અમદાવાદઃ રથયાત્રા પહેલા આતંકીઓનો ડોળો ગુજરાત પર મંડરાયો હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા ગુજરાત ATS દ્વારા રાજ્યમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી અંતર્ગત પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાંથી વધુ 5 શંકાસ્પદ ઇસમોને ડિટેન કરવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, આ સમગ્ર મામલામાં પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંભવિત કનેક્શન સહિત વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ATS દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.
ATS દ્વારા 13 જુલાઇને સોમવારના રોજ સિદ્ધપુરમાં એક ગુપ્ત તપાસ હાથ ધરવામાં આવી હતી. મળતી વિગતો અનુસાર, સિદ્ધપુરના વ્યસ્ત એવા ઝાંપલીપોળ વિસ્તારમાં એટીએસની ટીમ ત્રાટકી હતી અને ત્યાં મોડી સાંજ સુધી એક કટલરીના વેપારીની દુકાનમાં સઘન પૂછપરછ અને તપાસ કરી હતી.
પ્રાપ્ત પ્રાથમિક માહિતી મુજબ, કોઈ આતંકી દ્વારા આ કટલરીની દુકાનમાંથી નાના રમકડાંમાં વપરાતી બેટરીઓની ખરીદી કરવામાં આવી હોવાની આશંકાને પગલે એટીએસ દ્વારા આ ઓપરેશન હાથ ધરાયું હતું. આ સર્ચ ઓપરેશન દરમિયાન ઝાંપલીપોળ સ્થિત 'નૂરાની ટેલર્સ' નામની દુકાનમાંથી એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત (ડિટેન) કરવામાં આવી છે. એટીએસની ટીમ આ શંકાસ્પદ ઇસમને વધુ પૂછપરછ અને તપાસ અર્થે અજ્ઞાત સ્થળે લઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે.
સિદ્ધપુરમાંથી વધુ 5 શંકાસ્પદ ઇસમોને ડિટેન
આ ઓપરેશનના ભાગરૂપે આજે પાટણ જિલ્લાના સિદ્ધપુરમાંથી વધુ 5 શંકાસ્પદ ઇસમોને ડિટેન કરવામાં આવ્યા છે. ગઇકાલે સ્થાનિક પોલીસને સાથે રાખીને વિવિધ વિસ્તારોમાં મોડી સાંજ સુધી સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. ATS દ્વારા રાજ્યમાં રથયાત્રા જેવા મોટા તહેવારોમાં વિઘ્ન નાખવા અને સંગઠનને ફરી સક્રિય કરવાના મોટા ષડયંત્રનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ સંયુક્ત કાર્યવાહી દરમિયાન કુલ 8 શંકાસ્પદ આતંકીઓની અટકાયત કરવામાં આવી છે.
શંકાસ્પદોની ATS દ્વારા સઘન પૂછપરછ
પ્રાથમિક તપાસ મુજબ, સિદ્ધપુરમાંથી 3, પાલનપુરમાંથી ૩ અને ચીખલીમાંથી 1 આતંકી ઝડપાયા હતા. આજે સિદ્ધપુરમાંથી વધુ 5 જેટલા સંદિગ્ધોને પકડી પૂછપરછ કરવામાં આવી રહી છે. આતંકીઓના તાર સિદ્ધપુર તાલુકામાં વધુ સક્રિય હોવાના પુરાવા મળતા ATS ટીમોએ ગઇકાલે બપોરથી જ સિદ્ધપુરમાં તપાસ શરૂ કરી હતી.
ATS ટીમો દ્વારા સિદ્ધપુર તાલુકાના ચાટાવાડા ગામમાં આતંકી મોહમદ અમીન શેરાના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તેના પરિવારજનોની પણ ઝીણવટભરી પૂછપરછ કરવામાં આવી હતી.
મોહમદ અમીન શેરા દ્વારા સિદ્ધપુર વિસ્તારમાંથી ખરીદવામાં આવેલા શંકાસ્પદ સામાન અંગેના સગડ મેળવવા માટે શહેરના ઝાપલીપોલ સહિતના અન્ય વિસ્તારોમાં વેપારીઓની પૂછપરછ કરી તપાસ લંબાવવામાં આવી છે. પૂછપરછના આધારે આગામી સમયમાં આ નેટવર્ક સાથે જોડાયેલા વધુ ખુલાસા થવાની શક્યતા છે.