અમદાવાદઃ તાજેતરમાં યોજાયેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં અંદાજે રૂ. 20,667 કરોડના ખર્ચે અમદાવાદના સરખેજથી ધોલેરા સુધી સેમી હાઇસ્પીડ ડબલ લાઇન રેલ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી. આ સૂચિત પ્રોજેક્ટ ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં આશરે 134 કિમીનો વધારો કરશે.
આ ઉપરાંત આશરે 284 ગામોની કનેક્ટિવિટી વધશે તેનાથી અંદાજે 5 લાખ લોકોને તેનો લાભ મળશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સરખેજ-ધોલેરા ડબલ-લાઈન પ્રોજેક્ટ હેઠળના 134 કિમી લાંબા બ્રોડ-ગેજ સેમી-હાઈ-સ્પીડ રેલ કોરિડોરને પ્રાદેશિક કનેક્ટિવિટીમાં વધુ સુધારો કરવા માટે ભાવનગર સુધી લંબાવવા અંગે હાલમાં સર્વે ચાલી રહ્યો છે. સૂત્રોએ જણાવ્યું કે, આ નવો કોરિડોર અમદાવાદને ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન, આગામી ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ અને લોથલ ખાતેના નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ સાથે જોડશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બ્રોડ-ગેજ નેટવર્ક પર સેમી-હાઈ-સ્પીડ ટ્રેનો ચલાવનારો આ પ્રથમ કોરિડોર હશે. આ કોરિડોર 220 કિમી પ્રતિ કલાકની મહત્તમ ઝડપ માટે ડિઝાઇન કરવામાં આવ્યો હોવા છતાં, ટ્રેનો 200 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડે તેવી અપેક્ષા છે. આ રૂટ પર ભવિષ્યની કામગીરીમાં નેક્સ્ટ-જનરેશન 'કવચ 5.0' સુરક્ષા સિસ્ટમથી સજ્જ નમો ભારત ટ્રેનો જોવા મળે તેવી અપેક્ષા છે.આ પ્રોજેક્ટ સુરક્ષા અને ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શનમાં એક નવો માપદંડ સ્થાપિત કરશે.
આ ઉપરાંત સૂત્રોએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટથી મુસાફરીના સમયમાં ધરખમ ઘટાડો થવાની અને સીમલેસ મલ્ટિમોડલ કનેક્ટિવિટી ઊભી થવાની અપેક્ષા છે. સરખેજ-ધોલેરા સેમી-હાઈ-સ્પીડ ડબલ-લાઈન પ્રોજેક્ટ ધોલેરાના વિકાસને નવી ઊંચાઈઓ પર લઈ જશે. સાબરમતીથી ધોલેરા એરપોર્ટ સુધીનો મુસાફરીનો સમય ઘટીને 48 મિનિટ થવાની ધારણા છે, જ્યારે સરખેજથી ધોલેરા એરપોર્ટની મુસાફરીમાં લગભગ 38 મિનિટનો સમય લાગશે.
આ કોરિડોર અમદાવાદ, ધોલેરા-SIR, આગામી ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ અને નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સને જોડશે.
આ લાઇન પર 13 સ્ટેશન, ત્રણ મોટા પુલ, 74 કિમીના વાયડક્ટ્સ (એલિવેટેડ બ્રિજ), 39 રોડ અંડરપાસ અને બે રેલ-ઓવર-રેલ બ્રિજ હશે. કુલ ટ્રેકની લંબાઈ લગભગ 293 કિમી હશે, અને પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક 4 વર્ષનો નક્કી કરવામાં આવ્યો છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે આ રેલ લાઇન એક્સપ્રેસ વેની સમાંતર ચાલશે, જેનાથી ઝડપી પેસેન્જર અવરજવર અને માલસામાન (ફ્રેટ)ના પરિવહનમાં સુધારો થશે. દાસે જણાવ્યું હતું કે આ કોરિડોર હવાઈ, માર્ગ, રેલ અને બંદરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને જોડીને ધોલેરાને 360 ડિગ્રી કનેક્ટિવિટી આપશે.
સૂત્રોના કહેવા પ્રમાણે સાબરમતી, ગાંધીગ્રામ અને વસ્ત્રાપુર સ્ટેશનો પર મેટ્રો ઇન્ટિગ્રેશન (જોડાણ)નું પણ આયોજન કરવામાં આવ્યું છે. સાબરમતી સ્ટેશન મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર સાથે જોડાશે, જ્યારે મોરૈયા સ્ટેશન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર સાથે જોડાશે.
પ્રોજેક્ટના મુખ્ય લાભો
• અંદાજે 284 ગામો અને 5 લાખથી વધુ વસ્તીને સીધો લાભ
• દર વર્ષે અંદાજે 20 લાખ ટન વધારાની માલવહન ક્ષમતા
• લોજિસ્ટિક ખર્ચમાં દર વર્ષે અંદાજે ₹54 કરોડની બચત
• નિર્માણ તબક્કામાં અંદાજે 91 લાખ માનવ-દિવસ રોજગાર સર્જન
• અંદાજે 0.48 કરોડ લિટર ઇંધણની વાર્ષિક બચત
• અંદાજે 2 કરોડ કિલોગ્રામ CO₂ ઉત્સર્જનમાં ઘટાડો — જે લગભગ 10 લાખ વૃક્ષારોપણ જેટલા પર્યાવરણલક્ષી લાભ સમાન છે
• સાબરમતી, ગાંધીગ્રામ અને વસ્ત્રાપુર સ્ટેશનો પર મેટ્રો નેટવર્ક સાથે એકીકરણ
• સાબરમતી સ્ટેશન પર બુલેટ ટ્રેન કનેક્ટિવિટી
• મોરૈયા (સાણંદ) ખાતે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર અને ભીમનાથ લોજિસ્ટિક હબ સાથે જોડાણ