Tue Jun 16 2026

Logo

શ્રીલંકન ખેલાડીઓ અમને સતત ગાળ આપી રહ્યા હતાઃ તિલક વર્મા

2026-06-16 19:46:00
Author: Ajay Motiwala
Article Image

વૈભવ સૂર્યવંશીને ભૂતપૂર્વ શ્રીલંકન ખેલાડીએ ડ્રેસિંગ-રૂમમાં આવીને કહ્યું...

દમ્બુલાઃ
સોમવારે ઇન્ડિયા-એના ઓપનિંગ બૅટ્સમૅન વૈભવ સૂર્યવંશીને શ્રીલંકા-એના ખેલાડીઓએ અને ખાસ કરીને વિશેન હલમબાગેએ ઉશ્કેરતા જે બબાલ થઈ એ સંબંધમાં ઇન્ડિયા-એના કૅપ્ટન તિલક વર્માએ કહ્યું છે કે `આખી મૅચમાં શ્રીલંકન ખેલાડીઓ અમને અપશબ્દો કહી રહ્યા હતા. એ તો ઠીક, પણ અમ્પાયરોએ કેટલાક નિર્ણયો તેમની તરફેણમાં આપ્યા હતા. અમે બધુ અવગણીને રમવા પર જ ધ્યાન આપતા હતા. જોકે અમે મૅચ બાદ પાછા આવી રહ્યા હતા ત્યારે એક શ્રીલંકન ખેલાડીએ વૈભવને ફરી ગાળ આપી હતી અને ત્યારે શ્રીલંકન ખેલાડીઓ હદ વટાવી ગયા અને વૈભવે જે કંઈ કર્યું એ બરાબર હતું.'

ઇન્ડિયા-એનો સુપર ઓવરમાં પરાજય થયો ત્યાર બાદ શ્રીલંકા-એના ખેલાડી વિશેને વૈભવને `મૅચ પૂરી થઈ ગઈ...આ કંઈ આઇપીએલ નથી' એવો ટોણો માર્યો હતો. અન્ય એક અહેવાલ મુજબ વિશેને વૈભવને કહ્યું, `મૅચ ખતમ થઈ ગઈ...જા ઘરે જા.' આવી ટિપ્પણી થતાં વૈભવનો પિત્તો ગયો હતો અને તેણે વિશેનને ધક્કો માર્યો હતો. મામલો વધુ આગળ વધે એ પહેલાં સાથી ખેલાડીઓએ તેમને શાંત પાડ્યા હતા.

વૈભવ શ્રીલંકાના વર્તમાન પ્રવાસમાં 14, 44, 21 અને છ રનના સ્કોર નોંધાવી શક્યો છે. તે આઇપીએલના 776 રન જેવું ફૉર્મ શ્રીલંકામાં જાળવી નથી શક્યો. હકીકતમાં શ્રીલંકા-એના ખેલાડીઓ નવમી જૂને પ્રથમ મુકાબલાના સમયથી જ ભારતીય ખેલાડીઓ સામે સ્લેજિંગ કરી રહ્યા હતા અને સોમવારની મૅચમાં ભારતીય પ્લેયર્સને તેમણે વારંવાર ગાળ આપી હતી.

શ્રીલંકન ખેલાડીઓને શીખવવાની જરૂર છેઃ કોચ બહુતુલે

ભારતનો ભૂતપૂર્વ સ્પિનર સાઇરાજ બહુતુલે ઇન્ડિયા-એ ટીમનો કોચ છે. તેણે પત્રકાર પરિષદમાં કહ્યું, `જે કંઈ બન્યું એ નહોતું બનવું જોઈતું. વૈભવ એકદમ શાંત સ્વભાવનો છે. અમે ડ્રેસિંગ રૂમમાં આ મુદ્દે ચર્ચા જરૂર કરીશું, પણ હું એટલું જરૂર કહીશ કે શ્રીલંકાના ખેલાડીઓને શીખવવાની જરૂર છે કે મેદાન પર કેવું વર્તન કરવું. અમે એ પણ જોઈશું કે વૈભવે જે કંઈ કર્યું એ પણ ફરી ન બને. ભવિષ્યમાં આવી ઘટના બનવી જ ન જોઈએ.'

અશ્વિને પણ આપી પ્રતિક્રિયા...

ભારતના સ્પિન-લેજન્ડ રવિચન્દ્રન અશ્વિને પણ વૈભવ અને શ્રીલંકન ખેલાડી વિશેન વચ્ચેની ચકમકના બનાવ સંબંધમાં તેમ જ આખી મૅચમાં જે વિવાદો થયા એ વિશે પ્રતિક્રિયા આપી છે. સુપર ઓવર દરમ્યાન અમ્પાયરના નો બૉલ કૉલનો ભારતીય ટીમને વિરોધ કર્યો હતો. અશ્વિને `એક્સ' પર લખ્યું છે, `ભારતીય ખેલાડીઓએ જે આક્રોશ બતાવ્યો એ સમજી શકાય એવો છે, કારણકે અમ્પાયરે હાઇટનું કારણ આપીને જે નો બૉલ આપ્યો એ વિવાદાસ્પદ હતો, એક તો પ્રકાશ નબળો થઈ રહ્યો હતો એવામાં શ્રીલંકાના ખેલાડીઓએ બૅટિંગ માટે મેદાન પર આવવામાં મોડું કર્યું હતું.

79 વર્ષના શ્રીલંકન લેજન્ડે એક કલાક સુધી વૈભવની રાહ જોઈ!

1975થી 1979 દરમ્યાન શ્રીલંકા વતી ચાર વન-ડે રમનાર ભૂતપૂર્વ કૅપ્ટન અનુરા ટેનેકૂન સોમવારે મૅચ પછી વૈભવ સૂર્યવંશીને મળવા ડ્રેસિંગ રૂમમાં આવ્યા હતા. વૈભવ આવ્યો એના એક કલાક પહેલાં જ અનુરા તેને મળવા આવી ગયા હતા. તેઓ રૂમમાં હતા અને વૈભવ રૂમમાં આવ્યો અને તરત જ અનુરાને પગે લાગ્યો હતો. અનુરાએ તાજેતરની શાનદાર આઇપીએલ સીઝન બદલ વૈભવની પીઠ થાબડી હતી અને તેને સલાહ આપી હતી કે `તું રમવા પર જ બધુ ધ્યાન આપ અને બીજી બધી બાબતોને જરાય ધ્યાનમાં ન લે.'

અનુરાએ ડ્રેસિંગ રૂમમાં ઉપસ્થિત અન્યોને કહ્યું હતું કે `તાજેતરની આઇપીએલમાં મેં રાજસ્થાન રૉયલ્સની ઇનિંગ્સ જોઈ હતી જેમાં ખાસ કરીને હું વૈભવની ચોગ્ગા-છગ્ગા ફટકારવાની કળાથી હું ખૂબ પ્રભાવિત થયો હતો. તે ખૂબ સારું રમે છે.'