Sat May 16 2026

Logo

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પ્રત્યક્ષદર્શીનો મોટો દાવો, કહ્યું- કેપ્ટનના બંને હાથ સ્ટિયરિંગ પર હતા

2026-05-16 13:19:00
Author: Mayur Kumar Patel
Article Image

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં નવો ખુલાસો: કેપ્ટનના બંને હાથ સ્ટિયરિંગ પર હોવાનો પ્રત્યક્ષદર્શીનો દાવો

અમદાવાદઃ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં ગત વર્ષે એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થઈ હતી.  આ ઘટનાને એક વર્ષ થવા આવ્યું છે. આ દુર્ઘટનામાં 260 લોકોના મૃત્યુ થયા હતા. હજુ સુધી દુર્ઘટનાનો રિપોર્ટ જાહેર થો નથી. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યૂરોએ શરૂઆતમાં વિમાનના બંને એન્જિન અચાનક બંધ થઈ ગયા હોવાનો દાવો કર્યો હતો. પરંતુ હવે ગોપનીય પોસ્ટમોર્ટમ રિપોર્ટ, અમદાવાદની બી જે મેડિકલ કોલેજના પોસ્ટમોર્ટમ રૂમની અંદરના પ્રત્યક્ષદર્શીની જુબાની અને સત્તાવાર ફોરેન્સિક રેકોર્ડના આધારે કરવામાં આવેલા દાવા મુજબ, ફ્લાઈટ 171ના કેપ્ટનના બંને હાથ સ્ટીયરિંગ હેન્ડલ પર હતા. તેમણે વિમાનને દુર્ઘટનાથી બચાવવા માટે અંતિમ સમય સુધી સંઘર્ષ કર્યો હતો.

એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ, કેપ્ટને વિમાનને બચાવવા માટે અંતિમ ક્ષણ સુધી સંઘર્ષ કર્યો હતો. ઘણા પ્રત્યક્ષદર્શીએ સ્વતંત્ર રીતે દાવો કર્યો કે, કેપ્ટન સભરવાલનો મૃતદેહ બેઠેલી સ્થિતિમાં લાવવામાં આવ્યો હતો. તેમના હાથ હજી પણ એ વસ્તુ પર જકડેલા હતા, જેને તેમણે વિમાનનું સ્ટીયરિંગ હેન્ડલ (કંટ્રોલ યોક) ગણાવ્યું હતું. જો આ સત્ય હોય તો વરિષ્ઠ પાયલટના કહેવા પ્રમાણે, કેપ્ટને અંતિમ સેકંડ સુધી વિમાન ઉડાવતા હતા. તેઓ સિસ્ટમ ફેલ થયા બાદ પણ બોઈંગ 787ને બચાવવાની કોશિશ કરતા હતા. જાણી જોઈને તેમણે પ્લેન ક્રેશ નહોતું કર્યું.

પ્રત્યક્ષદર્શીઓની જુબાની કેપ્ટને 2025માં અમદાવાદમાં જાણી જોઈને પ્લેન ક્રેશ કર્યું હોવાની અહેવાલનું ખંડન કરે છે. મુખ્ય પ્રત્યક્ષદર્શીમાંથી એક મેડિકલ પ્રોફેશનલ છે, જે ક્રેશ બાદ બીજે મેડિકલ કોલેજ હોસ્પિટલમાં હાજર હતા. તેમણે ક્રેશ પીડિતો સાથે જોડાયેલા પાંચ ફોરેન્સિક ઓળખ પુરાવા પર હસ્તાક્ષર કર્યા હતા.

AI 171 ક્રેશ પીડિતના એક પરિવારજને જણાવ્યું, તેણે દુર્ઘટનામાં ભાઈ, ત્રણ વર્ષની ભત્રીજી અને કાકીને ગુમાવ્યા હતા. તેણે કહ્યું મેં કેપ્ટન સભરવાલનો મૃતદેહ જોયો હતો. જ્યારે તેને અંદર લઈ જવાયો ત્યારે તે થોડી દૂર જ હતો. હું મારી ભત્રીજીનો મૃતદેહ શોધતો હતો ત્યારે કેપ્ટન સુમીતનો મૃતદેહ વ્હીલચેરમાં રાખીને અંદર લઈ જવાયો હતો. તેમનો મૃતદેહ બેઠેલી મુદ્રામાં હતો. તેમના બંને હાથ હેન્ડલ પર હતા. 

બી જે મેડિકલ કોલેજના એક ડૉક્ટરે જણાવ્યું કે, કેપ્ટન સભરવાલની માત્ર પીઠ અને બગલ સળગી હતી. તેમનો મૃતદેહ પોસ્ટમોર્ટમ રૂમમાં અન્ય પીડિતોના શબથી અલગ રૂમમાં રાખવામાં આવ્યો હતો. કેપ્ટનની બોડી બેઠેલી મુદ્રામાં હતી, ઘૂંટણ વળેલા હતા અને પગ હવામાં હતા. જૂતા પણ દેખાતા હતા અને તેમનો હાથમાં વિમાનનું સ્ટીયરિંગ હેન્ડલ હતું. તેમનો ચહેરો પણ સ્પષ્ટપણે ઓળખી શકાતો હતો.

માત્ર એક જ પેસેન્જર બચ્યો હતો

એર ઈન્ડિયાની લંડન જતી ફ્લાઈટ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ટેક ઓફ થયાની ગણતરીની સેકંડમાં જ મેઘાણીનગરમાં બી જે મેડિકલ કોલેજ પરિસરમાં તૂટી પડી હતી. આ દુર્ઘટન 12 જૂન, 2025ના રોજ બપોરે 1.39 કલાકે થઈ હતી. દુર્ઘટનામાં  પ્લેનમાં સવાર 242માંથી માત્ર એક જ જીવતો વ્યક્તિ બચ્યો હતો. આ દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું પણ નિધન થયું હતું.

હજુ સુધી ફાઇનલ રિપોર્ટ આવ્યો નથી

એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના પ્રારંભિક રિપોર્ટ મુજબ, વિમાને ઉડાન ભરતાની સાથે જ તેના બંને ફ્યુલ કંટ્રોલ સ્વિચ કટ-ઓફ પોઝિશનમાં આવી ગયા હતા, જેના કારણે બંને એન્જિન બંધ થઈ ગયા હતા. બાદમાં કોકપિટની વાતચીતની વિગતો સામે આવી હતી કે કેપ્ટને કો-પાયલટને પૂછ્યું હતું કે, તેં એન્જિન કટ-ઓફ કેમ કર્યું? જેના પર કો-પાયલટે જવાબ આપ્યો હતો કે મેં એવું નથી કર્યું. પાયલટ સંગઠનો અને અમેરિકન સુરક્ષા એજન્સીઓના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વિમાનની લિથિયમ બેટરી અથવા ઈલેક્ટ્રિકલ સિસ્ટમમાં શોર્ટ સર્કિટ થવાને કારણે ફ્યુલ સ્વિચ આપમેળે બંધ થઈ ગયા હતા. આમાં પાયલટોની કોઈ ભૂલ નહોતી.