Tue Jun 16 2026

Logo

વૈભવ સાથે પંગો લેવાનું ભારે પડ્યું, શ્રીલંકન ખેલાડીઓને દંડ થયોઃ જોકે ડિકવેલા સામે કેમ પગલું ભરાયું?

Dambulla   2026-06-16 21:59:53
Author: Ajay Motiwala
Article Image

દમ્બુલાઃ 15મી જૂને અહીં ઇન્ડિયા-એ અને શ્રીલંકા-એ વચ્ચેની મૅચમાં જે અણબનાવ થયો એની અસર શ્રીલંકાના ખેલાડીઓ પર જોવા મળી રહી છે, કારણકે એક જાણીતી ક્રિકેટ વેબસાઇટના અહેવાલ મુજબ વૈભવ સૂર્યવંશી સાથે તકરારમાં અને ધક્કા-મુક્કીમાં ઉતરનાર શ્રીલંકન ખેલાડી વિશેન (Vishen) હલમ્બગે તેમ જ એ પહેલાં ભારતીય પ્લેયર્સને અપશબ્દો કહેનાર ખેલાડીઓને શ્રીલંકન ક્રિકેટ બોર્ડે દંડ ફટકાર્યો હોવાનું જાણવા મળ્યું છે.

કોને શું સજા અને દંડ કરવામાં આવ્યા છે એનો શ્રીલંકા ક્રિકેટે કોઈ ખુલાસો નથી કર્યો, પણ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે શ્રીલંકાના ક્રિકેટ બોર્ડે ઝઘડામાં સામેલ ખેલાડીઓની મૅચ-ફી કાપી નાખી છે. વૈભવ (Vaibhav)ને વિશેન હલમ્બગેએ ઉશ્કેર્યો હતો.

પ્રદીપ જયપ્રગાશને મૅચ-રેફરી તરીકેની જવાબદારી સોંપવામાં આવતી હતી અને તેમણે અમ્પાયર્સ તેમ જ ઘટના સાથે સંકળાયેલાઓ સાથે વાતચીત કરી ત્યાર બાદ આ કડક પગલું ભરવામાં આવ્યું છે. 

દરમ્યાન એક વાત એવી જાણવા મળી છે કે શ્રીલંકાના ક્રિકેટ બોર્ડે અનુભવી વિકેટકીપર-બૅટ્સમૅન નિરોશન ડિકવેલા સામે પગલું ભર્યું છે. કહેવાય છે કે તેને પણ દંડ કરાયો છે. તેણે તો વૈભવ-વિશેનને શાંત પાડવાની કોશિશ કરી હતી, પરંતુ મૅચ દરમ્યાન જરૂર કરતાં વધુ અપીલ કરી એ બદલ તેની સામે ઍક્શન લેવામાં આવ્યું છે.