Tue Jun 16 2026

Logo

ટેક ઓફ બાદ AI એક્સપ્રેસના વિમાનમાં ટેકનિકલ ખામી, આકાશમાં લગાવ્યા 18 ચક્કર; કન્નૂરમાં સુરક્ષિત લેન્ડિંગ

2026-06-16 13:35:00
Author: Mumbai Samachar Team
Article Image

કન્નૂરઃ કેરળના કન્નૂરથી જેદ્દાહ જઈ રહેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં મંગળવારે ટેકનિકલ ખામી સર્જાઇ હતી. ટેકનિકલ ખામીને પગલે મુસાફરો ચિંતામાં મુકાઇ ગયા હતા. ઉડાન ભર્યાના થોડી જ વારમાં વિમાનમાં ટેકનિકલ ખામી હોવાની આશંકા સેવાઈ હતી. ત્યાર પછી ક્રૂ મેમ્બર્સને કન્નૂર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પરત ફરવું પડ્યું હતું.

કન્નૂરથી સવારે લગભગ 7:03 વાગ્યે ઉડાન ભરનારી આ ફ્લાઇટમાં મુસાફરી શરૂ થયાની આશરે 30 મિનિટ પછી ટેકનિકલ ખામીની ખબર પડી હતી. સુરક્ષાના નક્કી કરેલા નિયમોનું પાલન કરીને, પાઇલોટોએ ઇન્ટરનેશનલ ફ્લાઇટ આગળ ચાલુ રાખવાને બદલે પાછા એ જ એરપોર્ટ પર પરત ફરવાનો નિર્ણય લીધો જ્યાંથી ઉડાન ભરવામાં આવી હતી.

હવામાં લગાવ્યા 18 ચક્કર

જોકે, જેદ્દાહની લાંબી મુસાફરી માટે વિમાનમાં ઘણું વધારે ઇંધણ (બળતણ) ભરેલું હતું, તેથી લેન્ડિંગ કરતાં પહેલાં ક્રૂ મેમ્બર્સે ઇંધણનું વજન ઓછું કરવું પડ્યું હતું. સુરક્ષિત રીતે ઇંધણ ખાલી કરવા માટે વિમાન તે વિસ્તારની ઉપર ચક્કર લગાવવા લાગ્યું અને કન્નૂર તરફ આગળ વધતાં પહેલાં હવામાં લગભગ 18 ચક્કર લગાવ્યા.

છેવટે સવારે 9 વાગ્યે વિમાન સુરક્ષિત રીતે લેન્ડ થઈ ગયું, જેથી મુસાફરો અને પરિસ્થિતિ પર નજર રાખી રહેલા એરપોર્ટના અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો. વિમાનમાં કુલ 180 મુસાફરો સવાર હતા.

APU (ઓક્સિલરી પાવર યુનિટ) સાથે જોડાયેલી હતી સમસ્યા

શરૂઆતી અહેવાલો મુજબ, વિમાનમાં તાજેતરમાં જ તેના ઓક્સિલરી પાવર યુનિટ (APU) સાથે જોડાયેલી કોઈ સમસ્યા સામે આવી હતી. બાદમાં આ ખામીને સુધારી દેવામાં આવી હતી અને વિમાનને ઓપરેશન (ઉડાન) માટે મંજૂરી આપી દેવાઈ હતી. જોકે, અધિકારીઓ હવે એ વાતની બારીકાઈથી તપાસ કરી રહ્યા છે કે શું પહેલાં આવેલી સમસ્યાનો ઉડાન દરમિયાન થયેલી ટેકનિકલ ખામી સાથે કોઈ સંબંધ હતો કે નહીં.