Tue Jun 16 2026

Logo

કાળા ડુંગરનું ‘ગીધ કેફેટેરિયા’: લુપ્ત થતી પ્રજાતિ માટે સંજીવની સમાન સાબિત થતો અનોખો પ્રયોગ

2026-06-16 09:56:00
Author: mumbai samachar team
Article Image

ભુજઃ કુદરતના સફાઈ કામદાર ગણાતા અને લુપ્ત થવાના આરે પહોંચેલા ગીધોના સંવર્ધન માટે કચ્છના કાળા ડુંગરની તળેટીમાં શરૂ કરાયેલું ‘ગીધ કેફેટેરિયા’ આજે આશાનું કિરણ બન્યું છે. એક સમયે કચ્છના આકાશમાં વિપુલ સંખ્યામાં વિહાર કરતા સફેદ પીઠવાળા (વ્હાઇટ-બેક્ડ) અને દેશી ગીધોની વસ્તીમાં છેલ્લા બે દાયકામાં ૯૫ ટકાથી વધુનો ચિંતાજનક ઘટાડો નોંધાયો હતો.

 પશુઓની સારવારમાં વપરાતી પીડાનાશક દવા ‘ડાયક્લોફેનાક’ આ વિનાશનું મુખ્ય કારણ બની હતી, કારણ કે આ દવાયુક્ત મૃત પશુઓનું માંસ ખાવાથી ગીધોની કિડની ફેલ થતી હતી અને તેઓ સામૂહિક મૃત્યુનો ભોગ બનતા હતા. આ ગંભીર પર્યાવરણીય સંકટને ખાળવા માટે ગુજરાત વન વિભાગ અને બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી દ્વારા સંયુક્ત રીતે કાળા ડુંગર નજીક એક વિશેષ દવા-મુક્ત ‘ગીધ કેફેટેરિયા’ કાર્યરત કરવામાં આવ્યું છે.

આ પ્રકલ્પ અંતર્ગત સ્થાનિક પશુપાલકો પાસેથી કુદરતી મૃત્યુ પામેલા પશુઓના શવ એકત્ર કરવામાં આવે છે. કેફેટેરિયામાં ખોરાક પીરસતા પહેલાં પશુચિકિત્સકો દ્વારા પશુના શરીરની સઘન તપાસ કરવામાં આવે છે, જેથી સુનિશ્ચિત કરી શકાય કે તેમાં કોઈ પણ પ્રકારની ઝેરી દવાના અવશેષો નથી. આ કેફેટેરિયા પરિસરમાં માનવ અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ગીધો કુદરતી માહોલમાં આરામ કરી શકે તે માટે ઊંચા ગાંડા બાવળના વૃક્ષો પર ખાસ સુવિધાઓ ઊભી કરાઈ છે, તેમજ ૨૪ કલાક સીસીટીવી કેમેરા દ્વારા તેમની સંખ્યા અને વર્તણૂક પર દેખરેખ રાખવામાં આવે છે.

આ અંગે વન વિભાગના એક પ્રવક્તાએ આ અભિયાનની સફળતા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, "ગીધ કેફેટેરિયા એ ગીધો માટે સાચા અર્થમાં જીવનરેખા સાબિત થયું છે. શરૂઆતના તબક્કે બે વર્ષ પહેલાં અહીં અઠવાડિયામાં માંડ એક કે બે ગીધ આવતા હતા, જે સંખ્યા આજે વધીને નિયમિત ૨૫ થી ૩૦ ગીધોની થઈ ગઈ છે. સૌથી પ્રોત્સાહક બાબત એ છે કે ગત વર્ષે કેફેટેરિયા નજીકના વૃક્ષો પર સફેદ પીઠવાળા ગીધના બે બચ્ચાઓ સફળતાપૂર્વક ઉછર્યા છે. આ ઘટના સાબિત કરે છે કે જો સુરક્ષિત અને ઝેર-મુક્ત ખોરાક ઉપલબ્ધ કરાવવામાં આવે, તો આ પ્રજાતિ કુદરતી રીતે જ પુનઃ સંવર્ધન કરવા સક્ષમ છે."

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ પ્રકલ્પની વાસ્તવિક તાકાત સ્થાનિક પશુપાલકોનો અદ્ભુત સહયોગ છે. હવે ગ્રામજનો પણ જાગૃત બન્યા છે અને પશુનું કુદરતી તથા દવા-મુક્ત મૃત્યુ થાય ત્યારે વન વિભાગને તેની સ્વયંભૂ જાણ કરે છે. વૈશ્વિક સ્તરે મોડેલની સ્વીકૃતિ કચ્છના આ સફળ સંરક્ષણ મોડેલની નોંધ હવે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે લેવાઈ રહી છે. ભારતમાં રાજસ્થાનના જોરબીર અને મધ્ય પ્રદેશના બાંધવગઢમાં આ જ તર્જ પર પ્રોજેક્ટ શરૂ કરાયા છે. જ્યારે વૈશ્વિક સ્તરે નેપાળ, પાકિસ્તાન સહિત આફ્રિકન દેશો જેવા કે કેન્યા અને તાન્ઝાનિયામાં પણ ગીધોને બચાવવા માટે ગીધ કેફેટેરિયાનો પ્રયોગ અપનાવવામાં આવ્યો છે.

ગીધની ગેરહાજરી પશુઓના સડતા શવને કારણે ગંભીર રોગચાળો નોંતરી શકે છે, પરંતુ કચ્છનું આ કેફેટેરિયા સાબિત કરે છે કે યોગ્ય વહીવટી નીતિ, વૈજ્ઞાનિક અભિગમ અને સ્થાનિક સમુદાયના ત્રિવેણી સંગમથી પર્યાવરણને નુકસાન થતું અટકાવી શકાય છે અને પ્રકૃતિના સંતુલનને પુનઃ સ્થાપિત કરી શકાય છે. 

(ઉત્સવ વૈદ્ય)