નવી દિલ્હીઃ સ્માર્ટફોન ખરીદતી વખતે યુવાનો ઓનલાઈનથી લઈને ઓફલાઈન સુધી અનેકવાર વિચાર કર્યા બાદ ફોન પર પોતાની પસંદગી ઊતારતા હોય છે. ખાસ કરીને બેજટથી વિચાર કરીને સારા તથા શ્રેષ્ઠ ફીચર મળી રહે એ દિશામાં પ્રાથમિકતા હોય છે. એક સમય હતો જ્યારે ફોનમાં સ્પેસ, સ્ક્રિન, રિઝોલ્યુશન, ફીચર અને રેમ જેવા મુદ્દાઓ પર નજર કરીને ફોનની પસંદગી કરવામાં આવતી. પણ હવે સમયના સેકન્ડના કાંટે બદલતી ટેક્નોલોજીની દુનિયામાં ફોન પસંદ કરવા માટેના માપદંડ બદલી રહ્યા છે. સ્માર્ટફોન માર્કેટમાં ગ્રાહકોની પસંદગી ઝડપથી બદલાઈ રહી છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત ફીચર્સ પણ ફોન પસંદ કરવાનો મહત્વનો આધાર બની રહ્યા છે.
સર્વેમાં સામે આવ્યો ચોંકાવનારો ખુલાસો
‘બેસ્ટ ઇન ટેક સર્વે’માં આ અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે. જુલાઈ 2026માં હાથ ધરાયેલા આ સર્વેમાં 40,000થી વધુ લોકોએ ભાગ લીધો હતો. સર્વે મુજબ, 82 ટકા ગ્રાહકો માટે સ્માર્ટફોન ખરીદતી વખતે AI ફીચર્સ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. ઘણા એવા પણ યુથ છે જે એઆઈના ટુલ્સને જ પૂછી રહ્યા છે કે, સ્માર્ટફોનમાં ફીચરને લઈ નવી અપડેટ શું છે? સ્માર્ટફોનમાં AIનો ઉપયોગ કોઈ નવી બાબત નથી.
શરૂઆતમાં AIનો ઉપયોગ મુખ્યત્વે કેમેરા સીન ડિટેક્શન, ફેસ રેકગ્નિશન અને વોઇસ આસિસ્ટન્ટ જેવા ફીચર્સ પૂરતો હતો, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં જનરેટિવ AI અને ઓન-ડિવાઇસ AIના વિકાસ સાથે સ્માર્ટફોન વધુ વ્યક્તિગત અને સ્માર્ટ બન્યા છે.
ટકાવારીથી સમજો AIની પ્રાથમિકતા
હવે AI માત્ર એક માર્કેટિંગ શબ્દ નથી રહ્યો. ગ્રાહકો એવા AI ફીચર્સ ઈચ્છી રહ્યા છે જે તેમના રોજિંદા કામને સરળ બનાવી શકે. સર્વે અનુસાર, 25 ટકા ગ્રાહકો કોન્ટેક્સ્ચ્યુઅલ આસિસ્ટન્સ ઈચ્છે છે. આ પ્રકારનું AI યુઝરની જરૂરિયાત અને સ્ક્રિન પર ચાલી રહેલી પ્રવૃત્તિને સમજીને સજેશન કરી શકે છે. ઉદાહરણ તરીકે, મેસેજિંગના જવાબ આપવા, આ ઉપરાંત, 18 ટકા ગ્રાહકો જનરેટિવ ફોટો એડિટિંગને પસંદ કરે છે. જ્યારે 17 ટકા ગ્રાહકો વિઝ્યુઅલ સર્ચને મહત્વ આપે છે.11 ટકા ગ્રાહકો એડેપ્ટિવ બેટરી મેનેજમેન્ટ ઈચ્છે છે, જે ફોનના ઉપયોગ પ્રમાણે બેટરીનો વપરાશ મેનેજ કરવામાં મદદ કરી શકે છે. આ આંકડા દર્શાવે છે કે ગ્રાહકો માટે AIનો અર્થ માત્ર ફોટો એડિટિંગ નથી. તેઓ એવા ફીચર્સ તરફ પણ આકર્ષાઈ રહ્યા છે જે ફોનના વાસ્તવિક ઉપયોગને વધુ સરળ બનાવે.
પર્ફોમન્સને પ્રાયોરિટી
AIનું મહત્વ વધી રહ્યું હોવા છતાં સ્માર્ટફોનના પરંપરાગત ફીચર્સની કિંમત ઓછી થઈ નથી. સર્વે અનુસાર, 87 ટકા ગ્રાહકો ફોનની પરફોર્મન્સને સૌથી મહત્વપૂર્ણ માને છે. ત્યારબાદ 79 ટકા લોકો બેટરી લાઈફને મહત્વ આપે છે, જ્યારે 77 ટકા ગ્રાહકો માટે કેમેરા ક્વોલિટી મહત્વપૂર્ણ છે. AIનું વધતું મહત્વ હોવા છતાં ગ્રાહકો હજુ પણ ફોનની મૂળભૂત કામગીરી, યુઝેજ, ફીચર અને દૈનિક ધોરણે ઉપયોગમાં આવતા ટુલ્સ સાથે કોઈ સમાધાન કોઈ રીતે કરવું નથી. એટલે બેઝિક ટુલ્સના ભોગે AI જોઈતું નથી.
ગ્રાહકોની ફરિયાદોની વાત કરીએ તો બેટરી હજુ પણ સૌથી મોટો મુદ્દો છે. 22 ટકા લોકો પોતાના હાલના સ્માર્ટફોનની બેટરીથી પરેશાન છે. આ ઉપરાંત કેમેરાની ક્વોલિટી અને ફોનની પરફોર્મન્સને લઈને પણ ફરિયાદો સામે આવી છે. આ સ્થિતિ એ પણ દર્શાવે છે કે નવી ટેક્નોલોજી અને AI ફીચર્સ સાથે ફોન બનાવતી કંપનીઓ માટે બેટરી લાઈફ અને પાવર મેનેજમેન્ટ હજુ પણ મોટો પડકાર છે.
50 હજારથી વધુના ફોન તરફ વધતું આકર્ષણ
સ્માર્ટફોન માટે ગ્રાહકોનું બજેટ પણ રસપ્રદ તસવીર રજૂ કરે છે. સર્વે મુજબ,દર ત્રણમાંથી લગભગ એક ગ્રાહક આગામી ફોન માટે ₹50 હજારથી વધુ ખર્ચ કરવા તૈયાર છે. તેમાં 15 ટકા લોકો ₹ 50 હજારથી ₹ 75 હજાર વચ્ચેનો ફોન ખરીદવા માંગે છે, જ્યારે 17 ટકા ગ્રાહકો ₹ 75 હજારથી વધુ કિંમતના ફોન તરફ નજર રાખી રહ્યા છે.
જોકે, સૌથી લોકપ્રિય સેગમેન્ટ હજુ પણ ₹ 25 હજારથી ₹50 હજાર વચ્ચેનો છે. કુલ 42 ટકા ગ્રાહકો આ કિંમતના સેગમેન્ટમાં નવો ફોન શોધી રહ્યા છે. બીજી તરફ, ₹15 હજારથી ઓછી કિંમતના સ્માર્ટફોનમાં ગ્રાહકોની રુચિ પ્રમાણમાં ઓછી જોવા મળી છે. માત્ર 7 ટકા ગ્રાહકો આ કિંમતના સેગમેન્ટમાં નવો ફોન ખરીદવા માંગે છે. આ ટ્રેન્ડ દર્શાવે છે કે ગ્રાહકો હવે માત્ર સસ્તો ફોન ખરીદવા કરતાં વધુ સારા પરફોર્મન્સ, કેમેરા, બેટરી અને AI ફીચર્સ માટે વધુ ખર્ચ કરવા તૈયાર થઈ રહ્યા છે.
વારંવાર સ્માર્ટફોન બદલતા નથી
લોકો હવે પહેલાંની જેમ વારંવાર સ્માર્ટફોન બદલતા નથી. સર્વે અનુસાર, 54 ટકા ગ્રાહકો પોતાનો ફોન બે વર્ષ કે તેનાથી વધુ સમય સુધી ઉપયોગ કરે છે. કેટલાક તો દસ દસ વર્ષ થયા હોવા છતા એક જ સ્માર્ટ ફોન પર ટકી રહે છે. માત્ર ફીચર અપડેટ આવે તો ઠીક બાકી બ્રાઉઝર અને નાની મોટી સપોર્ટિંગ એપ્સથી કામ ચલાવે છે. તેની પાછળ વધુ સારા હાર્ડવેર, સોફ્ટવેર અપડેટ્સ અને લાંબા સમય સુધી ઉપયોગ કરી શકાય તેવા સ્માર્ટફોનનો વધતો ટ્રેન્ડ એક કારણ બની શકે છે.
48 ટકા ગ્રાહકો આગામી ત્રણ મહિનામાં પોતાનો ફોન અપગ્રેડ કરવાની તૈયારીમાં છે. એટલે કે એક તરફ ફોનનું જીવનચક્ર લાંબું થઈ રહ્યું છે, તો બીજી તરફ નવી ટેક્નોલોજી અપનાવનારા ગ્રાહકોનો એક મોટો વર્ગ સક્રિય છે. સર્વેનો સૌથી રસપ્રદ ટ્રેન્ડ નાના શહેરોમાંથી સામે આવ્યો છે. ₹ 75,000થી વધુ કિંમતના સ્માર્ટફોન ખરીદવામાં હવે માત્ર મોટા મેટ્રો શહેરોના ગ્રાહકો જ રસ ધરાવતા નથી.
શહેર પ્રમાણે અલગ અલગ પસંદગી
આ સેગમેન્ટમાં મેટ્રો શહેરોના ગ્રાહકોની ભાગીદારી 18 ટકા છે, જ્યારે ટિયર-2 શહેરોમાં 17 ટકા અને ટિયર-3 શહેરોમાં 15 ટકા ગ્રાહકો આ પ્રીમિયમ સ્માર્ટફોનમાં રસ ધરાવે છે. સ્માર્ટફોનનું ભવિષ્ય કેવું હશે એ વિશે વાત કરવામાં આવે તો આ સમગ્ર ટ્રેન્ડ પરથી સ્પષ્ટ થાય છે કે સ્માર્ટફોન માર્કેટ હવે માત્ર વધુ મેગાપિક્સલ, વધુ રેમ કે ઝડપી પ્રોસેસરની સ્પર્ધા પૂરતું સીમિત નથી.
AI હવે ફોનના અનુભવનો મહત્વનો ભાગ બની રહ્યું છે. માત્ર AI હોવું પૂરતું નથી, તે ઉપયોગી હોવું જોઈએ. ફોન જો યુઝરની જરૂરિયાત સમજે, રોજિંદા કામમાં સમય બચાવે, ફોટો એડિટિંગ સરળ બનાવે, સર્ચ ઝડપી કરે અને બેટરીનો સમજદારીપૂર્વક ઉપયોગ કરાવે, તો જ AI ફીચર્સ ગ્રાહકોના ખરીદી નિર્ણયને પ્રભાવિત કરશે.