ગૉલઃ રાજસ્થાનમાં પાકિસ્તાન સાથેના સરહદી વિસ્તારમાં આવેલા શ્રી ગંગાનગર શહેરના 24 વર્ષીય લેફ્ટ-આર્મ સ્પિનર માનવ સુથારે બે મહિના પહેલાં અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટમાં રમીને ટેસ્ટ-ક્રિકેટમાં ડેબ્યૂ કરીને એમાં કુલ સાત વિકેટ અને બુધવારે ગૉલમાં શ્રીલંકા સામે પૂરી થયેલી સિરીઝની પ્રથમ ટેસ્ટમાં કુલ 10 વિકેટ સહિત બે મૅચમાં કુલ 17 વિકેટ લઈને ક્રિકેટ જગતમાં સનસનાટી મચાવી દીધી છે ત્યારે તેની કેટલીક ખાસિયતો પર ખુદ તેના જ સાથી ખેલાડી અને વાઇસ-કૅપ્ટન કે. એલ. રાહુલે પ્રકાશ પાડ્યો છે.
સ્પિનર માનવ સુથારે ગૉલ (Galle) ટેસ્ટના પ્રથમ દાવમાં 76 રનમાં ચાર વિકેટ અને બીજા દાવમાં પંચાવન રનમાં છ વિકેટ (કુલ 131 રનમાં 10 વિકેટ) લીધી હતી. માનવ સુથાર (Manav Suthar) વિશે રાહુલે બુધવારે શ્રીલંકા સામેના પ્રથમ ટેસ્ટના વિજય બાદ પીટીઆઇને કહ્યું, `માનવ બૉલની ઝડપ એવી રીતે બદલતો હોય છે કે બૅટ્સમૅન તેની બોલિંગ ઍક્શન પરથી બૉલની ગતિને પારખી જ ન શકતો. તેની ગજબની સચોટ બોલિંગની સૌથી મોટી ખૂબી એ છે કે તે એકસરખી બોલિંગ-ઍક્શનથી ચતુરાઈપૂર્વક બૉલમાં વિવિધતા લાવતો રહે છે. તે ધીમા અને થોડી ગતિવાળા બૉલ એક જ પ્રકારની ઍક્શનથી ફેંકી જાણે છે. એકસરખી ઍક્શનમાં તેના ઓચિંતા વૅરિએશનને કારણે બૅટ્સમૅન ગૂંચવાઈ જાય છે.'
PTI
ખાસ સ્પૉટ પર બૉલ ફેંકીને બૅટ્સમૅનને મૂંઝવે
રાહુલ (Rahul)એ માનવ વિશે એવું પણ કહ્યું કે `ગૉલના મેદાન પર જ્યારે પવન એક જ દિશામાં ફૂંકાતો હતો ત્યારે માનવે નિયંત્રણપૂર્વક બૉલને આપોઆપ ગતિ આપી હતી અને તેના બૉલ વધુ ટર્ન પણ થયા હતા એટલે બૅટસમૅન વિકેટ ગુમાવી બેઠા હતા. આવી કરામત તે ભારતમાં પણ બતાવી ચૂક્યો છે. તે પિચ પર એવા ખાસ સ્પૉટ શોધી રાખતો હોય છે અને બૉલ બરાબર એ સ્પૉટ પર જ ફેંકે છે એટલે બૅટ્સમૅન મુશ્કેલીમાં મુકાઈ જાય છે. તેની આ બહુ મોટી ખાસિયત છે.'
રાહુલે માનવ વિશે વધુમાં કહ્યું, `માનવ એવા બૉલ ફેંકે છે જેમાં બૅટ્સમૅનની વધુ મૂવમેન્ટ ન હોય તો તેને મૂવ કરવાની ફરજ પાડે છે. તે બૅટ્સમૅનને યા તો એલબીડબ્લ્યૂ થવાની ફરજ પાડે છે અથવા કૅચ આપી દેવાની ભૂલ કરાવી બેસે છે.'
An absolute display of skill and precision as Manav Suthar picks up 10 wickets in the 1st Test.
— BCCI (@BCCI) August 19, 2026
A glimpse of how he fared in his last ten deliveries in the second innings 👌👌#SLvIND #TeamIndia pic.twitter.com/B3QVZdhPuG
કૅપ્ટન ગિલ પણ માનવ પર આફરીન
કૅપ્ટન શુભમન ગિલે પણ પીટીઆઇને કહ્યું હતું કે `માનવ સુથારે અપ્રતિમ બોલિંગ કરી. મને લાગે છે કે તે લાંબા સમય સુધી ભારતીય ક્રિકેટને ઉપયોગી બનતો રહેશે.'
હું યશસ્વી પાસેથી શીખતો હોઉં છુંઃ રાહુલ
ઉપ-સુકાની કે. એલ. રાહુલ ટેસ્ટ ટીમનો સૌથી સિનિયર ખેલાડી છે. તેણે પત્રકારોને બુધવારે કહ્યું, `ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ-રૂમમાં વાતાવરણ બહુ જ સારું છે. હું માંડ 20-30 ટેસ્ટ રમ્યો છું, પણ એક સમય હતો જ્યારે 60-70 ટેસ્ટ રમી ચૂકેલા ખેલાડીઓ પણ કોઈ પણ પ્રકારના અહમ વિના સાથીઓ સાથે મુક્ત મનથી સલાહ મસલત કરતા હતા અને યુવાન ખેલાડીઓ પાસેથી કંઈક શીખવાનો અભિગમ રાખતા હતા. હું પોતે નવા ખેલાડીઓ પાસેથી કંઈક શીખવાનું પસંદ કરતો હોઉં છું. યશસ્વી જયસ્વાલને તેના સ્વીપ અને રિવર્સ-સ્વીપ શૉટ વિશે પૂછતો હોઉં છું અને તે પોતાના વિચારો શૅર કરતો હોય છે. સીમ તથા સ્વિંગ બોલિંગ સામે ક્યાં કેવી રીતે રમવું અને કલાકે 150 કિલોમીટરની ઝડપે બૉલ ફેંકતા બોલરનો સામનો કેવી રીતે કરવો એવા મુદ્દા પર પણ ડ્રેસિંગ-રૂમમાં ચર્ચા થતી રહેતી હોય છે.'