ગાંધીનગરઃ ગુજરાતનાં ગીર જંગલમાંથી છ દાયકા પહેલા વિલુપ્ત થઇ ગયેલા ઇન્ડિયન ગ્રે હોર્નબિલ (ચિલોત્રો) પક્ષીને ફરી પાછા ગીરમાં વસાવવાનાં પ્રયત્નોને સફળતા મળી છે. છ દાયકા પહેલા ગીરનાં જંગલમાંથી વિલુપ્ત થયેલા ચિલોત્રા પક્ષીને ફરી વખત વર્ષ 2021માં અરવલ્લીનાં જંગલોમાંથી લાવી ગીરમાં છોડવામાં આવ્યા હતા. રાજ્ય સરકારનાં આ ‘ઇન્ડિયન ગ્રે હોર્નબિલ રિ-ઇન્ટ્રોડક્શન’ પ્રોજેકટને સફળતા મળી છે. કેમ કે, આ પક્ષી હવે અહીં સ્થાયી થઇ ગયુ છે, એટલુ જ નહીં પણ તે અહીં માળા પણ બનાવે છે અને પ્રજનન પણ કરે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં વન વિભાગ દ્વારા વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે મહત્વના આયામો હાથ ધરવામાં આવ્યા છે. વિલુપ્ત થવાના આરે આવેલા ઘોરાડ પક્ષીથી લઇ ઇન્ડિયન ગ્રે હોર્નબિલનાં રિ-ઇન્ટ્રોડક્શન પ્રોજેક્ટને મળેલી સફળતા આના ઉત્તમ ઉદાહરણો છે. વર્ષ 2021માં ગીર જગંલમાં ચિલોત્રા પક્ષીને ફરીથી વસાવવામાં આવ્યા. આ ઘટનાને પાંચ વર્ષ થયા. હવે આ પક્ષી તેના નવા વસવાટમાં ગોઠવાઇ ગયા છે. અને પ્રજનન પણ છે. જે આ પ્રોજેક્ટની સફળતા દર્શાવે છે. 1950 અને 1960ના દાયકામાં ગીરનાં જગંલમાંથી અદૃશ્ય થઈ ગયેલા ચિલોત્રા પક્ષીને ફરી વખત ત્યાં પાછા લાવવાનાં પ્રોજેક્ટને સફળતા મળવી એ એક સીમાચિહ્નરૂપ ઘટના છે,’ ગુજરાતનાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું.
ચિલોત્રાનું ઇકોલોજીમાં મહત્વનું યોગદાન
ચિલોત્રો પક્ષીને ગીરનાં જગંલમાં મુક્ત કર્યા પછીના પ્રથમ વર્ષ દરમિયાન એક જોડીએ સફળતાપૂર્વક પ્રજનન કર્યું હતુ જ્યારે બીજા વર્ષમાં વધારાની ત્રણ સંવર્ધન જોડીઓએ માળો બનાવ્યો હતો. આ દર્શાવે છે કે, ચિલોત્રાએ ગીરને ફરીથી પોતાનું ઘર બનાવી લીધું છે. આ પક્ષી લાંબા અંતર સુધી વૃક્ષોનાં બીજનો ફેલાવો કરે છે. તેનું આ વર્તન ઇકોલોજીની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ ગણાય છે. આ પક્ષી ફળ આપતા વૃક્ષોના બીજનું વહન કરીને જંગલોના કુદરતી પુનર્જીવનમાં મદદ કરે છે," ગુજરાતના વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ વિનોદ રાવે જણાવ્યું હતું.
ગીરના જંગલોમાં ૪૦ ઇન્ડિયન ગ્રે હોર્નબિલ છોડાયા હતા
"આ પ્રોજેક્ટ હેઠળ બે તબક્કામાં ૪૦ ઇન્ડિયન ગ્રે હોર્નબિલને ગીરનાં જંગલોમાં મુક્ત કરવામાં આવ્યા હતા. વર્ષ 2021 અને 2022 દરમિયાન 28 પક્ષીઓ મુક્ત કરવામાં આવ્યા હતા, ત્યારબાદ વર્ષ 2023માં અન્ય 12 પક્ષીઓ મુક્ત કરાયા હતા. મુક્ત કરવામાં આવેલા પક્ષીઓમાંથી 11 નર પક્ષીઓમાં સેટેલાઇટ ટ્રાન્સમીટર ફીટ કરવામાં આવ્યા હતા, જેનાથી વૈજ્ઞાનિકો ઘણા વર્ષો સુધી તેમની હિલચાલ, વસવાટનો ઉપયોગ અને પ્રજનન વર્તણૂકને જાણી શક્યા હતા" તેમ જુનાગઢ વન વર્તુળનાં વન સરંક્ષક અને આ અભ્યાસના સહ-લેખક મોહન રામે જણાવ્યું હતું.
ગ્રે હોર્નબિલ દાયકાઓ પહેલા ગીરમાંથી અદૃશ્ય થઈ ગયા હતા, પરંતુ 1965માં ગીર વન્યજીવ અભયારણ્ય અને 1975માં ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની જાહેરાત પછી વસવાટના રક્ષણમાં થયેલા સુધારાએ આ પ્રજાતિને પાછી લાવવા માટે અનુકૂળ પરિસ્થિતિઓ ઊભી કરી હતી," તેમ અગ્ર મુખ્ય વન સરંક્ષક (વન્યજીવ) અને ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન ડો. જયપાલ સિંહે જણાવ્યું હતું.
ચિલોત્રા પક્ષી હવે ગીરમાં સ્થાયી થઇ ગયા
સેટેલાઇટ ટ્રેકિંગ દર્શાવે છે કે નવા મુક્ત કરાયેલા ઇન્ડિયન ગ્રે હોર્નબિલે શરૂઆતમાં અજાણ્યા વાતાવરણની શોધખોળ કરતી વખતે વ્યાપક પ્રવાસ કર્યો હતો અને ત્યારબાદ તેઓ પ્રમાણમાં નાના વિસ્તારોમાં સ્થાયી થયા હતા.
મુક્ત થયા પછીના પ્રથમ થોડા મહિના દરમિયાન, ચિલોત્રાએ સરેરાશ લગભગ 61 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં અવરજવર રાખી હતી. આ પછીથી આ વિસ્તારથી પરિચિત થઇ ગયા ત્યારે ઘટીને લગભગ 5.7 ચોરસ કિલોમીટર થઈ ગઈ.
તે જ રીતે, તેમની સરેરાશ દૈનિક હિલચાલ શોધખોળના તબક્કા દરમિયાન 4.3 કિલોમીટર હતી જે સ્થાયી થયા પછી ઘટીને 1.4 કિલોમીટર થઈ ગઈ હતી, જે ગીરની ઇકોસિસ્ટમ સાથે સફળ અનુકૂલન સૂચવે છે.
ઉલ્લેખનીય છે ગુજરાત વન વિભાગને ઘોરાડ પક્ષીનાં (ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ) સંરક્ષણ બાબતે થોડા દિવસો પહેલા જ એક મોટી સિદ્ધિ મળી હતી. જેમાં 'જમ્પ-સ્ટાર્ટ' ટેકનિક દ્વારા જન્મેલું ઘોરાડ પક્ષીનું બીજું બચ્ચું જન્મ પછીના કટોકટી જેવા ગણાતા 40 દિવસ સુધી જીવી ગયુ હતું.