Tue Jul 14 2026

Logo

હોર્મુઝમાં UAEના ટેન્કરો પર ઇરાનનો હુમલો, એક ભારતીયનું મોત; 8 લોકો ઘાયલ

Tehran   2026-07-14 08:33:00
Author: Mumbai Samachar Team
Article Image

તેહરાન: સંયુક્ત આરબ અમીરાત (UAE) ના સંરક્ષણ મંત્રાલયે મંગળવારે જણાવ્યું કે હોર્મુઝમાં યુએઈનો ધ્વજ ધરાવતા બે ટેન્કરો પર ઈરાની ક્રૂઝ મિસાઈલો દ્વારા કરવામાં આવેલા હુમલામાં ક્રૂના એક ભારતીય સભ્યનું મોત નીપજ્યું છે. આ હુમલામાં અન્ય આઠ સભ્યો ઘાયલ પણ થયા છે, જેમાંથી ચારની હાલત ગંભીર છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં મંત્રાલયે જણાવ્યું કે ઓમાનના જળક્ષેત્રમાં હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) ના દક્ષિણી લેનમાં 'મોમ્બાસા' અને 'બાહિયા' નામના ટેન્કરોને નિશાન બનાવવામાં આવ્યા હતા.

હુમલામાં 1 ભારતીયનું મોત

સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઘાયલોમાં છ ભારતીય નાગરિકો અને બે યુક્રેનિયન નાગરિકો સામેલ છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ હુમલાના પરિણામે ટેન્કર 'મોમ્બાસા'ના ક્રૂના એક ભારતીય સભ્યએ જીવ ગુમાવ્યો છે અને અન્ય 8 લોકો ઘાયલ થયા છે. તેમાંથી 4 લોકોને ગંભીર ઇજાઓ થઇ છે, જેમાં ઘાયલોમાં 6 ભારતીય નાગરિકો અને 2 યુક્રેનિયન નાગરિકો છે.

સંરક્ષણ મંત્રાલયે એ પણ માહિતી આપી હતી કે મિસાઇલ હુમલાના કારણે બંને જહાજોમાં આગ લાગી ગઈ હતી, પરંતુ બાદમાં તેના પર સંપૂર્ણ રીતે કાબૂ મેળવી લેવાયો હતો.

યુએઈએ કરી કડક નિંદા, જવાબી કાર્યવાહીની ચેતવણી

યુએઈએ આ હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી છે. આને ગંભીર ઉલ્લંઘન અને આંતરરાષ્ટ્રીય કાયદાનું સ્પષ્ટ ઉલ્લંઘન ગણાવીને ક્ષેત્રની સુરક્ષા અને સ્થિરતા માટે "ખતરો" ગણાવ્યો છે.

યુએઈ સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશ આ તણાવપૂર્ણ સ્થિતિનો જવાબ આપવાનો પોતાનો સંપૂર્ણ અધિકાર અનામત રાખે છે અને પોતાનું સાર્વભૌમત્વ, નાગરિકો, રહેવાસીઓ તેમજ રાષ્ટ્રીય હિતોની રક્ષા માટે તમામ જરૂરી પગલાં લેશે. સંરક્ષણ મંત્રાલયે પણ જણાવ્યું કે તેના સશસ્ત્ર દળો હાઈ એલર્ટ પર છે અને કોઈપણ પ્રકારના જોખમનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

ગેરકાયદેસર અવરજવર પર આપી હતી ચેતવણી

યુએઈની આ જાહેરાત ઈરાનના એ દાવા પછી સામે આવી છે, જેમાં તેણે કહ્યું હતું કે તેના રિવોલ્યુશનરી ગાર્ડ્સે હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થવાનો પ્રયાસ કરી રહેલા બે જહાજો પર ચેતવણીરૂપ ફાયરિંગ કર્યું હતું.

ઈરાનના સરકારી ટેલિવિઝને અહેવાલમાં જણાવ્યું હતું કે આ વ્યૂહાત્મક જળમાર્ગમાંથી કથિત રીતે ગેરકાયદેસર રીતે પસાર થવાને કારણે જહાજોને રિવોલ્યુશનરી ગાર્ડ્સની નૌસેના દ્વારા ચેતવણીરૂપ ગોળીઓ દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હતા અને રોકવામાં આવ્યા હતા.