Tue Jul 14 2026

Logo

ધોળાવીરાની ધરોહર: કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયે શેર કરી વિશ્વના સૌથી પ્રાચીન સાઇનબોર્ડની તસવીર

2026-07-14 10:21:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજઃ કચ્છના સીમાવર્તી ખાવડા વિસ્તારના ખડીર બેટ પર આવેલું અને વૈશ્વિક વિરાસત તરીકે ખ્યાતિપ્રાપ્ત ઐતિહાસિક સ્થળ ધોળાવીરા ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તાજેતરમાં કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય દ્વારા ધોળાવીરામાંથી મળી આવેલી વિશ્વની સૌથી જૂની જાહેર સૂચના પટ્ટી (સાઇનબોર્ડ)ની એક વિશિષ્ટ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે. સિંધુ ખીણની સંસ્કૃતિના સમયગાળાની આ સૂચના પટ્ટી આશરે ૪૦૦૦ વર્ષ કરતાં પણ વધુ પ્રાચીન હોવાનું માનવામાં આવે છે.

ગુજરાતના કચ્છ જિલ્લામાં સ્થિત ધોળાવીરા એ હડપ્પીયન. સંસ્કૃતિનું એક અત્યંત સમૃદ્ધ, મોટું અને સુઆયોજિત નગર હતું. પ્રાચીન સમયમાં મહાસાગરના વ્યાપારી માર્ગો સાથે જોડાયેલું આ નગર તે જમાનામાં દરિયાઈ વેપારનું એક મુખ્ય કેન્દ્ર હતું. અહીં હાથb ધરવામાં આવેલા ઉત્ખનન દરમિયાન મળી આવેલા અવશેષો પ્રાચીન ઇજનેરી કળા, કિલ્લેબંધી, બેનમૂન નગર રચના અને અદ્યતન જળ વ્યવસ્થાપન (વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ)ની સાક્ષી પૂરે છે. આ ઐતિહાસિક મહત્વને ધ્યાને રાખીને વર્ષ ૨૦૨૧માં યુનેસ્કો દ્વારા ધોળાવીરાને 'વર્લ્ડ હેરિટેજ સાઇટ' તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.

ઐતિહાસિક વિગતો મુજબ, વર્ષ વર્ષ ૧૯૯૦-૯૧ દરમિયાન આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા નગરના ઉત્તર પ્રવેશદ્વાર પર કરવામાં આવેલા ઉત્ખનન દરમિયાન આ અનન્ય સૂચના પટ્ટી મળી આવી હતી. આ સાઇનબોર્ડ પર સિંધુ લિપિના ૧૦ મોટા ચિહ્નો અંકિત થયેલા છે, જેમાં પ્રત્યેક અક્ષરની ઊંચાઈ આશરે ૩૬ સેન્ટીમીટર છે. આ અક્ષરોને સફેદ જીપ્સમ (ચિરોડી)ના મિશ્રણથી તૈયાર કરવામાં આવ્યા હતા. સમય જતાં જે લાકડાના પાટિયા પર આ અક્ષરો જડવામાં આવ્યા હતા તે લાકડું તો નાશ પામ્યું, પરંતુ માટીમાં દબાયેલા આ ચિહ્નો તેની મૂળ સ્થિતિમાં અકબંધ મળી આવ્યા હતા.

પુરાતત્વવિદો અને ઇતિહાસકારોના મતે, આ પટ્ટીનો ઉપયોગ નગરના મુખ્ય પ્રવેશદ્વારની ઓળખ આપવા અથવા કોઈ મહત્વપૂર્ણ વહીવટી સૂચના જાહેર કરવા માટે કરવામાં આવ્યો હશે. જોકે, સિંધુ ખીણની સંસ્કૃતિની રહસ્યમય લિપિ હજુ સુધી ઉકેલી શકાઈ ન હોવાથી, આ બોર્ડ પર ખરેખર શું લખ્યું છે તેનો ચોક્કસ અર્થ હજુ પણ એક વણઉકેલાયેલો કોયડો છે. કચ્છના ધોળાવીરામાંથી મળેલી આ ઐતિહાસિક કડી માત્ર ભારત માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે અત્યંત ગૌરવરૂપ છે; કારણ કે તે હડપ્પીયન સંસ્કૃતિના લોકોની સાક્ષરતા, ઉચ્ચ નગરજીવન અને જાહેર સંદેશાવ્યવહારની પદ્ધતિનો વિશ્વનો સૌથી પ્રાચીન અને જીવંત પુરાવો પૂરો પાડે છે.

(ઉત્સવ વૈદ્ય)