આણંદઃ રાજ્યમાં હાલ ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને ઝડપવામાં આવી રહ્યા છે. આ આણંદના યુવક સાથે 12 વર્ષ પહેલાં લગ્ન કરનારી બાંગ્લાદેશી યુવતી ઝડપાઈ હતી. 12 વર્ષના લગ્નજીવન દરમિયાન તે બે બાળકોની માતા પણ બની ગઈ હતી. યુવતીએ બાંગ્લાદેશમાં તેની બીમાર માતાની પૂછપરછ કરવા માટે ફોન કર્યો હતો. આ ફોન કૉલ પોલીસે ટ્રેક કરી લીધો હતો અને તપાસમાં તે ભારતમાં ગેરકાયદેસર રહેતી હોવાનું સામે આવ્યું હતું.
લાંભવેલ ગામના રહેવાસી તરુણ પટેલને 2012-13 માં ફેસબુક દ્વારા બાંગ્લાદેશની મુસ્લિમ યુવતી કાજુલી સાથે પ્રેમ થયો હતો. બંનેએ સાથે જીવવા મરવાના વચન આપ્યા હતા. તેણી આણંદના તરૂણ સાથે લગ્ન કરવા માંગતી હતી. આ માટે તેણે બાંગ્લાદેશમાં પાસપોર્ટ મેળવવા રૂ. 13 હજારનો ખર્ચ કર્યો હતો પરંતુ પાસપોર્ટ મેળવી શકી નહોતી. પાસપોર્ટ મેળવી ન શકવાના કારણે, પરિવારના દબાણમાં અન્યત્ર લગ્ન ન કરવા પડે માટે અંદાજે 12 વર્ષ પહેલા ગેરકાયદેસર રીતે સરહદ પાર કરીને ભારત આવી હતી.
આણંદ આવ્યા પછી તરુણ અને કાજુલીએ હિન્દુ રીત-રિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા. કાજુલીમાંથી તે કાજલ બની ગઈ હતી અનેહિન્દુ ધર્મ અપનાવ્યો હતો અને તે પૂરેપૂરી ભારતીય સંસ્કૃતિમાં ભળી ગઈ હતી. તે નિયમિત મંદિરે જતી, પૂજા-પાઠ કરતી અને માનતાઓ પણ રાખતી હતી. આ સુખી સંસાર દરમિયાન તેણે બે બાળકોને જન્મ આપ્યો, જેમાં મોટો દીકરો 8 વર્ષનો અને નાનો દીકરો 2 વર્ષનો છે.
આ દરમિયાન થોડા દિવસ પહેલા ક્રાઈમ બ્રાંચ દ્વારા કાજલની ધરપકડ કરવામાં આવી હતી અને તેને મહિલા આશ્રયગૃહમાં રાખીને ડિપોર્ટેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તરુણના જણાવ્યા મુજબ કાજલ કોઈ ગુનાહિત માનસિકતાથી નહીં, પણ પોતાના પ્રેમને પામવા ભારત આવી હતી. તેણે હિંદુ ધર્મ અંગીકાર કર્યો છે. બાંગ્લાદેશમાં હાલ હિંદુઓ માટે કપરા દિવસો છે. જો તેને ત્યાં ડિપોર્ટ કરવામાં આવશે, તો તેનો પરિવાર તો તેને સ્વીકારશે જ નહીં, પણ ત્યાંના કટ્ટરવાદીઓ તેને જીવતી નહીં છોડે. તેના જીવ પર મોટું જોખમ છે

તરુણ પટેલે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને અપીલ કરી છે કે તેમની પત્નીએ હિન્દુ ધર્મ અંગીકાર કરી લીધો છે અને બાંગ્લાદેશ પરત મોકલવામાં આવે તો કટ્ટરપંથી તત્વો દ્વારા તેના જીવનને જોખમ ઊભું થઈ શકે છે. તેમનું તથા તેમના બાળકોનું ભવિષ્ય બગડે નહીં તે માટે ભારતીય નાગરિકત્વ મેળવવાની તમામ કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવાની પણ તેમણે તૈયારી બતાવી છે.
પરિવારજનોએ કહ્યું કે, કાજલને હાલ આગળની કાર્યવાહી માટે એક મહિલા આશ્રય ગૃહમાં રાખવામાં આવી છે. તેના પતિનું કહેવું છે કે લગભગ બે સપ્તાહ પહેલા ધરપકડ કરવામાં આવ્યા બાદ બાળકો તેની માતાને મળી શક્યા નથી. દંપતીના મોટા પુત્રએ પણ અધિકારીઓને તેની માતના મુક્ત કરવા અપીલ કરી હતી.