હેન્રી શાસ્ત્રી
ઊંઘવાની ફી: એક રાતના બાવન હજાર રૂપિયા
ઊગતા સૂર્યના દેશ’ તરીકે પ્રખ્યાત જાપાન આજકાલ ઊંઘવા તૈયાર યુવાનોની ખોજમાં રહેતા દેશ તરીકે ચર્ચિત છે. જાપાનનું રિયલ એસ્ટેટ પએક રાત તો ગુજારો હમારે ઘર મેં’ પ્રકારનું કેમ્પેન ચલાવી રહ્યું છે. ફોડ પાડીને જણાવીએ. જાપાનમાં જો કોઈ એકલદોકલ વ્યક્તિ ઘરમાં મૃત્યુ પામે તો એ આવાસ પકલંકિત પ્રોપર્ટી’ અથવા ભૂતિયા ઘર’ તરીકે ઓળખાય છે અને એ ઘર વેચતી વખતે કે ભાડે ચડાવતા પહેલાં ખરીદવા કે ભાડે રહેવા ઇચ્છુક વ્યક્તિને બધી વાતની જાણ કરવી ફરજિયાત છે.
પરિણામે ગમી ગયું હોય તો પણ મોટાભાગના લોકો એવા ઘર ખરીદવાનું કે એમાં રહેવા જવાનું માંડી વાળતા હતા. રિયલ એસ્ટેટની આ રિયાલિટી જોઈ એક ફળદ્રુપ દિમાગમાં એક આઇડિયા ઝબક્યો. મિસ્ટર કોદામા નામના ભાઈએ આવા ભૂતિયા ઘરમાં નાઇટ વિઝન કૅમેરા અને અન્ય ઉપકરણો સાથે રાતના 10થી સવારના 6 વાગ્યા સુધી નીંદર લેવાની પહેલ કરી.
જો આખી રાતમાં કોઈ અલૌકિક ઘટના ન બને તો આ ભાઈસાહેબ આ ઘરમાં ભૂતનો વાસ નથી’ એવું સર્ટિફિકેટ આપી દે. આવા ઘરમાં આઠ કલાક ઊંઘવાના એ ભાઈ 88 હજાર યેન (બાવન હજાર રૂપિયા) ચાર્જ કરે છે. આ આઇડિયા કામ કરી ગયો અને કોદાભાઈનું પઑલ ઇઝ વેલ’નું સર્ટિફિકેટ ધરાવતાં ઘર વેચાઈ ગયાં છે અથવા ભાડે ચડી ગયાં છે. ભૂતમુક્ત પ્રમાણપત્ર ધરાવતું ઘર એ જાપાનમાં યુવાનો માટે આવકનો માર્ગ બની ગયું છે. અજબ દુનિયાની ગજબ વાત, બીજું શું!
50 હજારનું ઇનામ... પોપટ શોધી લાવનારને!
હિન્દી ફિલ્મોમાં પએક ડાલ પર તોતા બોલે’ અને પતોતા મૈના કી કહાની’ જેવાં ગીતો અને બાળવાર્તામાં પપોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી’ જેવા ઉલ્લેખથી અનેક લોકો પરિચિત હશે. સૂડા અથવા પોપટ મનુષ્યની જેમ બોલી શકવાની આવડત અને રમતિયાળ સ્વભાવને કારણે મનુષ્યપ્રેમી પંખી ગણાય છે. જે પરિવારના ઘરમાં પાંજરામાં પોપટ હોય એ ઘરના લોકોનો એ હેવાયો બની જાય છે. એના માટે કુટુંબના સંહાયોમાં પારાવાર પ્રીતિ જન્મે છે.
મધ્ય પ્રદેશના ગ્વાલિયર શહેરમાં રહેતા એક પરિવારને ત્યાંથી ઘરના સભ્ય જેવો પાળેલો પોપટ અચાનક પલાયન થઈ જતાં લોકો બેબાકળા થઈ ગયા છે. એને શોધી કાઢવા આકાશ પાતાળ એક કરવામાં આવી રહ્યાં છે. આસપાસના વિસ્તારમાં સર્ચ ઑપરેશન આદરી ઈ-રિક્ષા ભાડે કરી એના પર પોસ્ટર લગાવી અનેક વિસ્તારમાં ફેરવવામાં આવી રહી છે. વાત વધીને ક્યાં પહોંચી છે એ જાણવા જેવું છે. જે કોઈ વ્યક્તિ આ પોપટ વિશે જાણકારી - માહિતી આપશે અથવા એને હેમખેમ ઘરે પહોંચાડી દેશે એ વ્યક્તિને 50 હજાર રૂપિયા રોકડ ઇનામ પેટે આપવાની ઘોષણા કરવામાં આવી છે, બોલો. આ અનોખા શોધ અભિયાનની ચર્ચા શહેરભરમાં થઈ રહી છે અને લોકો મદદ કરવા આગળ આવી રહ્યા છે.
હસાવે એ અનેકનાં ઘર વસાવે
હસે એનું ઘર વસે અને હસાવે એનું ઘર ભાંગે એવું આદરણીય હાસ્યકાર તેમ જ નિબંધકાર રતિલાલ બોરીસાગરે લખ્યું છે. અલબત્ત વિનોદ ઉપજાવવાના આશય સાથે. હસે એ લાંબું જીવે એવી માન્યતા જાણીતી છે અને હસાવે એ શતાયુ ભવ: થાય એમ કહેવું પડે એનો સાક્ષાત્કાર એટલે મરાઠી ભાષાના સમર્થ વ્યંગચિત્રકાર (કાર્ટૂનિસ્ટ) શિ. દ. ફડણીસ-શિવરામ દત્તાત્રેય ફડણીસે 29 જુલાઈએ ઊજવેલો 102મો બર્થડે. મેટ્રિકની પરીક્ષા પાસ કર્યા પછી જે. જે. સ્કૂલ ઑફ આર્ટ્સમાં અભ્યાસ શરૂ કર્યો અને 1945માં સર્વપ્રથમ તેમનાં કાર્ટૂન પ્રસિદ્ધ થયાં હતાં.
જોકે 1952માં બનેલી એક ઘટનાથી વ્યંગચિત્ર વિકાસનો પ્રારંભ થયો. એ સમયે દિવાળી અંકના મુખપૃષ્ઠ પર સોહામણી યુવતી કે લોકપ્રિય ચિત્રપટ અભિનેત્રીની તસવીર છાપવાની પરંપરા હતી. 1952માં પમોહિની’ નામના દિવાળી અંકના મુખપૃષ્ઠ પર માઉસ પ્રિન્ટનું શર્ટ પહેરેલા એક યુવાન અને કેટ પ્રિન્ટની સાડી પહેરેલી યુવતી બસસ્ટૉપ પર બાજુબાજુમાં ઊભાં હોય એવું વ્યંગચિત્ર છાપવામાં આવ્યું હતું. ઉંદર-બિલાડીનો આ ખેલ વાચકોએ વધાવી લીધો અને મુખપૃષ્ઠ પર વ્યંગચિત્ર છાપવાના નવા ટ્રેન્ડનો ઉદય થયો.
એક પણ શબ્દ વાપર્યા વિના રંગ અને બ્રશની મદદથી વ્યંગચિત્ર તૈયાર કરનારા શ્રીમાન ફડણીસ સાહેબે સળંગ 60 વર્ષ પમોહિની’ દિવાળી અંકનું મુખપૃષ્ઠ તૈયાર કર્યું હતું. માત્ર તેમનું કવરપેજ માણવા અનેક લોકો એ સામયિક ખરીદતા હતા. એમનું યોગદાન વિશાળ છે. પ્રાથમિક શાળાના ગણિતના પુસ્તકમાં તેમનાં કાર્ટૂન જોઈ ગણિત પ્રત્યે અનેક વિદ્યાર્થીઓનો દૃષ્ટિકોણ બદલાઈ ગયો હતો એ બહુ મોટી સિદ્ધિ કહેવાય. આવા ઊંચા ગજાના વડીલ કલાકારને વંદન અને નિરોગી આયુષ્યની શુભેચ્છા.
બેડીઓનાં બંધનમાં બંધાયેલું વૃક્ષ
ગુનો કરવા બદલ કાળા માથાના માનવીને સજા થાય અને એને ઝંઝીર બાંધીને જેલમાં પૂરી દેવામાં આવે એવું સદીઓથી બનતું આવ્યું છે, પણ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે માનવજીવન માં અત્યંત ઉપયોગી સાબિત થતું વૃક્ષ બેડીઓનાં બંધનમાં જકડાઈ જાય? અને 128 વર્ષ પછી પણ એ વૃક્ષ બંધનમાં જકડાયેલું રહે અને એ પણ બીજા કોઈના વાંકને કારણે? ચોંકી ગયા ને, પણ હકીકત એ છે કે 1898ની સાલમાં એક બ્રિટિશ ઑફિસરે શરાબના નશામાં વડના વૃક્ષને ધરપકડની સજા ફરમાવી હતી.
વડનું એ વૃક્ષ આજે પણ સજા ભોગવી રહ્યું છે. અહીં એવો સવાલ થઈ શકે છે કે 1947માં ભાગલા પડ્યા અને એ વૃક્ષ જે વિસ્તારમાં હતું એ સ્વતંત્ર દેશ બનેલા પાકિસ્તાનમાં ગયું. એ વાતને પણ 79 વર્ષ થઈ ગયાં છે. સવાલ એ થાય છે કે શું આ સાત દાયકામાં એ વૃક્ષની બેડી દૂર કરવાનો વિચાર કોઈને નહીં આવ્યો હોય? પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં આવેલા આ વૃક્ષ પર આજે પણ એક પાટિયું જોવા મળે છે જેના પર લખ્યું છે કે AM ARRESTED.' .’ મતલબ કે મારી ધરપકડ કરવામાં આવી છે.
પાટિયા પર આગળ જણાવ્યું છે કે પએક દિવસ સાંજે બ્રિટિશ ઑફિસર શરાબના નશામાં અહીંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે એને એવું લાગ્યું કે હું મારી જગ્યાએથી ખસીને બીજે જઈ રહ્યું છું. એટલે એણે સાર્જન્ટને મારી ધરપકડ કરવાનો આદેશ આપ્યો. એ દિવસથી હું બેડીમાં જકડાયેલું છું.’ બ્રિટિશરોએ તેમના શાસનકાળ દરમિયાન ભારતીય ઉપખંડના લોકો સાથે કેવું અમાનવીય વર્તન કર્યું હતું એની જાણ આવનારી પેઢીને થાય એ માટે એને બંધનમાંથી મુક્ત નથી કરવામાં આવ્યું એવો ખુલાસો સ્થાનિક લોકો તરફથી કરવામાં આવ્યો છે.
લ્યો કરો વાત
શ્વાન અને પુસ્તકની ગણના મનુષ્યના શ્રેષ્ઠ મિત્ર તરીકે કરવામાં આવે છે. શ્વાન જેવા જ હૂંફ અને પ્રેમ આપી શકતું પુસ્તક જ્ઞાનવર્ધક પણ સાબિત થાય છે. અનેક કારણોસર વિશ્વને અચંબિત કરી રહેલા ચીનમાં એક ગુફામાં તૈયાર કરવામાં આવેલી એક લાઇબ્રેરી આંખો પહોળી કરી રહી છે. ચીનના મિયાનહુઆ ગામમાં ખડકોની દીવાલોથી તૈયાર થયેલી એક ગુફામાં લાઇબ્રેરી ઊભી કરવામાં આવી છે.
સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલી આ લાઇબ્રેરીમાં વિવિધ વિષયો અને વિવિધ લેખકોનાં પુસ્તકો હજારોની સંખ્યામાં નજરે પડે છે. ટુરિસ્ટો માટે નજરાણું બનવા ઉપરાંત વાંચન સાથે રોમાંચ પૂરો પાડે છે. ચીનનાં સાંસ્કૃતિક પ્રતીકોમાં વધુ એકનો ઉમેરો થયો છે. દુનિયા કરતાં એક કદમ આગળ રહેવાનું વધુ એક ઉદાહરણ ચીને પૂરું પાડ્યું છે.