંઘન કરનારી 131 પેઢીઓને કારણદર્શક નોટિસ આપ્યા બાદ લાયસન્સ સસ્પેન્ડ કે રદ કરવા સુધીની કડક વહીવટી કાર્યવાહી કરાશે. એટલું જ નહીં, ગંભીર ગુનાના કિસ્સામાં આવી પેઢીઓ વિરૂદ્ધ કાયદેસરની ફોજદારી કે કાનૂની પગલાં પણ ભરવામાં આવશે તેમ આરોગ્ય રાજ્ય મંત્રીએ કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું.