Tue Jul 14 2026

Logo

આરોગ્ય એક્સપ્રેસઃ વિટામિનની ઊણપને અવગણવી ભારે પડી શકે છે

2026-07-14 09:39:00
Author: Rajesh Yagnik
Article Image

 


રાજેશ યાજ્ઞિક


આપણે જ્યારે આરોગ્યની વાત કરીએ ત્યારે તેમાં સૌથી વધુ ચર્ચાતી વાત એક હોય છે વિટામિન્સ. વિટામિન્સ એ એવા પદાર્થોનો સમૂહ છે જે કોષોના સામાન્ય કાર્ય, વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી છે.

કુલ 13 આવશ્યક વિટામિન્સ છે. શરીરના યોગ્ય સંચાલન માટે આ વિટામિન્સની જરૂર હોય છે. જેમ લશ્કરમાં સૈનિકના હોદ્દા પ્રમાણે તેમનાં કાર્યો નિશ્ચિત થયેલા હોય, તેવી રીતે પ્રત્યેક વિટામિન શરીર માટે એક મહત્ત્વનું કાર્ય કરે છે.


આજકાલની જીવનશૈલીમાં ડૉક્ટરો પાસે જતા દર્દીઓમાં સૌથી સામાન્ય તકલીફોમાંથી એક હોય છે વિટામિન્સની ઊણપ.

વિટામિન્સ આટલા જરૂરી શા માટે છે? તે જાણવું જરૂરી છે. તેની ઊણપોથી આરોગ્યની શું તકલીફો સર્જાઈ શકે એ પણ જાણવું જરૂરી છે.


વિટામિનની ઊણપ વિશ્વભરમાં સામાન્ય છે. તેની સામાન્ય રીતે સારવાર કરી શકાય છે. વિટામિનની ઊણપ એટલે તમારા શરીરને જરૂરી પોષક તત્ત્વોનો પૂરતો અભાવ. આ ઊણપ શરીરની સિસ્ટમને ખરાબ કરી શકે છે.


વિટામિનની ઊણપ સામાન્ય રીતે એવી વસ્તુને કારણે થાય છે જે તમે અરોગતા નથી, પરંતુ તમે વિવિધ પ્રકારના સ્વસ્થ ખોરાક ખાતા હો, છતાં ઘણાં એવાં કારણો પણ હોય છે જેને કારણે પણ તમને વિટામિનની ઊણપ રહી શકે છે. વિટામિનની ઊણપ ઘણીવાર ગંભીર, કાયમી અથવા તો ઘાતક ગૂંચવણોનું કારણ બની શકે છે.


વિટામિનની ઊણપ કેટલી સામાન્ય છે?


વિટામિન  Aની ઊણપ વિશ્ર્વભરમાં સૌથી સામાન્ય છે. વિશ્ર્વઆરોગ્ય સંસ્થાનો અંદાજ છે કે વિટામિન  Aની ઊણપ દર વર્ષે વૈશ્વિક સ્તરે 250,000થી 5,00,000 બાળકોમાં અંધત્વનું કારણ બને છે. સંશોધન  એ પણ દર્શાવે છે કે બધી ઉંમરના અનેક લોકોમાં આ ઊણપ હોય છે, પરંતુ તે એટલી ગંભીર ઊણપ થઈ હોતી કે જે ના દેખાય. વિશ્ર્વભરમાં અન્ય સૌથી સામાન્ય વિટામિનની ઊણપમાં વિટામિન D  અને   B12નો સમાવેશ થાય છે. વિટામિન Eની ઊણપ જેવી અન્ય વિટામિનની ઊણપ અત્યંત એટલી સામાન્ય નથી હોતી.


વિટામિનની ઊણપનાં લક્ષણો મુખ્યત્વે એ વાત પર આધાર રાખે છે કે તમારા શરીરમાં કયા વિટામિનની ઊણપ છે અને તે ઊણપ કેટલી ગંભીર છે.

મોટા ભાગે એવું માનવામાં આવે છે કે આપણા ખોરાકમાં વિટામિનની ઊણપ હોય એટલે આપણા શરીરમાં પણ તેની અસર દેખાય. જોકે, દરેક વખતે આ જ કારણ હોય તેવું નથી, પણ અનેક કારણોમાંથી એક જરૂર છે.


વિટામિનની ઊણપ સામાન્ય રીતે નિવારી શકાય તેવી હોય છે, પરંતુ ક્યારેક તે એવા કારણોસર થાય છે જેને તમે બદલી શકતા નથી.

આનુવંશિક સ્થિતિઓ અથવા તમારા નિયંત્રણ બહારનાં અન્ય પરિબળોના કિસ્સામાં આ વાત ખાસ કરીને સાચી છે. વળી, પૌષ્ટિક ખોરાક લેવા છતાં પણ તમને તેની ઊણપ થઈ શકે છે.


એક અન્ય વિવાદ કે મતભેદ એ છે કે શાકાહારી ખોરાક ખાનારાઓમાં વિટામિનની ઊણપ વધારે જોવા મળે છે કે કેમ? એે ઉપરાંત માદક પીણાં, સૂર્ય પ્રકાશ ઓછો મળવો, કેટલીક દવાઓ ચાલુ હોવી, જેવાં કારણો પણ વિટામિન્સની ઊણપ માટે જવાબદાર હોય છે.

વધતી ઉંમર પણ વિટામિન્સની ઊણપનું એક કારણ છે. તેવી જ રીતે સ્ત્રીઓ અને પુરુષોમાં વિટામિન્સની જરૂરિયાત અલગ હોય છે. તેમની સમસ્યાઓ પણ ઘણી વાર અલગ હોય છે. ખાસ કરીને, ઉંમર વધવાની સાથે સ્ત્રીઓને પોષણની જરૂરિયાતો અલગ અલગ હોય છે.


વિટામિન અને ખનિજોની ઊણપનાં લક્ષણો ઘણીવાર સૂક્ષ્મ અને દેખાઈ આવે તેવાં કે તરત અનુભવાય તેવાં ન હોવાથી, સમસ્યાને ઓળખવા માટે ટેસ્ટિંગ એ સૌથી વિશ્વસનીય રીત છે. કેટલાંક લક્ષણોને આપણે ઉંમર સંબંધિત અથવા કામના તણાવ સંબંધિત સમજીને આપણે અવગણતા હોઈએ છીએ, જે ક્યારેક ભારે પડી શકે છે. માટે કોઈ પણ નાની-મોટી સમસ્યા જો સતત અનુભવાતી હોય તો તબીબ પાસે જઈને તેનું ચોક્કસ કારણ જાણી લેવું એ આરોગ્યની જાળવણીની માસ્ટર કી છે.    

અલગ અલગ વિટામિન્સની ઊણપ વિશે આપણે આગળ ચર્ચા કરીશું અને વધુ જાણીશું.