Wed May 06 2026

Logo

એસી બ્લાસ્ટ થતાં પહેલાં આપે છે આ ખાસ સંકેતો, જો સમયસર પારખી લીધા તો...

2026-05-05 20:30:17
Author: Darshana Visaria
Article Image

તાજેતરમાં દેશના પાટનગર નવી દિલ્હીમાં એસીમાં બ્લાસ્ટ થતાં લાગેલી આગને કારણે 9 લોકોના મૃત્યુ થયા હોવાની ઘટના પ્રકાશમાં આવતા જ ફરી એક વખત એસી સેફ્ટી અને સર્વિસિંગનો સવાલ ઉપસ્થિત થયો છે. એમાં પણ ખાસ કરીને જ્યારે તાપમાપ 50 ડિગ્રીનો આંકડો વટાવી ગયો હોય ત્યારે એસી વિના રહેવું શક્ય જ નથી અને આ એસીમાં થનારી નાનકડી ભૂલ પણ જીવલેણ સાબિત થઈ શકે છે. આજે આપણે આ સ્ટોરીમાં જાણીશું કે એસીમાં બ્લાસ્ટ થતાં પહેલાં શું સંકેત જોવા મળે છે.... 

કોઈ પણ એસીમાં બ્લાસ્ટ થતાં પહેલાં કે તેમાં કોઈ ખામી સર્જાય એ પહેલાં એસી કેટલાક સંકેતો ચોક્કસ આપે છે. જો સમયસર આ સંકેતને ઓળખીને તેના પર પગલાં લેવામાં આવે તો નવી દિલ્હી જેવી હોનારતોને અટકાવી શકાય છે. એસીમાં બ્લાસ્ટ થાય એ પહેલાં કેટલાક ચોક્કસ સંકેતો મળે છે, જે નીચે મુજબ છે-

બળવાની ગંધ: 

જો એસી ચાલુ કર્યા પછી તરત જ કે પછી તેની આસપાસ કંઈક બળવાની ગંધ આવે, તો તે ઓવરહીટિંગ અથવા ઇલેક્ટ્રિક સમસ્યાનો સંકેત હોઈ શકે છે. તમારે તરત જ આ બાબતે ધ્યાન આપવાની જરૂર છે. 

ધુમાડો નીકળવો: 

જ્યારે એસીમાંથી ધુમાડો નીકળે. એસીમાંથી ધુમાડો નીકળવો એ જોખમની ઘંટી છે. આવું થતા જ એસી બંધ કરી ટેકનિશિયનની સલાહ લેવી જોઈએ. જો સમયસર આ સમસ્યા સોલ્વ કરવામાં આવે તો મોટી હોનારત ટાળી શકાય છે. 

અસામાન્ય અવાજ: 

જો એસીમાંથી કંઈક તૂટવાનો કે ટકરાવવાનો અવાજ આવે કે પછી એસીમાંથી સામાન્ય કરતા વધુ અવાજ આવતો હોય, તો તેનો કોઈ ભાગ લૂઝ હોઈ શકે છે અને આ એસી ઠીક નથી એ વાતનો સંકેત છે. 

વારંવાર ઓન-ઓફ થવું: 

ઘણી વખત તમે જોયું હશે કે એસી પોતાની જાતે જ ઓન ઓફ થાય છે. જો એસી પોતાની મેળે જ વારંવાર ચાલુ-બંધ થતું હોય, તો તે ઓવરહીટિંગને કારણે હોઈ શકે છે.

કૂલિંગમાં ઘટાડો: 

જો એસી ઠંડી હવા ન આપતું હોય તો ગેસ લીક હોઈ શકે છે. જ્યારે ગરમ હવા ફેંકવી એ ઓવરહીટિંગનો સ્પષ્ટ સંકેત છે અને અનેક વખત આ ઓવરહિટિંગની સમસ્યાને કારણે આગ લાગવાના કે એસીમાં બ્લાસ્ટ થવાની ઘટનાઓ જોવા મળે છે. 

સ્પાર્કિંગ: 

એસી ચાલુ હોય ત્યારે જો ક્યાંયથી પણ તણખા કે ચિંગારી નીકળતી દેખાય, તો તેને તરત બંધ કરી દેવું જોઈએ, કારણ કે તે શોર્ટ સર્કિટનું કારણ બની શકે છે.

પાણીનું લીકેજ: 

એસીમાંથી પાણી ટપકવું એ એસીના ઈલેક્ટ્રોનિક પાર્ટ્સને નુકસાન પહોંચાડી શકે છે, જે આગ લાગવાનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં જો તમારા એસીમાંથી પણ પાણી ટપકે છે તો તેને અવગણશો નહીં અને સમયસર આ સમસ્યાનું નિવારણ લાવજો, જેથી કોઈ મોટી હોનારત ન સર્જાય.

વધુ જુઓ...