અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (મનપા) એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે ભંડોળ એકત્ર કરવા અને કોન્ટ્રાક્ટરોના બાકી લેણાં ચૂકવવા માટે 16 ટાઉન પ્લાનિંગ (ટીપી) યોજનાના પ્લોટની હરાજી લગભગ રૂ. 1,207 કરોડની અનામત કિંમત સાથે કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ દરખાસ્ત મંજૂરી માટે સ્થાયી સમિતિ સમક્ષ મૂકવામાં આવી હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.
પાલિકાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, જમીનની હરાજીમાંથી મળનારી આવકનો ઉપયોગ રસ્તાઓ, પુલો, પાણી પુરવઠા પ્રોજેક્ટ્સ, પમ્પિંગ સ્ટેશનો, આરોગ્ય કેન્દ્રો અને અન્ય જાહેર સુવિધાઓ સહિતના મુખ્ય માળખાગત કાર્યો માટે કરવામાં આવશે.
મોટાભાગના પ્લોટ અમદાવાદના પ્રીમિયમ પશ્ચિમી વિસ્તારો, જેમ કે આંબલી, થલતેજ, ગોતા, જગતપુર, રાણીપ અને સોલામાં સ્થિત છે. હરાજીમાં હંસપુરામાં એક મોટો રહેણાંક પ્લોટ પણ સામેલ કરવામાં આવશે, તેવી માહિતી સૂત્રોએ આપી હતી.
સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે સૌથી મૂલ્યવાન મિલકત ટીપી સ્કીમ ૧૦૯ (મુથિયા-હંસપુરા-બિલાસિયા) માં પ્લોટ નંબર ૯૬ છે, જે ૪૧,૮૨૩ ચોરસ મીટર છે. પ્રતિ ચોરસ મીટર રૂ. ૭૧,૦૦૦ ની અનામત કિંમત સાથે, આ પ્લોટના લગભગ રૂ. ૨૯૭ કરોડ આસપાસ મળવાની અપેક્ષા મનપાને છે.
આ દરખાસ્ત ૧૨ જૂનના રોજ યોજાયેલી ઔડાની પ્રાઈસ ફિક્સેશન કમિટી બાદ કરવામાં આવી હતી, જેમાં મનપાની માલિકીના ૨૦ પ્લોટના મૂલ્યાંકનની સમીક્ષા કરવામાં આવી હતી. ૧૬ પ્લોટ માટે અનામત કિંમતો નક્કી કરવામાં આવી હતી, જ્યારે બાકીના ચાર પ્લોટનું મૂલ્યાંકન મુલતવી રાખવામાં આવ્યું હોવાની માહિતી મળી હતી.