(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈના નાગપાડા વિસ્તારના પ્રખ્યાત એલેક્ઝાન્ડર સિનેમાની બિલ્િંડગ બહુ જલદી એક ઈતિહાસ બની જવાની છે. થિયેટરના ૧,૦૦૫ ચોરસ મીટરનો પ્લોટ થિયેટર માટે અનામત છે, તે બદલીને તેનું રિઝર્વેશન હવે રહેણાંક જગ્યામાં કરવામાં આવવાનું છે. રાજયના અબર્ન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ તરફથી પ્લોટના રિઝર્વેશનમાં ફેરફાર કરવાની ભલામણ કરવામાં આવી હતી અને હવે તેનો લગતો પ્રસ્તાવ બુધવારે સુધાર સમિતિમાં મંજૂરી માટે રાખવામાં આવવાનો છે.
ભાયખલાનું આ જાણીતું થિયેટર ૨૦૦૭માં કાયમી ધોરણે બંધ થયા બાદ લગભગ બે દાયકાથી બંધ હાલતમાં પડી રહ્યું છે. એક સમયે હોલિવૂડ એક્શન ફિલ્મો અને અંગ્રેજી ફિલ્મો પ્રદર્શિત કરવા માટે જાણીતું એલેક્ઝાન્ડર સિનેમા મુંબઈના જૂના સિંગલ-સ્ક્રીન થિયેટરોમાંનું એક હતું જે બદલાતા ટ્રેન્ડ અને મલ્ટિપ્લેક્સના ઝડપી વિસ્તરણને કારણે ટકી રહેવા માટે સંઘર્ષ કરી રહ્યું હતું. લાંબા સમય સુધી બંધ રહેવાથી થિયેટરનું બિલ્ડિંગ જર્જરિત થઈ ગયું છે અને માળખાકીય બાંધકામ પણ ખખડી ગયું હોવાના અહેવાલ છે. તેથી ભવિષ્યમાં તે ફરી શરૂ થવાની કોઈ શક્યતા જણાતી નથી.
પાલિકા પ્રશાસન દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવ મુજબ આ પ્લોટ હાલમાં ડેવલપમેન્ટ પ્લાન હેઠળ સિનેમા માટે અનામત રાખવામાં આવ્યો છે. જમીનના ઉપયોગમાં ફેરફારની માગ કરતી અરજીઓ બાદ પ્રશાસને અનામત કાઢી નાખવાનો અને રહેણાંક ઉપયોગની મંજૂરી આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
મહારાષ્ટ્ર રાજ્ય વક્ફ બોર્ડનું પ્રતિનિધિત્વ કરતા સમીર ગુલામનબી કાઝીએ ૨૫ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ તત્કાલીન અબર્ન ડેવલપમેન્ટ મિનિસ્ટર એકનાથ શિંદેનો સંપર્ક કરીને સિનેમાનું અનામત રદ કરવાની માગ કરી હતી. અલગથી પ્લોટના માલિક રફીક પટેલે ૨૭ માર્ચ, ૨૦૨૬ના રોજ પાલિકાના ડેવલમેન્ટ પ્લાનિંગ ડિપાર્ટમેન્ટને અરજી સુપરત કરી હતી. એવું, સુધાર સમિતિને સુપરત કરાયેલા પ્રસ્તાવમાં જણાવાયું છે.
અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના નિર્દેશોને અનુસરીને પાલિકાએ છ એપ્રિલ, ૨૦૨૬ના રોજ મ્યુનિસિપલ કમિશનરની પૂર્વ મંજૂરી સાથે તેનો અહેવાલ અને ભલામણો તૈયાર કરી હતી. જો પ્રસ્તાવ મંજૂર થાય છે તો આ પ્રસ્તાવ વ્યૂહાત્મક રીતે ૧,૦૦૫-ચોરસ મીટર પ્લોટ પર રહેણાંક વિકાસ માટે માર્ગ મોકળો કરી શકે છે. એ સાથે જે સિનેમાના ઉપયોગ સાથેના તેના લગભગ એક સદી જૂના જોડાણને અસરકારક રીતે સમાપ્ત કરી શકે છે.