Wed Jun 17 2026

Logo

યુબીટીમાં બળવોઃ બળવાખોર સાંસદોનો ઉદ્ધવ ઠાકરે સાથે જ નહીં, પરંતુ મહા વિકાસ આઘાડી સાથે પણ વિશ્વાસઘાત, જનતા દેશદ્રોહીઓને પાઠ ભણાવશે: કૉંગ્રેસ

2026-06-17 21:07:07
Author: Vipul Vaidya
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
શિવસેના (યુબીટી) પક્ષના છ સાંસદોનો બળવો એ ઉદ્ધવ ઠાકરે અને તેમની શિવસેના સાથે જ વિશ્વાસઘાત નથી, પરંતુ તેમણે કોંગ્રેસ મહા વિકાસ આઘાડી સાથે પણ વિશ્ર્વાસઘાત કર્યો છે. લોકોએ તેમને મહાયુતિ સામે જીત અપાવવા માટે મત આપ્યો હતો, આ તેમનો વિશ્ર્વાસઘાત છે, લોકો હવેથી આવા દેશદ્રોહીઓને પાઠ ભણાવશે, એમ મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષવર્ધન સપકાલે જણાવ્યું હતું. 

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે શિવસેના (યુબીટી) પક્ષ છોડીને બળવો કરનારા છ સાંસદો મહા વિકાસ આઘાડીના ઉમેદવાર હતા. 2024ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાના કાર્યકરોએ આ છ લોકો માટે પ્રચાર કર્યો હતો, તેમને કોઈ ધમકીની પરવા નહોતી, તેઓ કોઈ લાલચમાં ન આવ્યા હતા અને લોકોએ તેમના પર વિશ્ર્વાસ કર્યો, આ બળવો એ બધાનું અપમાન છે, આ છ સાંસદોએ બધા સાથે દગો કર્યો છે. પૈસા માટે લાચાર આ લોકો જનતાની સેવા કરી શકતા નથી, તેઓ ફક્ત પૈસા ઇચ્છે છે. પૈસા માટે વેચાયેલા આ લોકો કોઈના નથી, એમ તેમણે કહ્યું હતું. 

જો ચૂંટણી ન જીતી શકાય, તો જીતેલા ઉમેદવારોને પૈસાથી ખરીદવામાં આવે છે, નહીં તો ચૂંટણી પંચને હાથ પકડીને ઉમેદવારી રદ કરવામાં આવે છે. ખૂબ જ વિકૃત વહીવટ શરૂ થયો છે. આ બધી પ્રકારની ઘટનાઓ લોકશાહી માટે હાનિકારક છે, પરંતુ સૌથી કમનસીબ વાત એ છે કે આ ઘટનાઓને ક્યાંય પણ ન્યાય મળી રહ્યો નથી, પછી ભલે તે વિધાનસભા, સંસદ કે કોર્ટમાં હોય, એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે, ભાજપે બધી સંસ્થાઓ પર કબજો જમાવી લીધો છે અને આતંકના આધારે રાજ્ય ચલાવી રહી છે.