Tue Jul 14 2026

Logo

બુમરાહ ઈઝ બેક! 2 વર્ષ બાદ વન-ડે ટીમમાં વાપસી, તોડશે અંગ્રેજોનો 'ઘમંડ'?

2026-07-14 14:55:58
Author: Mayur Patel
Article Image

નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે આજથી વન ડે સીરિઝ શરૂ થશે. ટી-20 સીરિઝમાં થયેલા કારમા પરાજય બાદ ટીમ ઈન્ડિયા તેના ધુરંધરો સાથે વન ડે ફોર્મેટમાં ઇંગ્લૅન્ડને પછાડવા મેદાનમાં ઉતરશે. ભારત તરફથી જસપ્રીત બુમરાહ ઇંગ્લૅન્ડ સામે રમાનારી 3 મેચની વન ડે સીરિઝની પ્રથમ મેચમાં રમતો નજરે પડી શકે છે. જોકે મહત્વની વાત એ છે કે બુમરાહ 968 દિવસ બાદ વન-ડે આંતરરાષ્ટ્રીય રમશે. 

ગુજરાતી ફાસ્ટ બોલર બુમરાહે તેની અંતિમ વન ડે 19 નેવમ્બર, 2023ના રોજ રમી હતી. જે બાદ તેણે એક પણ વન ડે આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. આમ તે બે વર્ષ અને આઠ મહિના બાદ ફરી વન ડે આંતરરાષ્ટ્રીય રમતો નજરે પડી શકે છે. ઉલ્લેખનીય છે કે આ તારીખે ભારત આઈસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઈનલ રમ્યું હતું.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતની હાર થઈ હતી. જે બાદ બુમરાહ વન ડે આંતરારાષ્ટ્રીય મેચ રમ્યો નહોતો. જેનું સૌથી મોટું કારણ બીસીસીઆઈ તેનો વર્કલોડ મેનેજ કરતું હતું. આ ઉપરાંત ઘણી વખત તે ઈજાગ્રસ્ત હોવાના કારણે વન ડે ટીમમાં પસંદગી માટે ઉપલબ્ધ નહોતો. 

2027માં રમાનારા વન ડે વર્લ્ડ કપની તૈયારીના ભાગરૂપે જસપ્રીત બુમરાહની ટીમમાં વાપસી થઈ છે. દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયામાં રમાનારા વર્લ્ડ કપ તૈયારીની ભારતીય ટીમ આજથી શરૂઆત કરશે.

બુમરાહની વન-ડે કરિયરમાં યોગદાન
જસપ્રીત બુમરાહ 2016થી અત્યાર સુધીમાં 89 વન ડે આંતરરાષ્ટ્રીય રમ્યો છે. જેમાં તેણે 4.60ની સરેરાશથી 149 વિકેટ ઝડપી છે. 19 રનમાં 6 વિકેટ તેનો સર્વશ્રેષ્ઠ દેખાવ ચે. તેણે વન ડેમાં ચાર વખત 6 વિકેટ અને બે વખત 5 કે તેથી વધુ વિકેટનું પરાક્રમ કર્યું છે.