Tue Jul 14 2026

Logo

મૂળ અમરેલીના ક્લાસ-1 અધિકારીએ પત્નિ સુરત ગયા હતા ત્યારે કરી લીધો આપઘાત, કારણ જાણી ચોંકી જશો

2026-07-14 13:04:00
Author: Mayur Patel
Article Image

ભરૂચઃ મૂળ અમરેલીના ક્લાસ-1 અધિકારીએ પત્નિ સુરત ગયા હતા ત્યારે આપઘાત કરતાં ચકચાર મચી ગઈ હતી. ઝાડેશ્વરની રામેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતા આયોજન વિભાગના ક્લાસ-1 અધિકારી પિયુષભાઈ ઉકાણી ક્રેડિટ કાર્ડના દેવાથી ઉભા થયેલા આર્થિક સંકટની સુસાઈડ નોટ લખી બાલ્કનીમાં ફાંસો ખાઈ લીધો હતો. 

ભરૂચમાં આયોજન વિભાગના ક્લાસ-1 અધિકારી પિયુષભાઈ ઉકાણી એક મહિના પહેલા જ બદલી થઈને આવ્યા હતા. મૃતક અધિકારી અમરેલીના વતની હતા. તેઓ ભરૂચની ઝાડેશ્વર વિસ્તારની રામેશ્વર પાર્ક સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા હતા.ઘટના સમયે તેમના પત્ની સુરત ગયા હોવાથી તેઓ ઘરે એકલા જ હતા. તેમણે ઘરની બાલ્કનીમાં ગળેફાંસો ખાધો હતો. મકાન માલિકને જાણ થતાં તેમણે પોલીસને બોલાવી હતી.

પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ મળી આવી હતી. તેમાં ક્લાસ-1 અધિકારીએ આર્થિક કટોકટી, બેંકની લોન અને ક્રેડિટ કાર્ડના દેવાના કારણે ભારે માનસિક તણાવમાં હતા, જેનાથી કંટાળીને તેમણે આ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે.  

પોલીસે ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કર્યા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. ક્લાસ-1 અધિકારીએ કોઈ બેંક, નાણાકીય સંસ્થા અથવા અન્ય માધ્યમથી લોન લેવામાં આવી હતી કે કેમ, ક્રેડિટ કાર્ડનું કેટલું દેવું હતું તેમજ કોઈ પ્રકારનું આર્થિક દબાણ કે અન્ય કારણ જવાબદાર હતું કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ હાથ ધરી હતી. તેમજ ઘટનાસ્થળેથી મળેલી નોંધના આધારે કાર્યવાહી શરૂ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, આ ઘટનાએ વધતા આર્થિક દબાણ અને દેવાના બોજને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઊભા કર્યા છે.  પોલીસ તપાસ, પોસ્ટ મોર્ટમ રિપોર્ટ અને અન્ય પુરાવાના આધારે જ અધિકારીના જીવન ટૂંકાવવાનું કારણ સ્પષ્ટ થઈ શકશે.