નવી દિલ્હી: ફિફા ફૂટબૉલ વર્લ્ડ કપ 11મી જૂને શરૂ થયો એના પાછલા મહિને રેફરીની પૅનલમાંથી કાઢી નાખવામાં આવેલા નેધરલૅન્ડ્સના જાણીતા રેફરી રૉબ ડાઇપેરિન્કનું ઓચિંતુ નિધન થયું છે.
પ્રાથમિક અહેવાલ અનુસાર તેમના અવસાનનું કારણ જાણવા નહોતું મળ્યું, પરંતુ ઇંગ્લૅન્ડમાં તેમની વિરુદ્ધ એક પોલીસ તપાસ ચાલુ હોવાથી તેમને વર્લ્ડ કપની પેનલમાંથી ફિફા દ્વારા દૂર કરવામાં આવ્યા હતા.
જોકે રૉબ (Rob)ની કમનસીબી એ હતી કે ફિફાએ તેમને પૅનલમાંથી કાઢી નાખવાનો નિર્ણય લીધો ત્યાર પછી રૉબ સામેનો પોલીસ-કેસ પુરાવાના અભાવને પગલે પડતો મૂકવામાં આવ્યો હતો.
ડચ નેધરલૅન્ડ્સના ફૂટબૉલ ફેડરેશને એક નિવેદન બહાર પાડ્યું છે જેમાં જણાવવામાં આવ્યું છે કે રૉબના ઓચિંતા અવસાનથી ડચ ફૂટબૉલમાં મોટી ખોટ વર્તાશે. અમે એક નામાંકિત ફૂટબૉલ રેફરી ગુમાવ્યા છે.' ફિફાએ પણ રૉબના અવસાન બદલ શોક વ્યક્ત કર્યો છે.
એપ્રિલમાં બ્રિટિશ પોલીસે રૉબ વિરુદ્ધ એક ગુનો નોંધ્યો હતો. પોલીસ (Police)માં એવી ફરિયાદ થઈ હતી કે આ રેફરીએ એક ટીનેજ કિશોર પર જાતીય હુમલો કર્યો હતો. જોકે રૉબ વિરુદ્ધ પુરાવાના અભાવે કેસ પડતો મૂકવામાં આવ્યો હતો. ખુદ રૉબે પછીથી એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ‘મારી વિરુદ્ધ એક ડચ દૈનિકે ખોટો આક્ષેપ કર્યો હતો.'