મુંબઈઃ બોલિવૂડના કપલ્સ વચ્ચે જ્યારે પણ ડખા થાય છે ત્યારે એની અંગત જિંદગી ઉપર પણ હેડલાઈન્સ બને છે. ગોવિંદા અને સુનિતા અહુજા વચ્ચે તણખા ઝર્યાના અનેક એવા કિસ્સાઓ ચર્ચામાં રહ્યા બાદ હવે બન્નેના છૂટાછેડાની વાત ચર્ચામાં હતી.આ વાતને લઈને ગોવિંદાની પુત્રીએ મહત્ત્વનો ખુલાસો કરી દીધો છે. હકીકત એ પણ છે કે, ગોવિંદાને બોલિવૂડમાં છેલ્લા કેટલાક સમયથી કામ મળતું નથી. તે કોઈ ફિલ્મમાં પણ દેખાતો નથી. એવામાં છૂટાછેડાની વાતને લઈને અનેક સમીકરણ પર ચર્ચા શરૂ થઈ હતી. હવે એની દીકરીએ આ વિશે વાત કરતા કહ્યું હતું કે, આવી વાતથી કોઈના જીવન પર માઠી અસર થાય છે.
આવી વાતથી ખોટું લાગે છે
ટીના આહુજાએ કહ્યું કે, મારા પેરેન્ટસ સાથે કેટલીક અફવાઓ જોડાયેલી અગાઉ પણ હતી અને આજે પણ છે. હકીકત જાણ્યા વગર લોકો ચર્ચા કરે છે. સેલિબ્રિટી પરિવાર હોય એટલે એને ઓટોમેટિક પબ્લિક અટેનશન મળી જાય છે. જ્યારે પર્સનલ મેટર પબ્લિક થઈ જાય છે ત્યારે મોટી મુશ્કેલી ઊભી થાય છે. પેરેન્ટસને લઈને જે છૂટાછેડાની વાત થઈ રહી છે એ બિલકુલ ખોટી છે. હું નાની હતી એ સમયથી જોઈ રહી છું કે, આ પ્રકારની ઘણી સ્ટોરીઝ આવતી રહેતી હતી. આવી વાત પહેલા બોલિવૂડના મેગેઝિનમાં થતી હતી. હવે આવી વાત ઈન્ટરનેટ પર ચર્ચામાં હોય છે. આજે દુનિયા ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબની છે. હું પણ માણસ છું મને પણ મારા માતા-પિતાની આવી વાતથી ખોટું લાગે છે. જ્યારે તમે આવી ચર્ચા થાય ત્યારે જે જુઓ છો એમાં બધુ સાચું પણ હોતુ નથી. ઘણીવાર વાતને વધારીને કરવામાં આવે છે, ઈરાદાપૂર્વક વધારો કરીને બોલવામાં આવે છે.

પરિવારમાં ઊતારચઢાવ સામાન્ય છે
દરેક પરિવારમાં ઊતારચઢાવ થતા હોય છે. લોકો સામાન્ય રીતે હેડલાઈન્સ વાંચીને પોતાનો મત વ્યક્ત કરી બેસે છે. એની સામે હકીકત ઘણી જુદી જ હોય છે. આવા મુદ્દાઓ માટે સામગ્રી બીજી જગ્યાએથી લેવામાં આવે છે અને પછી મુદ્દો સૌથી વધારે ચર્ચામાં રહેતો હોય છે. આ પછી એક અલગથી જ સ્ટોરી બનાવી લેવામાં આવે છે. હું કોઈ સંત તો નથી જેના પર ક્યારેય કોઈ અસર જ ન થાય. આવી વાત ખરેખર ડિસ્ટર્બ્ડ કરે છે. સેલેબ્સ હોય ત્યારે તમારે જાડી ચામડીના થવું પડે છે. કારણ કે, તમે બોલિવૂડની મોટી ઈન્ડસ્ટ્રીનો જ એક ભાગ છો.જ્યારે લોકોને હકીકત ખબર પડે છે ત્યારે સમય જુદો હોય છે. આવું થયા કરે છે અને આવું થાય ત્યારે શ્રેષ્ઠ છે કે તમે તમારા કામ પર ફોક્સ કરો. આવી વસ્તુઓ પર ધ્યાન જ ન આપો. કારણ કે, આ બધી વસ્તુ તમારી માનસિક અને શારીરિક હેલ્થને અફેક્ટ કરે છે.

એમનો મને પૂરતો સપોર્ટ
મારા માતા-પિતા મને દરેક પાસા પર સપોર્ટ કરે છે. અમે હંમેશા એકબીજાને સપોર્ટ કરવામાં માનીએ છીએ.હકીકત એ પણ છે કે, એ સમયે ગોવિંદા પર સુનિતાએ ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા.વર્ષોથી સાથે રહેતું આ કપલ ઘણીવાર ચર્ચામાં આવી ચૂક્યું છે. હવે બન્નેના સંબંધોમાં ખટાશ આવી હોવાની વાત પર દીકરીએ ચોખવટ કરી છે. પણ ગોવિદાએ કે સુનીતાએ કોઈએ આ વિષય પર સ્પષ્ટતા કરવાનું ટાળ્યું છે. સુનીતાએ ગોવિંદાના બીજા મહિલા સાથે સંબંધ હોવાના આક્ષેપ કર્યા હતા. જોકે, પછી બધુ શાંત થઈ જતા મામલો થાળે પડી ગયો હતો. હવે છૂટાછેડાને લઈને દીકરીએ સ્પષ્ટતા કરી દીધી છે.