ભુજઃ એક તરફ વરસાદ ખેંચાતાં સમગ્ર કચ્છ જિલ્લામાં માલધારીઓ અને પશુઓ માટે ઘાસચારા તેમજ પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે, તેવામાં મુન્દ્રા તાલુકાના છસરા ગામેથી આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. ગામની પાંજરાપોળમાં ગુણવત્તા વગરનો (સંભવતઃ ઝેરી) ચારો ખાવાના કારણે સોમવારે બપોર બાદ જોતજોતામાં એક પછી એક ૩૧ જેટલી ગાયોના કમકમાટીભર્યા મોત નીપજતાં પંથકમાં ગમગીની સાથે ભારે આક્રોશ ફેલાયો છે.
મળતી વિગતો મુજબ, છસરા જીવદયા કેન્દ્ર પાંજરાપોળમાં સોમવારે બપોરે એક વાગ્યાના અરસામાં પશુઓને રોજના ક્રમ મુજબ ઘાસચારો નાખવામાં આવ્યો હતો. ચારો ખાધા બાદ ગાયો વિશ્રામ કરી રહી હતી, ત્યાંરે આશરે ત્રણ વાગ્યાની આસપાસ અચાનક પશુઓની તબિયત લથડવા માંડી હતી. જોતજોતામાં ગાયો અને નાની વાછરડીઓ તરફડિયાં મારીને જમીન પર ઢળી પડી હતી અને મરણને શરણ થઈ હતી.
સ્થાનિક ગ્રામજનોના તર્ક મુજબ, પશુઓને લીલી મકાઈનો ચારો નીરવામાં આવ્યો હતો, જેમાં કોઈ ઝેરી અસર હોઈ શકે છે. આ ઘટનામાં ખાસ કરીને નાની વાછરડીઓ અને શારીરિક રીતે નબળી ગાયો વધુ ભોગ બની હતી.
ઘટનાની ગંભીરતાને પગલે તાકીદે ગૌસેવા આયોગ તેમજ ઉચ્ચ વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હતી. આ અંગે મુન્દ્રાના એસ.ડી.એમ. ભગીરથસિંહ ઝાલાનો સંપર્ક કરતાં તેમણે દુર્ઘટનાને સમર્થન આપતાં જણાવ્યું હતું કે, બનાવની માહિતી મળતાં જ પશુ ચિકિત્સકોની એક વિશેષ ટુકડી તાત્કાલિક ઘટનાસ્થળે મોકલી દેવાઈ હતી. ગંભીર હાલતમાં કણસતી ગાયોને તાકીદે ઈન્જેક્શન અને જરૂરી દવાઓનો ઓન-ધ-સ્પોટ ઉપચાર અપાતાં બીમારગ્રસ્ત ૭ ગાયોના જીવ બચાવી શકાયા છે. જો કે, કમનસીબે ૩૧ ગાયો કાળનો કોળિયો બની ગઈ છે. તંત્ર દ્વારા પાંજરાપોળ સત્તાવાળાઓને વધુ તકેદારી રાખવા અને ચારાનું સેમ્પલિંગ કરવા કડક સૂચના આપવામાં આવી છે.
કાચો ચારો વાઢવાથી દૂર રહેવા સરપંચની અપીલ
બીજી તરફ, છસરા ગામના સરપંચ ચેતન ચાવડાએ પ્રાથમિક અનુમાન વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, હાલમાં બજારમાં ઘાસચારાની તંગી હોવાથી ભાવો આસમાને પહોંચ્યા છે. ઘણીવાર ચારો કાચે-કાચો વાઢી લેવામાં આવતો હોવાથી તેમાં અતિશય નાઈટ્રેટ અથવા અન્ય કુદરતી ઝેરી તત્ત્વો પેદા થવાની સંભાવના રહે છે. તેમણે માલધારીઓને કાચો ચારો વાઢવાથી દૂર રહેવા અને પશુઓને આપતા પહેલાં તેની ચકાસણી કરવા સૂચન કર્યું છે. હાલમાં ગાયોના મોતના સત્તાવાર અને ચોક્કસ કારણો જાણવા માટે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
(ઉત્સવ વૈદ્ય)