Tue Jul 14 2026

Logo

ભાવનગરમાં રીંગણાનું બમ્પર ઉત્પાદન છતાં ખેડૂતો બેહાલ: 1 કિલોના માત્ર 3 રૂપિયા મળતા ફેંકવા મજબૂર

2026-07-14 13:19:00
Author: Mumbai Samachar Team
Article Image

ભાવનગરઃ જિલ્લામાં અનેક ખેડૂતો રીંગણાની ખેતી કરી રહ્યા છે. રીંગણાનું બમ્પર ઉત્પાદન થવા છતાં ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતા ભારે આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બજારમાં 1 કિલો રીંગણાના માત્ર 3 થી 5 રૂપિયા જેટલા ભાવ મળતા હોવાથી ખેડૂતો માટે ઉત્પાદન વેચવું પણ નુકસાનકારક બન્યું છે. પરિણામે અનેક ખેડૂતો બજારમાં લઈ જવાના બદલે ખેતરમાં જ રીંગણા ફેંકી તેનો નાશ કરવા મજબૂર બન્યા છે. ખેડૂતોએ જણાવ્યું કે હાલની સ્થિતિમાં મજૂરી, પરિવહન અને ઉત્પાદન ખર્ચ પણ નીકળતો નથી, જેના કારણે ભારે નિરાશા છવાઈ છે.

એક વીઘા દીઠ થાય છે આટલો ખર્ચ

ખેતીથી લઈને વાવેતર, ખાતર, દવાઓ, સિંચાઈ અને ઉત્પાદન સુધી એક વીઘા દીઠ અંદાજે 10થી 15 હજાર કરતા પણ વધુનો રૂપિયાનો ખર્ચ થાય છે.સામાન્ય રીતે એક વીઘામાંથી 50 હજાર રૂપિયાથી વધુનું ઉત્પાદન મળવાની શક્યતા રહેતી હોય છે, પરંતુ યોગ્ય ભાવ ન મળવાને કારણે આખી મહેનત પર પાણી ફરી વળ્યું છે. બજારમાં વેચાણ કરવાને બદલે રીંગણા ઉતારી ખેતરની વાડમાં ફેંકી તેનો નાશ કરવો પડી રહ્યો છે.

એક કિલોના ભાવ 3 રૂપિયાથી લઈને 5 રૂપિયા


આ અંગે ખેડૂત રાજુભાઈ સોલંકી એ જણાવ્યું કે હાલ મેં અઢી વીઘા જેટલી જમીનમાં રીંગણીનું વાવેતર કરેલું છે આ રીંગણીના પાકમાં ખેડતી લઈને વાવેતર અને ઉત્પાદન આવ્યા બાદ ખાતર દવા સહિત એક વીઘામાં 10 થી 15 હજાર રૂપિયા સુધીનો ખર્ચ થઈ જતો હોય છે. સારા ઉત્પાદનની આશા સાથે રીંગણાનું વાવેતર કર્યું હતું પરંતુ આ વર્ષે હાલ રીંગણાના ભાવ ખૂબ ઓછા મળી રહ્યા છે રીંગણા નું વેચાણ કરવા જઈએ તો એક કિલોના ભાવ 3 રૂપિયાથી લઈને 5 રૂપિયાની આસપાસ મળી રહ્યા છે. જો આ ભાવે રીંગણાનું અમે વેચાણ કરીએ તો અમારી મજૂરી ખર્ચ પણ તેમાંથી ઉભો થઈ શકે તેવી પરિસ્થિતિ નથી. 

આ વર્ષે ખૂબ જ નુકસાની 

હાલો રીંગણાનું ઉત્પાદન પણ ખૂબ સારું મળ્યું છે પરંતુ ભાવ નથી મળી રહ્યા જેથી રીંગણા ઉતારી તેને અમારા ખેતરની વાડમાં નાખી તેનો નાશ કરી રહ્યા છીએ એક વીઘા માંથી અમને 50,000 રૂપિયા કરતા પણ વધુનું ઉત્પાદન મળતું હોય છે પરંતુ યોગ્ય ભાવ ન મળવાના કારણે આ વર્ષે ખૂબ જ નુકસાની ગઈ છે. મેં અત્યાર સુધીમાં 100 મણ કરતાં પણ વધુ રીંગણા બહાર ફેંકી દીધા છે અને હવે રીંગણી અમે કાઢવા લાગ્યા છીએ ભાવ ન મળવાના કારણે તમારી આ વર્ષે કફોડી પરિસ્થિતિ બની છે. 

ભાડું પણ મોંઘું પડી રહ્યું છે

આ અંગે ખેડૂત મનુભાઈએ જણાવ્યું કે અમે છેલ્લા ઘણા સમયથી રીંગણીનું વાવેતર કરી રહ્યા છે આ વર્ષે પણ સારા ઉત્પાદનની આશા સાથે રીંગણીનું વાવેતર કર્યું હતું પરંતુ હાલ ભાવમાં ખૂબ જ ઘટાડો થયો છે જ્યારે ઉત્પાદન આવવાની શરૂઆત થઈ ત્યારે 30 રૂપિયા આસપાસ ભાવ મળતા હતા પરંતુ આજે એક કિલોના ભાવ 3 આસપાસ પહોંચી ગયા છે આ ભાવમાં અમારો ખર્ચ પણ ઊભો થાય તેવી પરિસ્થિતિ રહી નથી. ઉત્પાદન વધુ આવી રહ્યું છે જેથી રીંગણા તોડી ખેતરમાં તેનો અમે નાશ કરી રહ્યા છીએ વહેંચવા માટે જઈએ તો ભાડું પણ મોંઘું પડી રહ્યું છે.