Wed Jun 17 2026

Logo

કાબુલ પરના હુમલાને અફઘાનિસ્તાનના ક્રિકેટરોએ વખોડ્યોઃ `ઇઝરાયલ અને પાકિસ્તાન વચ્ચે કોઈ જ ફરક નથી'

Kabul   2026-03-17 18:06:17
Author: Ajay Motiwala
Article Image

કાબુલઃ પાકિસ્તાને અફઘાનિસ્તાનના પાટનગર કાબુલ (Kabul)ની હૉસ્પિટલ પર સોમવારે રાત્રે કરેલા ઘાતક હુમલાને અફઘાનિસ્તાનના જાણીતા ક્રિકેટરો રાશિદ ખાન (Rashid Khan) અને રહમનુલ્લા ગુરબાઝ સહિત કેટલાક ખેલાડીઓએ આકરા શબ્દોમાં વખોડી કાઢ્યો છે તેમ જ પાકિસ્તાનને ઇઝરાયલ સાથે સરખાવ્યું છે.

પાકિસ્તાન (Pakistan)ના સૈનિકોએ કરેલા હુમલામાં 400 જેટલા લોકોના મૃત્યુ નીપજ્યા હતા અને લગભગ 250 લોકોને ઈજા થઈ હતી. યુદ્ધમાં સામેલ દરેક દેશ એકબીજાના લશ્કરી મથકો પર કે હવાઈ તથા નૌકા ક્ષેત્રના સ્થાનોને લક્ષ્યાંક બનાવતા હોય છે અને સામાન્ય નાગરિકોના રહેઠાણો તેમ જ હૉસ્પિટલ તથા સ્કૂલ જેવા સ્થળો પર હુમલો ન થાય એની તકેદારી રાખે છે. જોકે ક્યારેક જાણતાં-અજાણતાં આવા સ્થાનો પર હુમલો થઈ જતો હોય છે.

રમઝાનના મહિના દરમ્યાન કાબુલની હૉસ્પિટલ પરના હુમલાને પગલે સમગ્ર અફઘાનિસ્તાનમાં જ નહીં, વિશ્વભરના અનેક દેશોના લોકોને આઘાત લાગ્યો છે. અફઘાનિસ્તાનની ટી-20 ટીમના કૅપ્ટન અને આઇપીએલમાં ગુજરાત ટાઇટન્સ (જી. ટી.) વતી રમતા જાણીતા સ્પિનર રાશીદ ખાને સોશ્યલ મીડિયામાં લખ્યું છે, `પાકિસ્તાની સૈનિકોના આ માનવ સંહારથી મને ખૂબ આઘાત લાગ્યો છે. હું સંયુક્ત રાષ્ટ્રોને આ દમનની ઘટના વિશે તપાસ કરવાની અપીલ કરું છું અને માગણી કરું છું કે ગુનેગારો સામે કડક પગલાં ભરો.'

અફઘાનિસ્તાનના ક્રિકેટર રહમનુલ્લા ગુરબાઝે અગાઉ પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ)માં રમવા માટે કૉન્ટ્રૅક્ટ કર્યો હતો, પરંતુ પછીથી એ ટૂર્નામેન્ટમાંથી તે નીકળી ગયો હતો. તેણે `એક્સ' પર લખ્યું છે, `પાકિસ્તાને રમઝાન મહિનામાં હૉસ્પિટલ પર બૉમ્બમારો કરીને નિર્દોષ લોકોના જાન લીધા. હવે આંતરરાષ્ટ્રીય કાયદો ક્યાં ગયો? ક્યાં ગઈ માનવતા? દુનિયા જાગશે ત્યાં સુધીમાં કોણ જાણે કેટલા લોકોના જીવ લેવાશે.'

અફઘાનિસ્તાનના ફાસ્ટ બોલર નવીન-ઉલ-હકે ફેસબુક પરની પોસ્ટમાં જણાવ્યું હતું કે `આવી ઘટના બની એટલે હવે મને પાકિસ્તાન અને ઇઝરાયલ વચ્ચે કોઈ જ ફરક નથી દેખાતો.'