Mon Sep 14 2026

Logo

અમરેલીની બે ઘટનાઓમાં સાવજ અને નાગરિકો માથે તોળાતું જોખમ છત્તું થયું

2026-05-14 17:12:40
Author: Pooja Shah
અમરેલીની બે ઘટનાઓમાં સાવજ અને નાગરિકો માથે તોળાતું જોખમ છત્તું થયું

અમદાવાદઃ સૌરાષ્ટ્રની શાન ગણાતા ગીરના સિંહ અને માનવ વસાહતો વચ્ચેનું ઘર્ષણ રોજ એક યા બીજી ઘટનામાં પ્રકાશમાં આવે છે. ગીરના જંગલોમાં રહેતાન એશિયાટિક લાયન અને આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો બન્ને જોખમો સાથે જીવી રહ્યા છે. અમુક ઘટનાઓમાં સાવજો આસપાસના લોકોનો શિકાર કરી રહ્યા છે તો અમુક ઘટનાઓમાં લોકોને કારણે સિંહોના જીવન જોખમમાં મૂકાયા છે. 

આવી બે ઘટનાઓમાં અમરેલી તાલુકામાં બની હતી, જેમાં એક સિંહના બચ્ચાંનું (સરાયું-ભરડું) અકસ્માતે મોત નિપજ્યું હતું તો બીજી એક ઘટનામાં એક યુવાનનો સામનો સિંહ સાથે થયો હતો, પરંતુ તે ચમત્કારિક રીતે બચી ગયો હતો. 

અમરેલીના રાજૂલા તાલુકાના દાંતરડી ગામ પાસે ભાવનગર-સોમનાથ નેશનલ હાઈ વે પાસે એક અજાણ્યા વાહને સિંહના એકાદ વર્ષના બચ્ચાંને હડફેટે લેતા તેનું મોત નિપજ્યું હતું. 

વન અધિકારીઓના જણાવ્યા મુજબ, આ ઘટના ત્યારે બની જ્યારે બચ્ચું રસ્તો ઓળંગવાનો પ્રયાસ કરી રહ્યું હતું. માહિતી મળતાં વન વિભાગની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ અને મૃતદેહનું પંચનામું કર્યું હતું. બાદમાં બચ્ચાંના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો જેથી મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાય. તપાસ બાદ, અધિકારીઓએ ઘટનામાં સંડોવાયેલા ડ્રાઇવરને શોધી કાઢ્યો હતો અને તેની ધરપકડ કરી હતી. વન્યજીવન સંરક્ષણ કાયદા હેઠળ વધુ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

તો બીજી બાજુ અમરેલીના જ જાફરાબાદના કડિયાલી ગામનો એક વીડિયો વાયરલ થયો છે, જે ગીર આસપાસના ગ્રામ્યજીવનમાં સિંહોની દહેશત વર્ણવે છે. અહીં એક યુવાન રાત્રે ગલીમાંથી પસાર થાય છે ત્યાર અચાનક બે ડાલામથ્થા આવી ચડે છે અને લગભગ પાંચ-છ ફૂટના અંતરે જ યુવક તેને જોઈ  ગભરાઈ જાય છે અને ત્યાંથી ભાગે છે. સદનસીબે સિંહ તેની પાછળ દોડતા નથી, તેથી યુવકનો જીવ બચી જાય છે. અગાઉ પણ આ રીતે માનવ વસાહતોમાં સિંહોની અવરજવર થતી રહે છે ત્યારે બન્ને વન્યપ્રાણીઓ અને જનતા માટે જોખમ ઊભું થઈ રહ્યું છે.