Thu Aug 20 2026

Logo

મગજ મંથનઃ શિક્ષણ ક્ષેત્રે AI: વધારાનું જ્ઞાન કે પછી વિચાર શક્તિનું ગ્રહણ?

2026-08-05 08:27:41
Author: Vitthal Waghasiya
Article Image

વિઠ્ઠલ વઘાસિયા

માનવ સભ્યતાના ઈતિહાસમાં કેટલીક એવી ક્ષણ આવે છે, જે માત્ર સમય બદલતી નથી, પરંતુ સમયની વ્યાખ્યા પણ બદલી નાખે છે. મુદ્રણકળાએ જ્ઞાનને રાજમહેલમાંથી જનમાનસ સુધી પહોંચાડ્યું; ઈન્ટરનેટે વિશાળ દુનિયાને એક ગામમાં ફેરવી દીધી અને હવે કૃત્રિમ બુદ્ધિમત્તા- આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)- મનુષ્યની બુદ્ધિના પરંપરાગત અર્થને જ પડકારવા આવી છે. આજે પ્રશ્ન એ નથી કે AI શિક્ષણમાં પ્રવેશી ચૂક્યું છે કે નહી - પ્રશ્ન એ છે કે શિક્ષણ AIને નવી દિશા આપશે કે AI  શિક્ષણની દિશા નક્કી કરશે?

શિક્ષણ એ ક્યારેય માહિતીના ઢગલા ઊભા કરવાની પ્રક્રિયા નહોતું. શિક્ષણનો મૂળ હેતુ હતો- વિચાર શક્તિનો વિકાસ, વિવેકનું સંવર્ધન, સંવેદનાનું સિંચન અને ચારિત્ર્યનું ઘડતર. પુસ્તક માત્ર વાંચવા માટે નથી- તે મનુષ્યને પોતાની અંદર ઝાંખી કરવાનું આમંત્રણ આપે છે. શિક્ષક માત્ર જ્ઞાન આપતો નથી- તે જિજ્ઞાસાની જ્યોત પ્રગટાવે છે, પરંતુ આજે એક એવું યુગ શરૂ થયું છે, જ્યાં માહિતી આંગળીના ટેરવે છે અને જવાબો ક્ષણોમાં મળી જાય છે. આ ઝડપે એક નવો પ્રશ્ન જન્માવ્યો છે- શું આપણે જ્ઞાન મેળવી રહ્યા છીએ કે માત્ર માહિતી ભેગી કરી રહ્યા છીએ?

AI એ શિક્ષણને અદ્ભુત શક્તિ આપી છે. વ્યક્તિગત અભ્યાસ, ત્વરિત પ્રતિસાદ, ભાષાંતર, વર્ચ્યુઅલ પ્રયોગશાળાઓ, સ્માર્ટ મૂલ્યાંકન અને વિશ્વસ્તરીય જ્ઞાન સુધી સમાન પહોંચ - આ બધું હવે શક્ય બન્યું છે. એક નાનકડા ગામનો વિદ્યાર્થી પણ વિશ્વવિખ્યાત શિક્ષકોના વિચારો સુધી પહોંચી શકે છે. વિકલાંગ વિદ્યાર્થીઓ માટે અઈં નવી આશા બની છે. શિક્ષકો માટે વહીવટી ભાર ઓછો થયો છે અને સર્જનાત્મક શિક્ષણ માટે વધુ સમય ઉપલબ્ધ થયો છે. આ બધું નિ:સંદેહ શિક્ષણની નવી સવાર છે, પરંતુ દરેક સવાર સાથે પડછાયો પણ જન્મે છે. 

જ્યારે મશીન જવાબ આપવા લાગે છે ત્યારે મનુષ્ય પ્રશ્ન પૂછવાનું ભૂલી જાય છે. જ્યારે દરેક નિબંધ અઈં લખી આપે છે ત્યારે કલમની મૌલિકતા સુકાવા લાગે છે. જ્યારે પ્રોજેક્ટમાં પરિશ્રમનું સ્થાન અલ્ગોરિધમ લઈ લે છે   ત્યારે જ્ઞાનનો આનંદ ઓગળી જાય છે. આજે વર્ગખંડોમાં એક મૌન સંકટ પાંગરી રહ્યું છે - વિદ્યાર્થીઓ વધુ માહિતગાર બની રહ્યા છે, પરંતુ શું તે વધુ વિચારશીલ પણ બની રહ્યા છે ખરા ?

શિક્ષણનું સૌથી મોટું જોખમ અજ્ઞાન નથી. વિચાર વિહોણું જ્ઞાન છે. AI તૈયાર જવાબો આપી શકે છે, પરંતુ પ્રશ્નની પીડા અનુભવી શકતું નથી. તે કવિતા રચી શકે છે, પરંતુ વિરહના આંસુ કે વિજયનો આનંદ અનુભવી શકતું નથી. તે મહાત્મા ગાંધી પર નિબંધ લખી શકે છે, પરંતુ સત્ય માટેનો આંતરિક સંઘર્ષ જીવી શકતું નથી, કારણ કે મશીન પાસે ગણતરી છે, અંત:કરણ નથી-  સ્મૃતિ છે, અનુભૂતિ નથી.

આજે અસાઈનમેન્ટ વધુ સુંદર બની રહ્યા છે, પરંતુ શું વિદ્યાર્થીઓ વધુ સારા બની રહ્યા છે? ગુણ પત્રકો ચમકી રહ્યા છે, પરંતુ શું ચિંતન પણ એટલું જ તેજસ્વી બની રહ્યું છે? જો શિક્ષણનું મૂલ્યાંકન માત્ર પરિણામોથી થશે અને પ્રક્રિયાને અવગણવામાં આવશે, તો ભવિષ્યમાં આપણે ડિગ્રી ધારકો તો ઘણાં મેળવીશું, પરંતુ દ્રષ્ટિવાન મનુષ્યો ઓછા મળશે.

આ ચિંતાનું બીજું પરિમાણ પણ છે. AI માહિતીનું સર્જન કરે છે, પરંતુ તેની સત્યતા માટે જવાબદાર નથી. ભ્રામક માહિતી, પૂર્વગ્રહયુક્ત જવાબો, નકલ, બૌદ્ધિક અપ્રમાણિકતા અને ડિજિટલ નિર્ભરતા - આ બધું શિક્ષણના પવિત્ર ક્ષેત્રમાં ધીમે ધીમે પ્રવેશી રહ્યું છે. જો વિદ્યાર્થીઓ ‘શોધ’ કરતાં ‘શોર્ટકટ’ને પસંદ કરશે, તો સંશોધનનો આત્મા જ મરી જશે.

આ બધાની વચ્ચે શિક્ષકની ભૂમિકા વધુ મહત્ત્વપૂર્ણ બની છે, ઓછી નહીં. શિક્ષક હવે માત્ર માહિતીનો સ્રોત નથી; તે માહિતી અને જ્ઞાન વચ્ચેનો સેતુ છે. તે AIના જવાબો અને જીવનના સત્ય વચ્ચેનો ભેદ સમજાવનાર માર્ગદર્શક છે. વર્ગખંડમાં હવે પાઠ્યપુસ્તક જેટલી જ જરૂરિયાત મૂલ્યશિક્ષણ, વિવેક અને ડિજિટલ નૈતિકતાની છે.

સમાજે પણ એક નિર્ણય લેવો પડશે. શું આપણે એવી પેઢી ઈચ્છીએ છીએ જે દરેક પ્રશ્નનો જવાબ જાણે, પરંતુ જીવનના મૂળ પ્રશ્નો સામે મૌન થઈ જાય? શું આપણે એવી બુદ્ધિનું નિર્માણ કરી રહ્યા છીએ, જે ઝડપથી વિચારે છે પરંતુ ઊંડાણથી નથી વિચારતી? ટેક્નોલોજીનો વિજય ત્યારે જ અર્થપૂર્ણ છે, જ્યારે તે માનવતાની હાર ન બને.

આથી શિક્ષણની નવી વ્યાખ્યા ઘડવાનો સમય આવી ગયો છે. શાળાઓમાં AIનો ઉપયોગ જરૂર થવો જોઈએ, પરંતુ તેની સાથે Critical Thinking, Ethical Reasoning, Creativity,, અને Character Education ને કેન્દ્રસ્થાને રાખવું પડશે. વિદ્યાર્થીને માત્ર AI ચલાવતાં શીખવવું પૂરતું નથી; તેને AI ને પ્રશ્ન કરતાં પણ શીખવવું પડશે.

આવનારાં વર્ષોમાં વિશ્વ બે પ્રકારના સમાજમાં વહેંચાઈ શકે છે - એક એવો, જે અઈંનો ઉપયોગ કરશે અને બીજો એવો, જે AIનો ગુલામ બની જશે. આ બંને વચ્ચેનો ભેદ માત્ર ટેક્નોલોજી નહીં, પરંતુ શિક્ષણ નક્કી કરશે.

અંતે, AI ને લઈને આપણી સૌથી મોટી જવાબદારી ટેક્નોલોજીનો વિરોધ કરવાની નથી; તેના પર માનવતાનું નેતૃત્વ જાળવી રાખવાની છે. કારણ કે કૃત્રિમ બુદ્ધિ જેટલી પણ વિકસે, તે માનવહૃદયની કરુણા, ગુરુની પ્રેરણા, માતાની મમતા અને અંત:કરણના અવાજનું સ્થાન ક્યારેય લઈ શકશે નહીં.

શિક્ષણના મંદિર દ્વારે AIનું સ્વાગત જરૂર થવું જોઈએ, પરંતુ એક શરતે- તે હાથમાં સાધન બનીને પ્રવેશે, મસ્તક પર સ્વામી બનીને નહીં. કારણ કે જે દિવસે શિક્ષણમાંથી વિચાર ઓગળી જશે, તે દિવસે જ્ઞાનનો પ્રકાશ નહીં, માત્ર માહિતીનો ચમકારો જ બાકી રહેશે. અને ચમકારો ક્ષણિક હોય છે, કારણ કે પ્રકાશ જ શાશ્વત હોય છે.