માનવ સુથારનો સપાટોઃ ટીમ ઇન્ડિયાની 1-0થી અપરાજિત સરસાઈ
ગૉલઃ ટેસ્ટની ટીમ ઇન્ડિયાને અચાનક જ ઈશ્વરની બક્ષિસ તરીકે મળેલા લેફ્ટ-આર્મ સ્પિનર માનવ સુથાર (Suthar)એ ગઈ કાલે અહીં ગૉલમાં સ્પિનરોને વધુ ફાયદો કરાવતી પિચ પર શ્રીલંકા સામે સિરીઝની પ્રથમ ટેસ્ટ (Test)માં છેલ્લાં દિવસે બીજા દાવમાં પંચાવન રનમાં છ વિકેટ લઈને ભારતને શાનદાર વિજય અપાવ્યો હતો જેની મદદથી ભારતે બે મૅચની સિરીઝમાં 1-0થી અપરાજિત સરસાઈ મેળવી લીધી હતી. આશ્ચર્યની વાત એ છે કે બપોરે મૅચ પૂરી થઈ એની પાંચ મિનિટ બાદ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. નસીબજોગે, શુભમન ગિલ ઍન્ડ કંપનીને બુધવાર સવારથી મેઘરાજા નડ્યા નહોતા અને માનવ સુથારે છેલ્લી ચારેય વિકેટ લીધી ત્યાં સુધી કોઈ અડચણ નહોતી આવી અને ભારત જીતી ગયું હતું.
600મી ટેસ્ટમાં 165 રનથી વિજય
ભારતની આ 600મી ઐતિહાસિક ટેસ્ટ હતી જેમાં શ્રીલંકા 372 રનના લક્ષ્યાંક સામે ફક્ત 206 રનમાં ઑલઆઉટ થઈ જતાં ભારતનો 165 રનથી વિજય થયો હતો. ભારતે 600માંથી 187 ટેસ્ટ જીતી છે અને 188 ટેસ્ટમાં પરાજય જોવો પડ્યો છે. 224 ટેસ્ટ ડ્રૉમાં ગઈ છે અને એક ટેસ્ટ ટાઇ (1986માં ઑસ્ટ્રેલિયા સામે) થઈ છે.
For his maiden Test ton that laid the foundation and an equally important knock in the second innings, @devdpd07 receives the Player of the Match award 👏👏#SLvIND #TeamIndia pic.twitter.com/EY7bbMT92f
— BCCI (@BCCI) August 19, 2026
પડિક્કલ મૅન ઑફ ધ મૅચ
માનવ સુથારે આખી મૅચમાં કુલ 131 રનમાં 10 વિકેટ મેળવી હતી. બુધવારે એક સમયે તે બે બૉલમાં બે વિકેટ લીધા બાદ હૅટ-ટ્રિક પર હતો, પણ એમાં સફળ નહોતો થયો. પ્રથમ દાવમાં 167 રન અને બીજા દાવમાં 44 રનનું યોગદાન આપનાર દેવદત્ત પડિક્કલને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
Smiles all around in Galle! 😊
— BCCI (@BCCI) August 19, 2026
📽️ Reactions after #TeamIndia took a 1-0 lead after a splendid win in the 1st #SLvIND Test 👌👌 pic.twitter.com/zWfX9WKOAm
ત્રણ મોટી હાર બાદ હવે વિજયની દિશામાં
ભારતે છેલ્લાં દોઢ વર્ષ દરમ્યાન છમાંથી ત્રણ મોટા દેશ (ન્યૂ ઝીલૅન્ડ, ઑસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા) સામેની ટેસ્ટ શ્રેણીમાં પરાજય જોવો પડ્યો હતો. ખાસ કરીને ઘરઆંગણાની ટર્નિંગ પિચો પર જ ભારતે ન્યૂ ઝીલૅન્ડ સામે 0-3થી અને સાઉથ આફ્રિકા સામે 0-2થી હાર જોવી પડી હતી. એ બે મોટા આઘાત બદલ ભારતીય ટીમ થોડા નબળા આત્મવિશ્વાસ સાથે શ્રીલંકામાં આવી હતી, પરંતુ માનવ સુથાર ઉપરાંત રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ તથા મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના સહિતના પાંચ બોલરે તેમ જ ખાસ કરીને બૅટ્સમેનો દેવદત્ત પડિક્કલ, કે. એલ. રાહુલ તેમ જ રિષભ પંતે ટીમને જ્વલંત જીત અપાવીને ગુમાયેલો આત્મવિશ્વાસ પાછો અપાવ્યો છે. નવા ફીલ્ડિંગ-કોચ શુભદીપ ઘોષની દેખરેખમાં ભારતીયોની ફીલ્ડિંગમાં પણ (ખાસ કરીને કૅચિંગમાં) ઘણો સુધારો થયો છે જેની સીધી અસર શ્રીલંકા સામેની ટેસ્ટમાં જોવા મળી છે.