ભુજ: અધિક જેઠ બાદ હવે જેઠ માસ પણ પૂર્ણતાના આરે છે, તેમ છતાં કચ્છમાં હજુ સુધી સાર્વત્રિક વરસાદ નોંધાયો નથી. જોકે, મંગળવારે સવારે ભુજ અને તેની આસપાસના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ વરસતાં લોકોને અસહ્ય બફારામાંથી થોડી રાહત મળી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આમ છતાં, હવામાન વિભાગના તાજા વર્તારા અનુસાર, આગામી એક સપ્તાહ દરમિયાન જિલ્લામાં કોઈ મોટી મેઘમહેર થાય તેવી શક્યતા ખૂબ ઓછી દેખાઈ રહી છે. વરસાદ ખેંચાવાને કારણે જિલ્લામાં પાણી અને પશુઓ માટે ઘાસચારાની સ્થિતિ ક્રમશઃ વિકટ બની રહી છે.
છેલ્લા ચારેક દિવસથી જિલ્લામાં ફૂંકાઈ રહેલા 'બિપરજોય વાવાઝોડા'ની યાદ અપાવતા તેજ પવનોની ગતિમાં આંશિક ઘટાડો નોંધાયો હતો. આમ છતાં, સરેરાશ ૨૦ થી ૨૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનું ચાલુ રહેતાં વાતાવરણ ધૂંધળું રહ્યું હતું. ભુજ અને કંડલા પોર્ટમાં મહત્તમ તાપમાન ૩૫ ડિગ્રી સેલ્સિયસ જ્યારે કંડલા (એરપોર્ટ) ખાતે ૩૫.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. લઘુતમ તાપમાન ૨૭ થી ૨૯ ડિગ્રી વચ્ચે રહેતાં વાતાવરણમાં ભેજયુક્ત ઉકળાટ જળવાયેલો રહ્યો હતો. હવામાનશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર, જુલાઈના અંતિમ સપ્તાહમાં એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે. જો આ સિસ્ટમ સાનુકૂળ રીતે આગળ વધશે, તો ગુજરાતની સાથે કચ્છમાં પણ વરસાદનો એક સારો રાઉન્ડ આવી શકે છે.
દરમ્યાન, ચાલુ વર્ષે ચોમાસા પર 'અલ નીનો'ની પ્રતિકૂળ અસરો જોવા મળી રહી છે, જેના કારણે વરસાદ અત્યાર સુધી અસમાન રહ્યો છે. જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર, આવી કુદરતી પરિસ્થિતિ દર છ-સાત વર્ષે સર્જાતી હોય છે. નૈઋત્યનું ચોમાસું જૂન મહિનામાં આગળ વધતું અટકી ગયું હતું અને હવે જુલાઈમાં તે ધીમે-ધીમે સક્રિય થઈ રહ્યું છે.
ગ્રહદશાની ગણતરી મુજબ, ૧૪ જુલાઈથી ચંદ્ર અને ગુરુની યુતિથી જળતત્વને અનુકૂળ સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. જેના કારણે આગામી ૧૭ થી ૧૯ જુલાઈ દરમિયાન વરસાદી માહોલ સર્જાવાની શક્યતા છે. જ્યારે ૨૪ થી ૨૬ જુલાઈ દરમિયાન ગુજરાતમાં વ્યાપક વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં પુનર્વસુ અને પુષ્ય નક્ષત્ર વરસાદ માટે અત્યંત સાનુકૂળ હોવાથી, આગામી સમયમાં પાછોતરો વરસાદ ઘણો સારો રહેશે તેવી આશા જ્યોતિષીય ગણતરીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યમાં સિઝનનો સરેરાશ કેટલો વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર મુજબ, રાજ્યમાં સિઝનનો સરેરાશ 24.64 ટકા વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 34.70 ટકા, સૌરાષ્ટ્રમાં 27.61 ટકા, પૂર્વ મધ્યમાં 17.31 ટકા, ઉત્તર ગુજરાતમાં 14.09 ટકા અને કચ્છમાં 1.92 ટકા વરસાદ પડ્યો છે.
(ઉત્સવ વૈદ્ય)