Sun Sep 06 2026

Logo

અમદાવાદમાં વિદેશ જેવી સુવિધા! અહીં શરૂ થયું શહેરનું પ્રથમ પેલિકન સિગ્નલ, જાણો કેવી રીતે કરે છે કામ

2026-06-16 09:04:00
Author: Mayur Patel
અમદાવાદમાં વિદેશ જેવી સુવિધા! અહીં શરૂ થયું શહેરનું પ્રથમ પેલિકન સિગ્નલ, જાણો કેવી રીતે કરે છે કામ

Ai Image


અમદાવાદઃ શહેરમાં 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સને લઈ તંત્ર દ્વારા અત્યારથી જ વિદેશ જેવી સુવિધાઓ ઉભી કરવાની શરૂઆત કરવામાં આવી છે.  જે અંતર્ગત વિદેશમાં રાહદારીઓને મળતી સુવિધા જેવી સુવિધા અમદાવાદમાં આપવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે.  શહેરના હાર્દ સમા સી જી રોડ પર રાહદારીઓ માટે નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. રોડ ક્રોસ કરવા બટન દબાવતા લાલ સિગ્નલ ચાલુ થશે. જોકે કેટલા વાહનચાલકો પેલિકન સિગ્નલનું પાલન કરશે તે મોટો સવાલ છે.

મળતી વિગત પ્રમાણે, વિશ્વના અનેક દેશોમાં રાહદારીઓ અને સાયક્લિસ્ટોની સલામતી તેમજ સુવિધાને પ્રાયોરિટી આપવામાં આવે છે અને પગપાળા ચાલતાં લોકોને રોડ ક્રોસ કરવો હોય તો તેના માટે ચોક્કસ જગ્યાએ ઝીબ્રા ક્રોસિંગ દોરીને પેલિકન ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવે છે, તેવી જ રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સીજી રોડ ઉપર આ પ્રકારનું નવતર ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સમયથી શહેરમાં પગપાળા ચાલતા જતા નાગરિકોને રોડ ક્રોસ કરવામાં પડતી તકલીફ દૂર કરવા માટે વિદેશમાં હોય છે તેવા પેલિકન ટ્રાફિક સિગ્નલ લગાવવા સૂચના આપવામાં આવી હતી. જેને લઈ સી જી રોડ પર જ્યાં નાગરિકો સૌથી વધુ રોડ ક્રોસ કરે છે તેવા મ્યુનિસિપલ માર્કેટ આગળ આ સિગ્નલ લગાવવામાં આવ્યું છે. 

પ્રાયોગિક ધોરણે લગાવાયેલાં ટ્રાફિક સિગ્નલનો હવાલો હાલ ટ્રાફિક પોલીસને સોંપવામાં આવ્યો છે અને નાગરિકો તેનો કેવો વપરાશ કરે છે તેનો અભ્યાસ કરાશે. જો આ ટ્રાયલ સફળ અને લોકોપયોગી જણાશે તો અન્ય ભીડભાડવાળા રોડ પર પણ પેલિકન સિગ્નલ લગાવવામાં આવશે.

પેલિકન સિગ્નલ કેવી રીતે કામ કરે છે

મ્યુનિસપિલ કોર્પોરેશન દ્વારા સી જી રોડ મ્યુનિસિપલ માર્કેટ આગળ લગાવવામાં આવેલું પેલિકન સિગ્નલ બચન ઓપરેટેડ સિગ્નલ સિસ્ટમ છે. જ્યારે કોઈ નાગરિકે રોડ ક્રોસ કરવો હોય ત્યારે તેણે સિગ્નલનાં થાંભલા પર લગાવવામાં આવેલું બટન દબાવવાનું રહેશે. બટન દબાવતાં જ સિગ્નલ સિસ્ટમ સક્રિય થશે અને  વાહન થોભવાનો સંકેત આપતી લાલ લાઈટ થશે. રાહદારી રસ્તો ક્રોસ કરી લે તેની થોડી ક્ષણમાં લાઈટ ફરીથી લીલી થઈ જશે.

જોકે અમદાવાદમાં મોટાભાગના ટુ વ્હીલર ચાલકો તેમજ કેટલાક ફોર વ્હીલ ચાલકો રાહદારીઓ રોડ ક્રોસ કરતા હોય ત્યારે પણ બેફામ રીતે વાહન ચલાવે છે. આ જોતાં પેલિકન ટ્રાફિક સિગ્નસ સિસ્ટમ લાગુ થયા બાદ તેનો અમલ કરશે કે કેમ તેને લઈ પણ પ્રશ્ન છે.